કેનેડામાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પોતાની જ પાર્ટીમાં ઘેરાઈ ગયા છે. તેમની ખુરશી જોખમમાં મુકાઈ ગઈ છે. અઢી મહિનાથી લઘુમતી સરકાર ચલાવી રહેલા ટ્રુડોની લિબરલ પાર્ટીના જ 13 સાંસદ બળવાખોર બની ગયા છે. લિબરલ કૉકસમાં સામેલ આ સાંસદો ટ્રુડોના રાજીનામાની જીદે ચઢ્યા છે. 338 સભ્યના હાઉસ ઑફ કોમન્સમાં ટ્રુડો પાસે 153 સાંસદનું જ સમર્થન છે. વિપક્ષ પાસે 185 સાંસદ છે. નાયબ વડાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલૅન્ડે ટ્રુડોની નીતિઓના વિરોધમાં રાજીનામું આપ્યું, એ ટ્રુડોને પહેલો આંચકો આવ્યો હતો. 2021માં સમય કરતાં વહેલાં ચૂંટણી યોજીને સત્તામાં પાછા આવેલા ટ્રુડોની ફેબ્રુઆરીમાં સામાન્ય બજેટમાં સૌથી મોટી અગ્નિપરીક્ષા થશે. સંખ્યાબળના આધારે બજેટ પાસ થાય તેવી શક્યતા નહિવત્ છે. જાણકારોના કહેવા પ્રમાણે આ સ્થિતિમાં જાન્યુઆરીના પહેલા પખવાડિયામાં કેનેડામાં ટ્રુડોની વિદાય નિશ્ચિત છે. કેનેડામાં આવતા વર્ષે ઓક્ટોબરમાં ચૂંટણી થવાની શક્યતા છે. સત્તા પલટાશે તો ભારતીયોને સરળતાથી વિઝા મળશે
સત્તાપરિવર્તનથી ભારતને શી અસર થશે?
વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર રચાશે તો વિઝા નીતિમાં ફેરફારના અણસાર છે. ટ્રુડો સરકાર વતીથી અત્યારે ભારત પ્રત્યે અપનાવાઈ રહેલી કડક વિઝા નીતિમાં ચોક્કસપણે ઢીલ મુકાશે.
કેનેડાના વલણમાં કડવાશનું કારણ શું છે?
કેનેડામાં લિબરલ પાર્ટી હંમેશાં ભારત પ્રત્યે નકારાત્મક રહી છે. ટ્રુડોએ સરકાર બચાવવા ખાલિસ્તાનીઓને આશરો આપ્યો છે.
ટ્રમ્પ ફેક્ટરથી કેનેડાની વિદેશ નીતિ બદલાશે?
ટ્રમ્પ એક મોટું ફેક્ટર બનશે. ટ્રમ્પે ટ્રુડોને ચેતવવાનું તો શરૂ કરી જ દીધું છે.
ભારતીયો માટે કેનેડા ફેવરિટ રહેશે?
ભારતીયો માટે કેનેડા ફેવરિટ ડેસ્ટિનેશન રહ્યું છે. 10 લાખ ભારતીય પાસે કેનેડાની નાગરિકતા છે. 4 વર્ષમાં ભારતીયોની સંખ્યા ઘટી છે પણ એ વધશે.
રાજદ્વારી સંબંધો ફરી સુધરશે?
અત્યારે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધ સૌથી નીચલા સ્તરે છે. કેનેડામાં સત્તાપરિવર્તન પછી સંબંધ ફરી સુધરે તેવી શક્યતા છે. ટ્રુડો પર ટ્રમ્પવાર… કહ્યું- કેનેડા પર 25% ટેક્સ લગાવીશું
ટ્રુડો પર અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હુમલો કર્યો છે. કેનેડા પર 25% ટેક્સ લાદવાની વાતનો ગુરુવારે ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો હતો. ટ્રમ્પે પહેલાં કહ્યું હતું કે તેઓ અમેરિકા વતીથી કેનેડાને દર વર્ષે અપાતી 100 કરોડ ડૉલરની આર્થિક મદદ પણ બંધ કરી દેશે. ટ્રમ્પે પોતે ચૂંટાયા પછી ટ્રુડો સામે મોરચો ખોલી નાખ્યો છે.