વિસાવદર શહેરમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતાએ પાલિકા કચેરીમાં જઇને ‘નાયકગીરી’ કરી હતી. જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયાએ પાલિકા કચેરીમાં જઇને સોશિયલ મીડિયા પર લાઈવ થઈને પાલિકા તંત્રની પોલ ખોલી હતી. જેમાં તેમણે પાલિકામાં ટેબલ ઉપર પડેલી ફાઇલોના પોટલા પર ધૂળના થર અને છત પરથી નીચે પડેલા પોપડા બતાવ્યા હતા. તંત્ર દ્વારા જો ઓફિસની જ સફાઈ કરવામાં ન આવતી હોય તો શહેરની સફાઈ કેવી રીતે થશે તેવા પણ પ્રશ્નો પરેશ સાવલિયાએ કર્મચારીઓને પૂછ્યા હતા. જોકે, પાલિકાના એક પણ કર્મચારીએ જવાબ આપ્યો નહોતો. હરેશ સાવલિયાએ કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા
જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયાએ વિસાવદર પાલિકામાં જઈ તંત્રોનો ઉધડો લીધો હતો. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લાઈવ થઈ હરેશ સાવલિયાએ વિસાવદર પાલિકામાં ટેબલ ઉપર પડેલી સરકારી ફાઈલોના પોટલા પરની ધૂળની ડમરીઓ ઉડતી બતાવી હતી. તો બીજી તરફ નગરપાલિકાની છત પરથી પડેલા પોપડા અને છત પર દેખાતી ખીલાસરી મામલે તંત્રને આડેહાથ લીધુ હતું અને કહ્યું હતું કે, જો કચેરીમાં જ આટલી ધૂળની ડમરીઓ ઉડતી હોય અને સાફ-સફાઈ ન રહેતી હોય તો તંત્ર શહેરની સફાઈ કેવી રીતે કરશે. તેમજ હરેશ સાવલિયાએ શહેરના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. કચેરી સાફ ન રાખી શકો તો જનતાનું શું ભલુ કરશો?: હરેશ સાવલિયા
સોશિયલ મીડિયામાં લાઈવ થઈને હરેશ સાવલિયાએ કહ્યું હતું કે, જો તમે કચેરી સાફ ન રાખી શકતા હોય તો જનતાનું શું સારું કરશો? ટેબલ પર પડેલા દસ્તાવેજોના પોટલા ઉપર ધૂળ જામી છે. આ કચેરીમાં જ ગંદકી છે તો શહેરમાં શું સફાઈ થશે. વિસાવદર પાલિકા કચેરીની છત પરથી પોપડા નીચે પડ્યા છે અને છત પર ખીલાસરી દેખાઈ રહી છે. આ ચાલુ પાલિકા છે, આ કોઈ ખંડેર નથી છતાં પણ આવી હાલત છે. ટેબલ રાખેલી લોકોની ફાઈલોમાં ધૂળના થર જામ્યા છે. આ ફાઈલોમાંથી લોકોને કોઇ કાગળની જરૂર પડી તો નગરપાલિકા શું કરશે? વિસાવદર નગરપાલિકાનું ભ્રષ્ટ શાસન છે, અહી કોઈને કંઈ પડી જ નથી. જે જગ્યા પર નગરપાલિકાના કર્મચારીઓ જમવા બેસે છે તે જગ્યા પણ કર્મચારીઓ સાફ નથી રાખી શકતા. કચેરીમાં કોઈ આગ લાગવાની દુર્ઘટના બને તો લોકોના દસ્તાવેજો સળગી જશે. પાલિકાના તમામ કર્મચારીઓએ હોઠ સીવી લીધા
હરેશ સાવલિયાએ રોડ પર ઉડતી ધૂળની ડમરીઓ મામલે નગરપાલિકા દ્વારા કેટલા ટેન્કર પાણીનો છંટકાવ કરવામાં આવે છે? તે પૂછતા તમામ કર્મચારીઓએ હોઠ સીવી લીધા હતા અને કંઈ પણ બોલવા રાજી નથી. આપ નેતાએ કહ્યું હતું કે, વિસાવદર શહેરમાં રોડની કોઈ સુવિધા નથી. માત્ર કાંકરી અને રેતી પાથરી રોડ પર ઉડતી ધૂળની ડમરીઓ બંધ કરવા પાણી છાંટવામાં આવે છે. વિસાવદર નગરપાલિકાએ બે કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે અને તમામે ભાગ પાડી લીધા છે. બાદમાં હરેશ સાવલિયાએ મામલતદારને ફોન કર્યો હતો. જે વાતચીત નીચે મુજબ છે. હરેશ સાવલિયા: હેલ્લો નમસ્કાર સાહેબ.. મામલતદાર: નમસ્કાર બોલો બોલો. હરેશ સાવલિયા: સાહેબ તમે અહીં નગરપાલિકા કચેરી ખાતે આવી શકો અત્યારે? મામલતદાર: કેમ શું હતું? હરેશ સાવલિયા: સાહેબ તમે અહીં આવી એકવાર જુઓ તો ખ્યાલ આવે નગરપાલિકા એટલે કચરાપેટી છે, લોકોના ડોક્યુમેન્ટ ગમે ત્યાં રખડે છે, ગમે ત્યાં ગાબડા પડેલા છે. કચેરીમાં સાફ-સફાઈના નામે મીંડું છે આ કચેરી જો સાફ ન કરી શકતા હોય તો આ લોકો આખું ગામ કેમ સાફ કરશે? પાણી છાંટી છાંટીને ગામમાં ગંદકી કરી નાખી છે. એટલે અમે આખી ટીમ સાથે અહીં આવ્યા છીએસ તો તમે અહીં પધારો અમે તમારી રાહ જોઈએ છીએ. મામલતદાર: ગામમાં જે ધૂળ ઉડવાની લોકોની સમસ્યા હતી એટલા માટે જ પાણીનો છંટકાવ શરૂ કર્યો છે. હરેશ સાવલિયા: કંઈ વાંધો નહીં, હું સહમત છું પરંતુ તમે અહીં આવો નગરપાલિકામાં પાણીનો છંટકાવ કરશું કે કેમ? માટે અમે અહીં બેઠા છીએ અને તમારી રાહ જોઈએ છીએ.
મામલતદાર: બે દિવસ પહેલા જ હું ત્યાં આવ્યો હતો. હરેશ સાવલિયા: બે દિવસ પહેલા જ મેં નગરપાલિકાની મુલાકાત લીધી હતી. મામલતદાર: આપની રજૂઆત માટે ચીફ ઓફિસરને સૂચના આપી દઉં છું. હરેશ સાવલિયા: નાના સાહેબ ચીફ ઓફિસરને નહીં, આપ અહીં જરા પાંચ મિનિટ પ્લીઝ આવી જાઓ, તમે પણ જનતાના સેવક છો અને અમે પણ જનતાના સેવક છીએ. જનતાના ડોક્યુમેન્ટ કેવી રીતે પડ્યા છે તે આપ એકવાર ચેક કરી જાઓ, આજ ઓફિસમાં કોઈ દાખલો લેવા આવે તો પહેલા વેરો વસૂલવામાં આવે છે અને પછી દાખલો આપે છે. જનતા પર આ જુલમ છે. મામલતદાર: હા, હા હરેશ સાવલિયા: એટલે જનતાનું કામ આ જનતાના સેવકો નથી કરી રહ્યા એટલા માટે અમારે અહીં આવવું ખૂબ જરૂરી બન્યું છે. મામલતદાર: મારી વાત સાંભળો તમે.. આગલા દિવસે જ હું ત્યાં આવ્યો હતો, છતાંય તમારી રજૂઆત ધ્યાને લઈ ચીફ ઓફિસર બોલાવીને સૂચના આપી દઉં છું. હરેશ સાવલિયા: પણ સાહેબ અમે કહેશું ત્યારે તમે અમારી સૂચના આપશો, એ પહેલા આ લોકોને નથી દેખાતું? અહીં ઘણા કર્મચારીઓ પગાર લે છે. મામલતદાર: હં… પાલિકામાં માત્ર એક જ પટાવાળો છે: ચીફ ઓફિસર
આ મામલે વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, નગરપાલિકાનું નવું બિલ્ડીંગ બની રહ્યું છે અને હજુ થોડું કામ બાકી છે. અમે પણ આ કચેરીમાં હાલ બેસવા રાજી નથી. જીવના જોખમે અહીં કામ કરીએ છીએ. શહેરમાં તો સફાઈ કર્મીઓ કામ કરે છે પરંતુ નગરપાલિકામાં માત્ર એક જ પટાવાળા છે અને તેની પાસેથી સફાઈકર્મીનું કામ અમે લઈ શકતા નથી અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે. હાલ નવી નગરપાલિકા બની રહી છે: મામલતદાર
આ મામલે વિસાવદર મામલતદાર એન. બી લાંઘણેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે હરેશ સાવલિયા સાથે મેં મુલાકાત કરી હતી અને તેમને પણ મેં કહ્યું હતું કે આ સમગ્ર મામલે નગરપાલિકાના કર્મચારી અને ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવશે. તેમ જ હાલ નવી નગરપાલિકા બની રહી છે જેનું કામ પણ શરૂ છે તે તૈયાર થઈ જતા આ કચેરી નવી નગરપાલિકાની ઓફિસ ખાતે બદલવામાં આવશે. તેમજ જે વિસાવદર શહેરમાં રોડ પર ધૂળ ઉડી રહી છે તેના માટે દિવસમાં એકથી બે વાર પાણી છાંટવામાં આવે છે.