ડિજિટલ અરેસ્ટનો વધુ એક કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. આ વખતે ગેંગે 79 વર્ષના સિનિયર સિટીઝનને ટાર્ગેટ બનાવ્યા હતાં. તેમના ફોન ઉપર આ ગેંગના માણસોએ ફોન કર્યો અને પહેલા તેમના નંબરનો દેશ વિરોધી પ્રવૃત્તિમાં ઉપયોગ થયો હોવાનું કહ્યું હતું. ત્યારબાદ પોલીસ ઓફિસર અને ત્યાંથી સીબીઆઇ અધિકારી સુધીની વાત કરાવડાવીને તેમને 90 દિવસ સુધી સીબીઆઇની કસ્ટડીમાં અને ત્યારબાદ સાત વર્ષની સજા થશે, તેમ કહીને ડરાવી દીધા હતા. આ સમગ્ર મામલે ડરી ગયેલા સિનિયર સિટીઝને તેમના અને તેમની પત્નીના એકાઉન્ટમાંથી 52 લાખ રૂપિયા આ ટોળકીને ટ્રાન્સફર કરી દીધા છે. આ સમગ્ર મામલો અમદાવાદ સાયબર ક્રાઇમ પાસે આવ્યા છે અને તેણે આ સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાયબર ગઠિયાએ દિલ્હીના અધિકારીની ઓળખ આપી
અમદાવાદના પોસ વિસ્તારમાં રહેતા 79 વર્ષના એક વૃદ્ધને ફોન આવ્યો હતો કે, તમારો નંબરનો ઉપયોગ કેટલીક ગેરકાનુની પ્રવૃતીમાં થયો છે. આ સમગ્ર મામલો ખૂબ જ ગંભીર છે, હવે અમે કશું કરી શકીશું નહીં. ત્યારે વૃદ્ધે આરોપીઓને કહ્યું કે, હું આ નંબર વાપરતો જ નથી. ત્યારે તેમણે કહ્યું કે, અમારી પાસે બધા પુરાવા છે અને તમારા નંબરથી ક્યાંથી શું ટ્રાન્જેક્શન થયા છે, તેની વિગત પણ મારી પાસે છે. જેથી તેમણે વૃદ્ધને કહ્યું કે, હવે હું તમારી વાત દિલ્હી પોલીસના અધિકારીને જણાવીશ અને હાલ તેઓ તમારી સાથે લાઈન પર વાત કરશે. વ્હોટ્સએપ કોલ માટે વૃદ્ધે પત્નીનો નંબર આપી દીધો
દિલ્હી પોલીસના અધિકારી બનીને એક વ્યક્તિ વૃદ્ધ સાથે વાત કરી રહ્યો હતો કે, તમારો નંબર સ્કેનિંગમાં છે અને તમારા કેટલાક ટ્રાન્જેક્શન અમારી સામે આવ્યા છે. આ ખૂબ ગંભીર બનાવો છે. તમે આ સમગ્ર મામલે ખુલાસો કરવા દિલ્હી આવું પડશે અને તમારી ધરપકડ પણ થશે. ત્યારે વૃદ્ધે તેમને કહ્યું કે, આવું મેં કશું કર્યું નથી અને આ નંબર પણ હું વાપરતો નથી. જેથી આરોપીએ કહ્યું કે, જો તમે અહીંયા નહીં આવો તો કેસ મોટો થશે અને કાર્યવાહી થશે. હવે સીબીઆઇ સાથે જો તમે આ કેસમાં ઇન્વોલમેન્ટ નથી તો વાત કરવી પડશે. તમને વ્હોટ્સએપ પર કોલ આવશે. જેથી વૃદ્ધે કહ્યું કે, હું તો સ્માર્ટફોન વાપરતો નથી, પરંતુ મારી પત્નીનો નંબર છે જેમાં વ્હોટ્સએપ છે. 7 વર્ષની સજા થશે કહેતા વૃદ્ધ ડરી ગયાં
બાદમાં સામેથી IPS અધિકારી બનીને વાત કરતા વ્યક્તિએ વૃદ્ધને કહ્યું કે, સીબીઆઈના અધિકારી વ્હોટ્સએપથી જ વાત કરશે. જો તમારે વાત નહીં કરો તો કાર્યવાહી થશે અને આ ખૂબ જ ગંભીર ગુનો છે. જેથી વૃદ્ધે તેમની પત્નીના મોબાઈલ નંબર આ વ્યક્તિઓને આપ્યો હતો. થોડા સમય પછી સામેથી એક વીડિયો કોલ આવ્યો હતો, પરંતુ સામે કોણ છે તે દેખાઈ રહ્યું ન હતું. આ તરફ વૃદ્ધ શું કરી રહ્યા છે જે તે તમામ વસ્તુ જોઈ રહ્યા હતાં. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, આ ખૂબ ગંભીર ગુનો છે અને દેશ વિરોધી કૃત્ય છે. આ તપાસ ચાલુ થાય ત્યાં સુધી 90 દિવસ સુધી તમારે સીબીઆઈની કસ્ટડીમાં રહેવું પડશે અને 7 વર્ષની સજા તમને થશે. જેથી વૃદ્ધ ગભરાઈ ગયા હતા અને તપાસમાં સહકાર આપવાની વાત કરી હતી. જેથી સીબીઆઇ અધિકારીએ કહ્યું કે, હું કહું તેમ તમે કરો તો હું તમને આ કેસમાં મદદ કરીશ. બે દિવસમાં પરત મળી જશેનું કહી 52 લાખ પડાવ્યાં
સામેથી બોગસ સીબીઆઈ અધિકારી બનેલા વ્યક્તિએ વૃદ્ધને કહ્યું કે, તમારા બેંક એકાઉન્ટની ડીટેલ આપો અને અમે કહીએ ત્યાં તમે ટ્રાન્સફર કરી દો. બે દિવસ પછી તમને તે રૂપિયા પરત મળી જશે, ત્યાં સુધી અમારી તપાસ પતી જશે. તમે આ ટ્રાન્જેક્શન અમે કહીએ એ પ્રમાણે કરો તમે બેંકમાં જઈને જે ડીટેલ આપે તેમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવાના. જો બેંક મેનેજર તમને પૂછે કે, આટલા બધા રૂપિયાની તમારે શું જરૂર છે તો તમારે પ્રોપર્ટી માટે તેની જરૂર હોવાનું જણાવજો. આ બધી વાત ચાલતી હતી તે દરમિયાન વૃદ્ધે પોતાના અને પોતાની પત્નીના બેંક એકાઉન્ટની ડિટેઈલ સામેવાળા વ્યક્તિને આપી દીધી અને ધીમેધીમે કરીને 52 લાખ રૂપિયા આ લોકોને ટ્રાન્સફર કરી દીધા હતા. પરિવારને જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવી
આ સમગ્ર બનાવ બન્યા બાદ વૃદ્ધના દીકરી અને અન્ય પરિવારજનો સાથે વાત થતા ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. આ સમગ્ર મામલો થયો એમણે સાઇબર ક્રાઇમની હેલ્પલાઇન ઉપર ફોન કરીને જણાવ્યું હતું. જેના બાદ આ સમગ્ર મામલે અમદાવાદ સાબર ક્રાઈમમાં આ અંગે ફરિયાદ નોંધાય છે.