અમદાવાદના વૈષ્ણોદેવી પાસેના ઘાટલોડિયા તાલુકાના મોજે લીલાપુર ગામની ખાતા નંબર 149-સરવે નંબર 30 (જૂના બ્લોક સરવે નંબર 51 પૈકી) અને 31 (જૂના બ્લોક સરવે નંબરની 51 પૈકીની કુલ પ્ર.સ.પ્રની સાથે જૂની શરતના ઉલ્લેખવાળી 24 વીઘા જમીનના કેસમાં હાઈકોર્ટે મનાઈહુકમ આપ્યો હતો. તેમ છતાં સોલા સબ રજિસ્ટ્રાર કચેરી સહિતના ઉચ્ચ અધિકારોની મિલીભગતથી દસ્તાવેજ કરાયો હતો. આ ભ્રષ્ટ અધિકારીઓની ગેંગે તેમના ઉચ્ચ અધિકારીને સાથે લઈને આ ખેલ પાડ્યો હોવાનો ભાસ્કરે 14 ડિસેમ્બરે ઇન્વેસ્ટિગેશન રીપોર્ટ પ્રસિદ્ધ કર્યો હતો. તેને પગલે મુખ્ય નિયંત્રણ મહેસૂલ અધિકારી, સુપરિન્ટેન્ડેન્ટ ઑફ સ્ટેમ્પ્સ અને નોંધણીસર નિરીક્ષક આઇએએસ જેનુ દેવને આ સમગ્ર કૌભાંડની તપાસ હાથ ધરી હતી. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ખોટી રીતે દસ્તાવેજ થયો હોવાનો ઘટસ્ફોટ થતાં ગાંધીનગરની નોંધણીસર નિરીક્ષક કચેરીએ 19 મીએ સોલા કચેરીના તાત્કાલીન મહિલા સબ રજિસ્ટ્રાર અમરીન જવવાલાને સસ્પેન્ડ કરી દેવાયાં છે. રાજ્ય સરકારે કરેલા સસ્પેન્શન ઓર્ડરમાં ભાસ્કરના અહેવાલનો પણ ઉલ્લેખ કરીને મહિલા સબ રજિસ્ટાર અમરીન જવવાલા દ્વારા દસ્તાવેજ કરતી વખતે રાખવામાં આવેલી ગંભીર બેદરકારીઓનું પણ વિસ્તૃત રીતે વર્ણન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આખું જમીન કૌભાંડ એક રાજકીય ઈશારે થયું હોવાની ચર્ચા છે. ઓર્ડરમાં બેદરકારીના કયા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો વેચાણમાં પાનેપાને પક્ષકારે સહી કરી છે પરંતુ તારીખ મારેલી નથી.
દસ્તાવેજમાં સામેલ પુરાવામાં 7/12ના ઉતારામાં મિલકત પર ગુજરાત હાઈકોર્ટનો મનાઈહુકમ હોવા છતાં નોંધણી કરી છે.
નોટરાઈઝ સોગંદનામું સામેલ રાખેલ છે જેમાં મિલકત પર ગુજરાત હાઈકોર્ટનો મનાઈહુકમ છતાં ટાઇટલની ચકાસણી ન કરી દસ્તાવેજ નોંધી દેવાયો.
દસ્તાવેજમાં પક્ષકારોના આધારકાર્ડને દસ્તાવેજના ભાગ તરીકે સામેલ કરી પરિપત્રનું ઉલ્લંઘન કર્યું.
સિસ્ટમ જનરેટર રેકોર્ડિંગ ફોર્મ જોડેલ નથી પરંતુ મેન્યુઅલી રેકોર્ડિંગ ફોર્મ ભરેલ છે.
દસ્તાવેજ પેન્ડિંગ રાખીને નિયમ ૩ (૨) હેઠળ મુલતવીનો શેરો કરવો જોઈએ છે જે કરેલ નથી.
દસ્તાવેજમાં કબૂલાત આપનાર પક્ષકારોને તેમના હિસ્સાની વેચાણ મુજબની ફી તથા સ્ટેમ્પ ડ્યૂટી વાપરવાની રહેશે જેનો પરિપત્ર કલેક્ટરને મોકલ્યો નથી.
મિલકતમાં ટાઇટલની ચકાસણી અને માલિકનો પુરાવો ધ્યાને ન રાખી દસ્તાવેજની નોંધણી કરી દેવાઈ.
દસ્તાવેજની નોંધણી વખતે વારસદારો માલિક હોવા અંગેનો પુરાવો ન લેવાયો, ટાઇટલ ખામીવાળું હોવાની ચકાસણી પણ ન કરાઇ.
મુખત્યારનામું લખી લેનાર અથવા આપનાર પૈકી કોને સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની રહે તેનો કોઈ ઉલ્લેખ નથી.
ગુજરાત સ્ટેમ્પ એક્ટની કલમ મુજબ કલમ ૩૨ક (૧) અને ૩૩ હેઠળ દસ્તાવેજ પેન્ડિંગ રાખી નાયબ કલેક્ટરને કેસ રિફર ન કરાયો.
જમીન કૌભાંડને લઈ સીએમઓ ઓફિસમાં પણ હિલચાલ શરૂ મોકાની જમીનનું સમગ્ર કૌભાંડ બહાર આવતા જ ગાંધીનગર સીએમઓ ઓફિસમાં આ મામલે હિલચાલ શરૂ થઈ ગઈ છે અને જમીનને વેચાણ રાખનાર ખેડૂતને પણ પુરાવા સાથે બોલાવવામાં આવ્યા છે, એટલું જ નહીં આ આખો મામલો હાઇકોર્ટમાં જશે. ખોટી રીતે કરવામાં આવેલા દસ્તાવેજ રદ થાય તેવી પણ શક્યતાઓ છે.