હાલોલ તાલુકાના વાવડી ખેરાપ વિસ્તારના ગૌચરમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાળવવામાં આવતી દવાઓનો જથ્થો ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળતાX હાલોલ બ્લોકમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી સરકારી દવાઓ બરોબર સગેવગે કરવામાં આવી રહી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ સરકારી દવાઓ 2025ના અંતમાં એક્સપાયર થતી હોવા છતાં જાહેરમાં કોના દ્વારા અને કેમ ફેંકી દેવામાં આવી તે આરોગ્ય વિભાગ માટે તપાસનો વિષય બન્યો છે. હાલોલ તાલુકાના છેવાડાના વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પ્રાથમિક આરોગ્યની સુવિધા માટે છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યા છે, જેનો તમામ વહીવટ હાલોલ બ્લોક કચેરી ખાતેથી કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં માટે આવતાં દર્દીઓની સારવાર બાદ તેઓને આપવામાં આવતી દવાઓ અને ગોળીઓનો જથ્થો, કથોલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીકના વિસ્તારમાં જાહેરમાં ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. આ તમામ દવાઓની એક્સપાયરી ડેટ તપાસ કરતાં સપ્ટેમ્બર 2025ની હોવાનું જોવા મળ્યું છે. સરકારી દવાઓનો જથ્થો બિનવારસી હાલતમાં ફેંકી દેવામાં આવેલો મળી આવ્યા પછી હાલોલ બ્લોકના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ફાર્મસીસ્ટોની ફરજ અંગે પણ ઊંડી તપાસ જરૂરી બની છે. ફાર્મસીસ્ટો દ્વારા આરોગ્ય કેન્દ્રમાં આવતી સરકારી દવાઓ બરોબાર સગેવગે કરવામાં આવી રહી છે કે કેમ? પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ગ્રામ્ય વિસ્તારના લોકોને પૂરતી દવાઓ મળતી નહીં હોવાની પણ બૂમો ઉઠતી રહે છે. ત્યારે સરકારી દવાઓ બરોબર સગેવગે કરવામાં આવતી હોવાની શંકાઓ ઉઠી રહી છે. ખેરપ વિસ્તારમાં શાળાએ જતાં બાળકોએ આ દવાઓનો જથ્થો નિર્જન વિસ્તારમાં ફેંકી દેવાયેલો જોતા ગામલોકોને જાણ કરી હતી. ગામ લોકોએ કથોલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર જીગ્નેશ પરાગીને સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. એટલે આ દવાઓ ક્યાં ક્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની છે અને કોના દ્વારા ફેંકી દેવામાં આવી છે તે અંગે હાલ કોઈ જાણકારી મળી નથી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતી આંગણવાડી કેન્દ્રોને પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી સરકારી દવાઓનો જથ્થો આપવામાં આવતો હોય છે, પરંતુ તે આટલી મોટી માત્રામાં હોતો નથી એટલે આ જથ્થો કોઈ આંગણવાડી કેન્દ્રના સંચાલક દ્વારા ફેંકી દેવામાં આવ્યો હોય તેવી શક્યતાઓ નથી. સરકારી દવાઓનો જથ્થો રસ્તે રઝળતો મળી આવ્યા બાબતે હાલોલ બ્લોક ઓફિસના બ્લોક હેલ્થ ઓફિસર ડો. શર્મા સાથે વાત કરતાં તેઓ આ બાબતથી અજાણ હોવાનું જણાવ્યું હતું. સાથે જ હાલ તેઓ રજા ઉપર હોવાનું જણાવ્યું છે, છતાં આ અંગે તેઓએ તપાસ કરાવી લેવાની ખાતરી આપી છે. તો આ સરકારી દવાઓ જે વિસ્તારમાંથી મળી છે, તે કથોલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. જીગ્નેશ પારગીને સતત ટેલિફોન કરવા છતાં તેઓ સાથે સંપર્ક થઈ શક્યો નથી.