આગામી 5 દિવસ ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે! રાજ્યમાં ઠંડી યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ સુધી તાપમાન યથાવત્ રહેવાની આગાહી છે. જો કે સૌરાષ્ટ્રના રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવની આગાહી સાથે યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતો ડુપ્લિકેટ લિપબામનો જથ્થો ઝડપાયો શિયાળાની ઠંડીમાં હોઠ ફાટે નહીં એ માટે બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ લિપબામ ક્રીમનું વેચાણ કરતા કાપોદ્રાના બે વેપારીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે 1.57 લાખની કિંમતનો બનાવટી લિપબામનો જથ્થો સીઝ કર્યો હતો. નિવિયા કંપની સાથે સંકળાયેલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુંદન બોલાશે તેમની ટીમ સાથે કાપોદ્રા પોલીસને મળ્યા હતા. તેમની કંપનીના નામે ડુપ્લિકેટ લિપબામનું કાપોદ્રા વિસ્તારમાં કેટલાક શખસો વેચાણ કરી લોકોને છેતરી રહ્યા હોવાનું જણાવતાં પોલીસની એક ટુકડી તેમની સાથે જોડાઈ હતી. પોલીસે કાપોદ્રા BSNL ઓફિસ પાછળ આવેલી સર્વોપરી સોસાયટીના એક મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસે કુલ 1.57 લાખની કિંમતની કુલ 790 ડુપ્લિકેટ નિવિયા ક્રીમની બોટલ કબજે કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હિંમતનગરમાં શિક્ષિત કિન્નરે શહેર ભાજપ-પ્રમુખ માટે ફોર્મ ભર્યું હિંમતનગર શહેર ભાજપ પ્રમુખ માટે એક શિક્ષિત કિન્નરે ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પંચે પણ થર્ડ જેન્ડર તરીકે કિન્નરોને સ્થાન આપ્યું છે. ત્યારે હિંમતનગરના કિન્નરે શહેર પ્રમુખ માટે કરેલી દાવેદારી લોકોમાં ચર્ચાની એરણે ચઢી છે. સોનલ દે ચેતના દે ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી એક્સ તરીકે F.Y. BAમાં અભ્યાસ કરી રહ્યા છે.. તેમને લોકસેવા માટે ફોર્મ ભર્યુ છે. આ ઉમેદવારી પાછળ સોનલ દેનું માનવું છે કે તેઓ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સારા-નરસા પ્રસંગોમાં જતાં હોવાને કારણે વધુ લોકસંપર્ક ધરાવતા હોવાનો દાવો કર્યો છે. અમે બધે ફરતાં હોઈએ તો બધાની સમસ્યા જોઈ, જેથી પબ્લિકનું સારું કરવા માટે ફોર્મ ભરું છું. આ સાથે તેમણે કહ્યું હતું કે અમારે કોઈ છોકરાઓ તો છે નહીં કે અમે અમારા ઘર ભરીએ. ફેમિલી કોર્ટે નકારેલી ડિવોર્સની અરજી હાઈકોર્ટે મંજૂર કરી ગુજરાત હાઇકોર્ટમાં આણંદથી એક પતિએ ઓસ્ટ્રેલિયામાં રહેતી પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવા અપીલ દાખલ કરી હતી. વર્ષ 2015માં પતિએ સૌપ્રથમ આણંદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી, જેને વર્ષ 2017માં નકારી દેવામાં આવી હતી, જેને પતિએ ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે 10 વર્ષથી પત્ની ઓસ્ટ્રેલિયામાં રહે છે. કાયદા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ લગ્ન બાદ લાંબો સમય દૂર રહેવું એ ક્રૂરતા છે, જેથી પતિની અરજી ગ્રાહ્ય રાખીને હાઇકોર્ટે આણંદની ફેમિલી કોર્ટનો ચુકાદો રદ ઠેરવ્યો હતો તેમજ પતિની છૂટાછેડાની અરજી ગ્રાહ્ય રાખી હતી. ઉપરાંત પત્નીએ કોઈ નિભાવ ખર્ચ અંગે અરજી કરી નહોતી તેમજ તે નાણાકીય રીતે સક્ષમ હોવાથી તેને કોઈ નાણાકીય સહાય આપવાનો પણ હુકમ હાઇકોર્ટે કર્યો નહોતો. હવસખોરને સાથે રાખી પોલીસ ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરશે ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં 10 વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં તેની બાજુમાં જ રહેતા 36 વર્ષીય હવસખોરે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે આજે 36 વર્ષીય હવસખોરને સાથે રાખી પોલીસ ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરશે. કોંગ્રેસે પ્લેકાર્ડ સાથે દેખાવો કરી રાજભવનમાં હલ્લાબોલ કર્યો અદાણી ગ્રુપ મામલે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતાં ન હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા રાજભવન ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ મોદી અદાણી ભાઈ ભાઈના નારા લગાવી ઉગ્ર સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. અદાણી ગ્રુપ દ્વારા દેશવિદેશમાં ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપો સાથે આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિતના કાર્યકરોએ રાજભવન ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્લે કાર્ડ સાથે દેખાવો કરી હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. બાદમાં કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં ધરણાં કાર્યક્રમને લઈને અત્રેના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને રઝળપાટ રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઇ ને કોઇ વિવાદમાં આવતી હોય છે. તંત્રના મસમોટા દાવાઓ છતાં દર્દીઓ હાલાકી ભોગવતા હોવાનું અગાઉ વારંવાર સામે આવી ચૂક્યું છે, ત્યારે આજે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતેની લોબીમાં એક દર્દી પોતાને ચડતી બોટલ હાથમાં લઈને સ્ટ્રેચર પર સૂતો હોવાનું જોવા મળી રહ્યું છે. સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના RMOએ જણાવ્યું હતું કે, આ ખરેખર ગંભીર બાબત છે. સીસીટીવીના માધ્યમથી આ અંગે ઊંડી તપાસ કરી જેની બેદરકારી સામે આવશે તેની સામે કડક પગલાં લેવાશે.