દિલ્હી પોલીસે સંસદ સંકુલમાં મારામારીનો મામલો ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી દીધો છે. આ કેસમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 6 કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી હતી. ગુરુવારે સવારે ઈન્ડિયા બ્લોક અને બીજેપી સાંસદો સંસદ પરિસરમાં મકર દ્વાર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન બંને પક્ષના સાંસદો સામસામે આવી ગયા હતા અને ધક્કામુક્કી થઈ હતી. આમાં ઓડિશાના બાલાસોરથી ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઘાયલ થયા હતા. સારંગીએ આરોપ લગાવ્યો હતો કે રાહુલે એક સાંસદને ધક્કો માર્યો હતો, જે આવીને તેમના પર પડ્યા હતા. જ્યારે સારંગી મીડિયા સામે આવી ત્યારે તેમના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. સારંગી ઉપરાંત ફરુખાબાદના બીજેપી સાંસદ મુકેશ રાજપૂત પણ ઘાયલ થયા છે. બંનેને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું હતું કે બંને નેતાઓને માથામાં ઈજા થઈ હતી. તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. પ્રતાપ સારંગીને ખૂબ લોહી વહી રહ્યું હતું. તેમનો ઘા પણ ઊંડો હતો તેથી ટાંકા લેવાની જરૂર હતી. આ ઘટના બાદ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજે રાહુલ વિરુદ્ધ BNSની 7 કલમો હેઠળ હત્યાનો પ્રયાસ, ધમકાવવા અને ધક્કામુક્કી કરવાના આરોપો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસે કલમ 109 (હત્યાનો પ્રયાસ) હટાવી અને માત્ર 6 કલમો હેઠળ એફઆઈઆર નોંધી. બીજી તરફ કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગે સામે ગેરવર્તણૂકની ફરિયાદ નોંધાવી હતી. 8 તસવીરોમાં જુઓ સંપૂર્ણ ઘટના 1. સંસદ પરિસરમાં દલીલ અને પછી ધક્કામુક્કી ગુરુવારે સવારે સંસદમાં I.N.D.I.A. બ્લોક અને ભાજપના સાંસદો વિરોધ કરી રહ્યા હતા. I.N.D.I.A. બ્લોક આંબેડકર પર શાહના નિવેદનની નિંદા કરી રહ્યો હતો અને તેમના રાજીનામાની માગ કરી રહ્યો હતો. બીજેપી સાંસદ આંબેડકર પર કોંગ્રેસના નિવેદનબાજીનો પણ વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન બંને પક્ષોના સાંસદો સામસામે આવી ગયા હતા. અહેવાલો અનુસાર, આ ઘટના પછી જ ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. 2. પ્રતાપચંદ્ર સારંગીએ રાહુલ પર આરોપ લગાવ્યો ભાજપ અને કોંગ્રેસના વિરોધ બાદ પ્રતાપચંદ્ર સારંગી મીડિયા સામે આવ્યા હતા. રૂમાલથી માથું દબાયેલું હતું અને લોહી નીકળતું હતું. આ પછી સારંગીએ રાહુલ પર ધક્કો મારવાનો આરોપ લગાવ્યો. 3. રાહુલ ગાંધી ઘાયલ સારંગીને જોવા પહોંચ્યા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ તેમના સાથીદારો સાથે ઘાયલ પ્રતાપચંદ્ર સારંગીને જોવા પહોંચ્યા હતા. જોકે સારંગી સાથે તેમની શું વાતચીત થઈ એ હજુ જાણવા મળ્યું નથી. 4. મીડિયાને રાહુલનો જવાબ જ્યારે મીડિયાએ રાહુલને પ્રશ્ન પૂછ્યો કે વિપક્ષના સાંસદો ધક્કામુક્કીનો આરોપ લગાવી રહ્યા છે ત્યારે તેમણે કહ્યું, “ના-ના. એ તમારા કેમેરામાં હશે. આ સંસદનું પ્રવેશદ્વાર છે અને હું અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ભાજપના સાંસદો મને રોકવાના પ્રયાસ કરી રહ્યા હતા. મને ધકેલી રહ્યા હતા, મને ધમકી આપી રહ્યા હતા. સંસદમાં જવું એ અમારો અધિકાર છે. 5. બીજેપી સાંસદ મુકેશ રાજપૂત સારંગી પર પડ્યા આરોપ છે કે સાંસદ મુકેશ રાજપૂતને રાહુલે ધક્કો માર્યો હતો જેના કારણે તેઓ સારંગી પર પડ્યા હતા. રાજપૂતને રામ મનોહર લોહિયાના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. 6. સારંગી-રાજપૂત RMLમાં દાખલ, શિવરાજ સિંહ તેમને મળવ આવ્યા બેઠક બાદ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “પ્રતાપચંદ્ર સારંગીને જોઈને ખૂબ દુ:ખ થયું. સંસદના ઈતિહાસમાં આ એક કાળો દિવસ છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ગુંડાગીરીનું ઉદાહરણ નથી.” 7. ભાજપ-કોંગ્રેસે એકબીજા વિરુદ્ધ FIR નોંધાવી ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને બાંસુરી સ્વરાજ સહિત એનડીએના 3 સાંસદોએ રાહુલ ગાંધી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિત 7 કલમો હેઠળ FIR નોંધાવી હતી. તે જ સમયે, કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારી અને રાજીવ શુક્લાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ગેરવર્તણૂક થયાની ફરિયાદ નોંધાવી હતી. 8. રાજનાથે કહ્યું- લોકશાહીમાં આવી ઘટનાઓ માટે કોઈ સ્થાન નથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ઘાયલ બે સાંસદોને મળવા પહોંચ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું સ્વસ્થ લોકશાહીમાં આવી ઘટનાઓને કોઈ સ્થાન નથી. હું એ બંનેના સાજા થવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું. કિરણ રિજિજુએ કહ્યું- બીજાને મારવા માટે કરાટે શીખ્યા
કિરણ રિજિજુએ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપના બે સાંસદને જોરદાર દબાણ કર્યું. તેમનું લોહી કાઢી નાખ્યું. સંસદ શારીરિક પ્રદર્શન માટેની જગ્યા નથી. સંસદ એ કુસ્તીનું મંચ નથી. જો બધા લડવા લાગે તો સંસદ કેવી રીતે ચાલશે? તેઓ વિરોધપક્ષના નેતા છે, તેમને કુસ્તી બતાવવાની શી જરૂર છે? શું તમે બીજાને મારવા માટે કરાટે શીખ્યા છો? આ કોઈ રાજાની અંગત મિલકત નથી. જો અમારા સાંસદોએ પણ હાથ ઉઠાવ્યા હોત તો શું થાત. અમારા બંને સાંસદો ગંભીર રીતે ઘાયલ છે. અમે પછી જોઈશું કે શું પગલાં લેવાની જરૂર છે. બીજેપી સાંસદ નિશિકાંતે કહ્યું- રાહુલ ગુંડાગીરી કરે છે
સાંસદ નિશિકાંતે કહ્યું- તેમને શરમ નથી, તેઓ ગુંડાગીરી કરે છે. વૃદ્ધને પાડ્યા. આના પર રાહુલે તરત જ આરોપ લગાવ્યો કે સારંગીએ તેમને ધક્કો માર્યો હતો. રાહુલે આટલું કહેતાં જ ત્યાં હાજર બીજેપી સાંસદોએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું કે સારંગીએ રાહુલને ધક્કો માર્યો નથી. આ પછી તરત જ રાહુલ ત્યાંથી ચાલ્યા ગયા. અમિત શાહના નિવેદન પર હોબાળો, લોકસભા સ્થગિત
ગુરુવારે સંસદના શિયાળુ સત્રનો 19મો દિવસ છે. બાબાસાહેબ આંબેડકરના અપમાનને લઈને વિવાદ ચાલુ છે. વિપક્ષી સાંસદોએ સંસદની બહાર વિરોધ માર્ચ કાઢી હતી. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાદળી કપડાં પહેરીને પહોંચ્યાં હતાં. આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈને લોકસભા અને રાજ્યસભામાં પણ હોબાળો થયો હતો. એ બાદ બંને ગૃહની કાર્યવાહી આજે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.