ભારતીય મહિલા ટીમે ત્રીજી T20માં વેસ્ટ ઈન્ડિઝને 60 રનથી હરાવ્યું. નવી મુંબઈમાં ગુરુવારે પ્રથમ બેટિંગ કરતા ભારતે 217 રન બનાવ્યા હતા. રિચા ઘોષે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 157 રન જ બનાવી શકી હતી. ત્રીજી T20માં જીતની સાથે જ ભારતે 3 મેચની સિરીઝ પણ 2-1થી જીતી લીધી છે. ભારતે પ્રથમ અને વેસ્ટ ઈન્ડિઝે બીજી T20 જીતી હતી. સ્મૃતિ મંધાનાએ સિરીઝની ત્રણેય T20માં ફિફ્ટી ફટકારી હતી. ODI સિરીઝ 22 ડિસેમ્બરથી વડોદરામાં શરૂ થશે. ઉમા છેત્રી ખાતું પણ ખોલાવી શકી ન હતી
નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતે પહેલી જ ઓવરમાં ઉમા છેત્રીની વિકેટ ગુમાવી દીધી હતી. તે ખાતું પણ ખોલાવી શકી ન હતી. અહીં મંધાનાએ જેમિમાહ રોડ્રિગ્ઝ સાથે ઇનિંગ્સ લીધી હતી. બંને વચ્ચે 98 રનની ભાગીદારી થઈ હતી. મંધાનાની સતત ત્રીજી ફિફ્ટી
જેમિમા 39 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેના પછી રાઘવી બિષ્ટે મંધાના સાથે 44 રનની ભાગીદારી કરી હતી. મંધાના 47 બોલમાં 77 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેણે 13 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. આ સિરીઝમાં તેની સતત ત્રીજી ફિફ્ટી હતી, તેણે પ્રથમ અને બીજી T20માં પણ અડધી સદી ફટકારી હતી. મંધાનાએ 15મી ઓવરમાં જ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી, જો તે 20મી ઓવર સુધી રહી હોત તો તે પોતાની સદી પૂરી કરી લેત. તે મિડ-ઓફમાં શિનેલ હેનરીના હાથે ડોટિનની બોલિંગમાં કેચ આઉટ થઈ હતી. રિચાએ સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી
મંધાના બાદ વિકેટકીપર બેટર રિચા ઘોષ બેટિંગ કરવા આવી હતી. તેણે માત્ર 21 બોલમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 54 રનની ઇનિંગ રમી હતી. રિચાએ 18 બોલમાં ફિફ્ટી ફટકારી હતી, જે T-20 ઈતિહાસમાં સૌથી ઓછા બોલમાં ફિફ્ટીનો રેકોર્ડ છે. રિચા પહેલા ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇન અને ઓસ્ટ્રેલિયાની ફોબી લિચફિલ્ડે પણ 18-18 બોલમાં અડધી સદી ફટકારી છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી એફી ફ્લેચર, આલિયા એલીને, ડીઆન્ડ્રા ડોટિન અને શિનેલ હેનરીએ 1-1 વિકેટ લીધી હતી. ભારતે તેનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો
રાઘવી બિષ્ટ 31 રન બનાવીને નોટઆઉટ રહી હતી. તેની સામે સજીવન સજનાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતના સ્કોરને 217 રન સુધી પહોંચાડ્યો હતો. T20માં આ ટીમનો સૌથી મોટો સ્કોર છે, આ પહેલા ટીમે આ વર્ષે એશિયા કપમાં UAE સામે 5 વિકેટે 201 રન બનાવ્યા હતા. ભારતે સિરીઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 195 રન બનાવ્યા હતા, જે ટીમનો ચોથો સૌથી મોટો સ્કોર છે. મહિલા T20માં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ આર્જેન્ટિનાના નામે છે, ટીમે 2023માં ચિલી સામે 427 રન બનાવ્યા હતા. ટૉપ-8 ટીમમાં ઇંગ્લેન્ડની મહિલા ટીમે 2018માં સાઉથ આફ્રિકા સામે 250 રનનો રેકોર્ડ બનાવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ઠીક-ઠાક શરૂઆત
218 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી કેરેબિયન ટીમે સાવધાનીપૂર્વક શરૂઆત કરી હતી. કિયાના જોસેફ 11 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ હેલી મેથ્યુસે 22 રન અને ડીઆન્ડ્રા ડોટીને 25 રન બનાવ્યા હતા. શામિન કેમ્પબેલ માત્ર 17 રન બનાવી શક્યો હતો. શિનેલ હેનરીએ 43 રનની ઇનિંગ રમી હતી, તે એક છેડે રહી હતી, પરંતુ બીજા છેડે તેને કોઈ સપોર્ટ મળ્યો નહોતો. નેરિસા ક્રાફ્ટન 9, આલિયા એલીન 6, શબિકા ગઝનબી 3, જાયદા જેમ્સ 7, એફી ફ્લેચર 5 અને કરિશ્મા રામહાર્ક 3 રન બનાવીને આઉટ થયા હતા. ટીમ 9 વિકેટ ગુમાવીને 157 રન જ બનાવી શકી હતી. રાધાએ 4 વિકેટ લીધી
ભારત તરફથી રાધા યાદવે 4 વિકેટ લીધી હતી. રેણુકા સિંહ ઠાકુર, સજીવન સજના, તિતાસ સાધુ અને દીપ્તિ શર્માએ 1-1 વિકેટ લીધી હતી. સાયમા ઠાકોર કોઈ વિકેટ લઈ શકી નહોતી. 22 ડિસેમ્બરથી ODI સિરીઝ શરૂ થશે
ભારતીય મહિલા ટીમે પ્રથમ અને ત્રીજી T20 જીતીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝે બીજી મેચ 9 વિકેટે જીતી લીધી હતી. બંને વચ્ચે 3 વન-ડે સિરીઝ 22 ડિસેમ્બરથી શરૂ થશે. ત્રણેય મેચ વડોદરામાં યોજાશે. બાકીની મેચ 24 અને 27 ડિસેમ્બરે રમાશે.