અમિતનગર પાસે હિટ એન્ડ રનના ગંભીર બનાવમાં એસીપી એચ ડિવિઝને નવેસરથી તપાસ શરૂ કરી છે. હરણી પોલીસે ફક્ત એક જ દિવસમાં દેખાડા પૂરતી અને અધૂરી કામગીરી કરી BMW જીજે-06-એફક્યુ-9800 કાર પરત કરી દેતાં ઘટનાના 33 દિવસ અને હરણી પોલીસે કાર પરત કર્યાના 6 દિવસ બાદ એસીપીએ કાર કબ્જે કરી હતી. સાથે અગાઉ ઈરાદાપૂર્વક નહીં કરાયેલી એફએસએલ સહિતનાં પરીક્ષણની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભાસ્કરના અહેવાલ બાદ હિટ એન્ડ રનમાં નુકસાન પામેલા કારના બમ્પરની મરામત કરી દેવાઈ હતી. 3 દિવસ અગાઉ જ કારનું બમ્પર સહિત કાચ તૂટેલો જણાયો હતો. પુરાવાનો નાશ કરવા આ કરાયું હોય તેમ જાણવા મળ્યું હતું. વીઆઈપી રોડ પુરુષોત્તમ નગરમાં રહેતા 73 વર્ષીય કાંતિલાલ ઠક્કર 16 નવેમ્બરે કચરો નાખવા નીકળ્યા હતા. ત્યારે કારેલીબાગ આશુતોષ સોસાયટીમાં રહેતા બિલ્ડર મુકેશ સોરઠિયાના 25 વર્ષીય પુત્ર પિનાંકે પુરપાટ ઝડપે BMW કાર ચલાવી અડફેટે લેતાં તેમનું મોત થયું હતું. ઘટનામાં હરણી પોલીસે ભીનું સંકેલ્યું હોવાનું ખૂલ્યું હતું. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે ગંભીર નોંધ લઈ હરણી પીઆઈ આર.ડી. ચૌહાણની શિક્ષાત્મક રીતે લીવ રિઝર્વમાં બદલી કરી હતી. 16 ડિસેમ્બર: આરોપીના કારેલીબાગ સ્થિત નિવાસે
16 ડિસેમ્બરે બપોરે ટીમ ભાસ્કરે આરોપીના આશુતોષ સોસાયટી ખાતેના ઘર બહાર મૂકેલી કારની તસવીર લેતાં તેમાં બમ્પરને નુકસાન હતું અને લાઈટનો કાચ તૂટેલો હતો. 19 ડિસેમ્બર: હરણી પોલીસ સ્ટેશન
19 ડિસેમ્બરે એસીપીએ ફરી તપાસ શરૂ કરતાં કાર કબજે કરી હતી, જેમાં બમ્પરનું સમારકામ કરાયેલું હતું. જોકે લાઈટના કાચ પરની તિરાડ એવી જ હતી. પિનાંકની ઓવરસ્પીડની આદતથી સોસાયટીમાં સ્પીડ બ્રેકર નખાયાં હતાં
સૂત્રોએ જણાવ્યું હતું કે, પિનાંક તેની સોસાયટીમાં પણ પૂરઝડપે કાર ચલાવવા માટે જાણીતો છે. થોડા સમય અગાઉ પિનાંકે કૂતરાને અડફેટે લીધું હતું. ત્યારે સોસાયટીના રહીશોએ ભેગા થઈ વિચાર્યું હતું કે, કૂતરાની જગ્યાએ કોઈ બાળક પણ હોઇ શકે છે. તેઓ પિનાંકના પિતાને રજૂઆત કરવા ગયા હતા. જોકે પિનાંક માન્યો નહોતો. જેથી રહીશોએ પાલિકામાં રજૂઆત કરી પિનાંક જ્યાંથી પસાર થતો ત્યાં સ્પીડ બ્રેકર નખાવ્યાં હતાં. પિનાંક સોરઠિયાનું ડ્રાઈવિંગ લાઇસન્સ રદ કરી દેવાશે,કાર્યવાહી શરૂ કરી દેવાઈ
હિટ એન્ડ રન કરનાર પિનાંક સોરઠિયા અગાઉ પણ તેની BMW કાર લઈને ઓપર સ્પીડિંગ કરી ચૂક્યો છે. તેના અગાઉ ઓવર સ્પીડિંગનાં ચલણ છે. પોલીસે જણાવ્યું હતું કે, પિનાંક સોરઠિયાનું ડ્રાઈવિંગ લાઇસન્સ રદ કરવા માટેની કાર્યવાહી કરી દેવાઈ છે. આગામી સમયમાં પિનાંકનું ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરી દેવાશે. કારનું એફએસએલ પરીક્ષણ કરાવાશે
પોલીસ દ્વારા કારને કબ્જે કરવામાં આવી છે. કારનું એફએસએલ પરીક્ષણ કરાવાશે. આ સાથે જ આરોપીની પૂછપરછ ઉપરાંત જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. > જી.બી.બાભણિયા, એસીપી-એચ, ડિવિઝન