હાલ ગુજરાતમાં આવતા પવનોની દિશા સતત બદલાતી રહે છે, જેને કારણે રાજ્યમાં ક્યાંક અત્યંત ઠંડી તો ક્યાંક તાપમાનમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ઉત્તર તરફથી આવતા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો થઈને ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા રાજસ્થાનના પશ્ચિમ ભાગના વિસ્તારોમાં અતિશય કોલ્ડવેવની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત પર પૂર્વ અને દક્ષિણ-પૂર્વ તરફથી પવન આવી રહ્યા છે અને તે ખંભાતના અખાત પાસે ફરીને ઉત્તર તરફ જઈ રહ્યા છે. રાજસ્થાનમાં અતિશય કોલ્ડ વેવની અસરને કારણે ત્યાં થઈને સીધા પવનો સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો પર આવી રહ્યા છે એટલે કે સૌરાષ્ટ્રના ભાગોમાં ઉત્તર દિશા તરફથી આવતા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આગામી 5 દિવસ હજુ પણ લઘુતમ તાપમાન વધવાની સંભાવના
હવામાન વિભાગ દ્વારા કચ્છ અને પોરબંદર જિલ્લામાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સતત બે દિવસથી પોરબંદરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે કારણ કે, ત્યાં રાજસ્થાન તરફથી સીધા પવનો સૂકાઈ રહ્યા છે અને ઉત્તર દિશા તરફથી આવતા પવનોને કારણે ઠંડીનું જોર વધ્યું છે. આ ઉપરાંત નલિયામાં પણ ઠંડીનું પ્રમાણ વધતા રાજ્યનું સૌથી ઓછું લઘુતમ તાપમાન ધરાવતું શહેર બન્યું છે તથા રાજ્યના અન્ય વિસ્તારોમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવનો આવતા હોવાથી તાપમાન વધ્યું છે. હજુ આગામી 5 દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનું તાપમાન યથાવત રહેવાની શક્યતાઓ છે. તાપમાન ધીમે-ધીમે એકથી બે ડિગ્રી સુધી વધે છે
ગુજરાતમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડીનું જોર વધ્યું છે. મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું નોંધાયું હતું પરંતુ, હવે મધ્ય ગુજરાત સહિત આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય થયું છે. આ ઉપરાંત અમદાવાદમાં તો છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાન સામાન્ય કરતાં એકાદ ડિગ્રી સેલ્સિયસ વધુ જ નોંધાઈ રહ્યું છે તથા હજુ પણ આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે. આ વધારો ધીમે-ધીમે એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી થઈ શકે છે.