ભારત અને પાકિસ્તાનની ટીમ એકબીજાના દેશમાં ક્રિકેટ નહીં રમે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની તમામ મેચ ન્યુટ્રલ વેન્યૂ પર રમાશે. પાકિસ્તાની ટીમ 2027 સુધી કોઈપણ ટુર્નામેન્ટ માટે ભારત નહીં આવે. તેની મેચ પણ તટસ્થ સ્થળોએ યોજાશે. ICCના આ નિર્ણયની માહિતી ગુરુવારે બહાર આવી છે. આ નિર્ણય અગાઉ બેઠકમાં લેવામાં આવ્યો હતો. 2025નો મહિલા ODI વર્લ્ડ કપ ભારતમાં, T-20 વર્લ્ડ કપ 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાવાનો છે. અગાઉ, જ્યારે ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હાઇબ્રિડ મોડલમાં યોજવા વિશે જણાવ્યું હતું, ત્યારે PCBએ ICC સમક્ષ ટીમને ભારત ન મોકલવાની માગ કરી હતી, જેને હવે ICCએ સ્વીકારી લીધી છે. પાકિસ્તાનમાં 2028 મહિલા વર્લ્ડ કપ રમાશે
ICC બોર્ડે પુષ્ટિ કરી છે કે મહિલા વર્લ્ડ કપ 2028 પાકિસ્તાનમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં પણ ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમની મેચ તટસ્થ સ્થળો પર રમાશે. બધા 15 સભ્યો હાઇબ્રિડ મોડલ માટે સંમત
ICCના નવા અધ્યક્ષ જય શાહની હાજરીમાં 5 ડિસેમ્બરે બોર્ડના તમામ સભ્યોની બેઠક યોજાઈ હતી. જય શાહ આ મહિને દુબઈમાં હેડક્વાર્ટર પણ પહોંચ્યા હતા. બેઠકમાં બોર્ડના તમામ 15 સભ્યો હાઇબ્રિડ મોડલ માટે સંમત થયા હતા. પાકિસ્તાને પણ બેઠકમાં નિર્ણયનો વિરોધ કર્યો ન હતો. PCBની માંગણીઓ નિર્ણયમાં વિલંબ કેમ થયો?
શરૂઆતમાં ભારતે આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાની ના પાડી દીધી હતી. પહેલા તો પાકિસ્તાન એ વાત પર અડગ રહ્યું કે ભારતે પાકિસ્તાન આવવું જ પડશે, પરંતુ ભારતના કડક વલણ બાદ આખરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે સંમતિ આપી છે. જ્યારથી પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાની તક મળી ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે ભારતીય ટીમ પાકિસ્તાન જવાની ના પાડી શકે છે. ભારતે અગાઉ 2023માં એશિયા કપ રમવા માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ એશિયા કપમાં ભારતની મેચ શ્રીલંકામાં યોજાઈ હતી. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ સૌપ્રથમ તમામ ભારતીય મેચો લાહોરમાં યોજવાનો અને મેચ બાદ ખેલાડીઓને ભારત મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે ભારતે આ વાત સ્વીકારી ન હતી ત્યારે PCBએ પણ હાઇબ્રિડ મોડલ માટે ના પાડી દીધી હતી. પાકિસ્તાનની ટીમ ODI વર્લ્ડ કપ માટે ભારત આવી હતી
પાકિસ્તાનની ટીમ ગયા વર્ષે ODI વર્લ્ડ કપ રમવા ભારત આવી હતી. ત્યારે 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 19 રનમાં 2 વિકેટ લીધી હતી. મુંબઈમાં આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન જઈ રહ્યું નથી
ભારતીય ટીમે 2007-08થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. 2008માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડી દીધી હતી. ત્યારથી બંને ટીમ માત્ર ICC અને ACC ટુર્નામેન્ટમાં જ રમે છે. 2013 થી, બંને ટીમ તટસ્થ સ્થળો પર 13 ODI અને 8 T20 મેચ રમી છે. 2009 દરમિયાન પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પર આતંકવાદી હુમલો પણ થયો હતો.