બાબા સાહેબ આંબેડકર પર અમિત શાહના નિવેદનના કારણે બિહારમાં રાજકારણ ગરમાયું છે. RJD સુપ્રીમો લાલુ યાદવે ગૃહમંત્રી અમિત શાહના નિવેદન મામલે કહ્યું- ‘અમિત શાહ પાગલ થઈ ગયા છે. તેઓ બાબા સાહેબને નફરત કરે છે. અમે તેઓ બોલ્યા તે જોયું અને સાંભળ્યું છે. બાબા સાહેબ મહાન છે, તેઓ ભગવાન છે. લાલુએ વધુમાં કહ્યું કે ‘શાહે રાજકારણ છોડી દેવું જોઈએ, રાજીનામું આપવું જોઈએ અને ભાગી જવું જોઈએ.’ આ તરફ દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે નીતિશ કુમારને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે મુખ્યમંત્રીએ અમિત શાહના નિવેદનની નિંદા કરવી જોઈએ. તેમજ આ નિવેદન પર તેમણે ભાજપને આપેલ સમર્થન પાછું ખેંચી લેવું જોઈએ. આ પહેલા બુધવારે તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા X પર લખ્યું હતું- ‘ભાજપવાળા કાન ખોલીને સાંભળો, બાબા સાહેબ આંબેડકર અમારી ફેશન પણ છે, જુસ્સો પણ છે અને પ્રેરણા પણ છે. આરએસએસ-ભાજપના લોકોએ પહેલા મહાત્મા ગાંધીજીને અપશબ્દો કહ્યા, પછી જનનાયક કર્પુરી ઠાકુર, પછી નેહરુ અને હવે આંબેડકરને અપશબ્દો કહી રહ્યા છે.’ ગૃહમંત્રી શાહે મંગળવારે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, ‘આ હવે એક ફેશન બની ગઈ છે. આંબેડકર, આંબેડકર… જો તમે અટલું નામ ભગવાનનું લીધું હોત, તો તમને સાત જન્મો સુધી સ્વર્ગ મળી ગયું હોત. કોંગ્રેસે આને આંબેડકરનું અપમાન ગણાવીને શાહના રાજીનામાની માંગ કરી છે. શાહે નિવેદન પર સ્પષ્ટતા કરી ગૃહમંત્રી અમિત શાહે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યસભામાં આંબેડકર વિશેની તેમની ટિપ્પણી પર સ્પષ્ટતા આપી હતી. શાહે કહ્યું- સંસદમાં વાતચીત તથ્યો અને સત્ય પર આધારિત હોવી જોઈએ. ભાજપના સભ્યોએ પણ આવું જ કહ્યું હતું. જ્યારે કોંગ્રેસ આંબેડકર વિરોધી, અનામત વિરોધી, બંધારણ વિરોધી હોવાનું સાબિત થઈ ગયું છે, ત્યારે કોંગ્રેસે પોતાની જૂની વ્યૂહરચના અપનાવી અને નિવેદનને તોડીમરોડીને રજુ કરવાનું શરૂ કર્યુ. શાહે કહ્યું- ખડગેજી રાજીનામું માંગી રહ્યા છે, તેઓ ખુશ થઈ રહ્યા છે તો કદાચ હું આપી પણ દઉ પણ તેનાથી તેમને કોઈ ફાયદો થશે નહીં. હજી 15 વર્ષ સુધી તેઓ જ્યાં છે ત્યાં જ બેસી રહેવું પડશે, મારા રાજીનામાંથી તેમનું કામ નહીં થાય. અગાઉ, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર પર અમિત શાહની ટિપ્પણી મામલે ખડગેએ બુધવારે સાંજે લગભગ 4.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે વડાપ્રધાન મોદી પાસે માગ કરી હતી કે રાત્રે 12 વાગ્યા પહેલા ગૃહમંત્રી અમિત શાહને બરતરફ કરી દો. તેમણે આરોપ લગાવ્યો કે મોદી અને શાહ એકબીજાના પાપો અને શબ્દોનો બચાવ કરે છે. પોતાના પાપને છુપાવવા માટે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે – ગિરિરાજ આજે દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી અને બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહે કહ્યું- ‘કોંગ્રેસમાં હિંમત હોય તો આખો વીડિયો બતાવે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા ઉપવાસ અને મૌન વ્રત પાળવું જોઈએ. પોતાના પાપને છુપાવવા માટે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. લાલુ યાદવના નિવેદન પર બીજેપી પ્રવક્તા અરવિંદ સિંહે કહ્યું, ‘જ્યારે દેશના ગૃહમંત્રી અમિત શાહે સત્ય કહ્યું તો તમે બાબા સાહેબ વિશે શું વિચારો છો? જેથી વિપક્ષ અકળાયો છે. લાલુ યાદવ જેવા રાજકીય જોકર આવા નિવેદનો કરી રહ્યા છે. ભાજપના પ્રવક્તા અરવિંદ સિંહે કહ્યું- લાલુજી, થોડી શરમ કરો. આજે ખુરશી માટે ચરણ વંદના કરી રહ્યા છે. તમે લોકો દલિતોના હત્યારા છો. તમે લોકોએ બાબા સાહેબને ચૂંટણીમાં હરાવવાનું કામ કર્યું હતું. તમને લાગે છે કે ગૃહમંત્રી ખોટું બોલી રહ્યા છે. તમે રાજકીય ગુનેગારો અને છેતરપિંડી કરનારા છો. એવા લોકો છો જે ઇતિહાસને ખોટી રીતે રજૂ કરે છે. બિહાર સરકારના મંત્રી અને જેડીયુ નેતા અશોક ચૌધરીએ કહ્યું કે ‘તેઓ જનતાના મતોથી હરાવવા સક્ષમ નથી. વાતોથી વોટિંગ કરીને હરાવવા માગે છે. મૂંઝવણ ઊભી કરવા માગે છે. પૂર્વ મંત્રી શિવચંદ્ર રામે તેમને પાગલ મંત્રી કહ્યા હતા. આ પહેલા બુધવારે આરજેડીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી શિવચંદ્ર રામે અમિત શાહને પાગલ મંત્રી કહ્યા હતા. પાર્ટી ઓફિસમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, ‘દેશની 90% વસ્તી ગૃહમંત્રીના નિવેદનથી દુખી છે. રાષ્ટ્રીય જનતા દળ તેમના નિવેદનની સખત નિંદા કરે છે. આ દેશના ગૃહમંત્રી નથી, દેશના પાગલ મંત્રી છે. જ્યારે બાબા સાહેબનું અપમાન થઈ રહ્યું હતું ત્યારે ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી ગૃહમાં હસી રહ્યા હતા. આ બંને નેતાઓ પોતાના પરિવાર માટે જ જીવે છે. તેમને દલિતો અને મહાદલિતો સાથે કોઈ લેવાદેવા નથી.