એક દેશ, એક ચૂંટણી બિલ મામલે કોંગ્રેસે કહ્યું કે ભાજપ આ બિલને કેવી રીતે પાસ કરાવશે? કારણ કે બંધારણમાં સુધારો કરવા માટે તેની પાસે ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી (362 સાંસદો) નથી. બિલ જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી (JPC)ને મોકલવામાં આવ્યું હોવા છતાં કોંગ્રેસ તેનો વિરોધ કરે છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે PTI સાથે વાતચીતમાં જણાવ્યું કે, ‘કેન્દ્ર સરકાર બિલ રજૂ કરતી વખતે 272 સાંસદોને પણ ભેગા કરી શકી નથી. બંધારણીય સુધારા માટે તેમને બે તૃતીયાંશ બહુમતી કેવી રીતે મળશે? આ બિલ બંધારણ, સંઘીય વ્યવસ્થા અને લોકશાહીના મૂળભૂત માળખાની વિરુદ્ધ છે. અમે એક દેશ, એક ચૂંટણી બિલનો વિરોધ કરીશું. ખરેખરમાં શુક્રવારના રોજ રાજ્યસભામાં આ બિલ સાથે સંબંધિત 12 સભ્યોને નોમિનેટ કરવાનો પ્રસ્તાવ ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. અધ્યક્ષ જગદીપ ધનખરે કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલને સમિતિમાં રાજ્યસભાના સભ્યોને નામાંકિત કરવાનો પ્રસ્તાવ રજુ કરવા કહ્યું હતું. આ પછી, સંસદની સંયુક્ત સમિતિને બંને બિલોની ભલામણ કરતો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બિલને 39 સભ્યોની જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી (JPC)ને મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સાંસદો હશે. NDA પાસે 292 બેઠકો છે, 362નો આંકડો જરૂરી NDA પાસે હાલમાં 543 લોકસભા સીટોમાંથી 292 સીટો છે. બે તૃતીયાંશ બહુમતી માટે 362નો આંકડો જરૂરી છે. તેમજ, NDA પાસે હાલમાં રાજ્યસભાની 245 બેઠકોમાંથી 112 બેઠકો છે, જ્યારે તેની પાસે 6 નામાંકિત સાંસદોનું સમર્થન પણ છે. જ્યારે વિપક્ષ પાસે 85 બેઠકો છે. બે તૃતીયાંશ બહુમતી માટે 164 બેઠકો જરૂરી છે. વન નેશન વન ઈલેક્શન બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન સિંહ મેઘવાલે 17 ડિસેમ્બરે લોકસભામાં વન નેશન-વન ઈલેક્શન બિલ રજૂ કર્યું હતું. વિપક્ષના સાંસદોએ આનો વિરોધ કર્યો હતો. આ પછી બિલ રજૂ કરવા માટે ઈલેક્ટ્રોનિક વોટિંગ કરવામાં આવ્યું હતું. કેટલાક સાંસદોના વાંધાઓ બાદ, મતમાં ફેરફાર કરવા માટે સ્લિપ દ્વારા ફરીથી મતદાન કરાવવામાં આવ્યું હતું. એક દેશ, એક ચૂંટણી શું છે?
ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. એક દેશ, એક ચૂંટણીનો મતલબ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણી. તેનો અર્થ એ છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે તેમના મત આપશે. આઝાદી પછી, 1952, 1957, 1962 અને 1967 માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ 1968 અને 1969માં, ઘણી વિધાનસભાઓ સમય પહેલા વિસર્જન કરવામાં આવી હતી. તે પછી ડિસેમ્બર 1970માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે એક દેશ, એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ.