સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અઠવાડિયા પૂર્વે યોજાયેલા યુવા મહોત્સવ દરમિયાન એબીવીપીના સભ્ય અને જર્નાલિઝમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ નેતા બનવાના ચક્કરમાં યુનિવર્સિટી પરિસરમાં ખાલી દારૂની બોટલો મૂકી યનિવર્સિટીને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતનો સીસીટીવીમાં ઘટસ્ફોટ થયા બાદ યુનિવર્સિટીએ અને એબીવીપીએ વિદ્યાર્થી સામે કડક કાર્યવાહી કરી છે. યુનિવર્સિટીએ તેનો પ્રવેશ રદ કર્યો છે જ્યારે એબીવીપીએ પણ પોતાના સંગઠનમાંથી દૂર કરી દીધો છે. VNSGUના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં આ ઘટનાને યુનિવર્સિટી માટે કલંકરૂપ ગણાવી હતી અને કહ્યું હતું કે, આવી માનસિકતાવાળા વિદ્યાર્થીઓના કૃત્ય માટે કોઈ ક્ષમા રાખવામાં નહીં આવે. શું હતો સમગ્ર મામલો?
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શૈક્ષણિક પરિસરમાં દારૂની ખાલી બોટલો રાખી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને ઝાંkH પહોંચાડવાનો પ્રયાસ કરનાર વિજયભાઈ નારણભાઈ કટારિયાનો કિસ્સો સમગ્ર પરિસરમાં ચર્ચાનો વિષય બન્યો છે. માસ કમ્યુનિકેશન વિભાગના આ વિદ્યાર્થીએ શિસ્તવિરોધી કૃત્ય કર્યું હતું જે બાદ યુનિવર્સિટી દ્વારા તેના પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.વિજય કટારિયા, પીજી ડિપ્લોમા ઇન જનરલિઝમના વિદ્યાર્થી અને એબીવીપીના સભ્ય, યુવા મહોત્સવ દરમિયાન પોતાની એકટીવા પર દારૂની ખાલી બોટલો લઈને ડાઇનિંગ હોલ તરફ જતા નજરે ચડ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાયું કે તે ખાલી બોટલો થેલીમાં લઈને યુનિવર્સિટી પરિસરમાં વિતરણ કરવા માટે ષડયંત્ર રચી રહ્યો હતો. સીસીટીવી ફૂટેજને પુરાવા તરીકે વાપરી, યુનિવર્સિટી દ્વારા આ કૃત્યને ગંભીરતાથી લેવામાં આવ્યું અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વિજયે પબ્લિસિટી માટે ષડયંત્ર રચ્યું હતું
વિજયે આ કૃત્ય પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે કર્યું હોવાને પ્રકાશમાં લાવવામાં આવ્યું છે. તે દારૂની ખાલી બોટલો મૂકીને અને મીડિયાને જાણ કરીને યુનિવર્સિટીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ કિસ્સા પછી યૂનિવર્સિટી પરિસરમાં શિસ્ત અને નિયમોના ઉલ્લંઘન પર ગંભીર ચર્ચા થઈ રહી છે.
વિજયના આ કૃત્યને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉ. કિશોરસિંહ ચાવડાએ “યુનિવર્સિટી માટે કલંકરૂપ” ગણાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ કિસ્સો સાબિત કરે છે કે કેટલાક વિદ્યાર્થી પોતાની જાતને મોખરે રાખવા માટે યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરે છે. આવી માનસિકતાવાળા વિદ્યાર્થીઓના કૃત્ય માટે કોઈ ક્ષમાશીલતા નહીં રાખવામાં આવે.” વિદ્યાર્થીની માફી બાદ પણ યુનિવર્સિટીની કડક કાર્યવાહી
વિજય કટારિયાએ કરેલા કૃત્ય બાદ યુનિવર્સિટીએ આકરું વલણ અપનાવતા યુનિવર્સિટી સમક્ષ માફી માગી હતી. પરંતુ, યુનિ.ના કુલપતિ અને રજિસ્ટ્રારે મૌખિક માફી આપી હોવા છતા તેનો પ્રવેશ રદ કરી દેવામાં આવ્યો છે.યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે સ્પષ્ટતા કરી કે, “વિજય કટારિયા હવે ભવિષ્યમાં યુનિવર્સિટીના કોઈપણ અભ્યાસક્રમ માટે યોગ્ય ગણાશે નહીં. આવા શિસ્તભંગ કિસ્સાઓ માટે શૂન્ય સહનશીલતાની નીતિ અમલમાં રાખવામાં આવશે.” યુનિવર્સિટી દ્વારા કડક પગલાં
સીસીટીવી ફૂટેજના આધારે, યુનિવર્સિટીએ તાત્કાલિક વેસુ પોલીસને અરજી આપી હતી.પોલીસ દ્વારા તપાસ ચાલુ છે અને યુનિવર્સિટીએ આ ઘટના માટે કડક પગલાં લેવાની તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત, યુનિવર્સિટીએ આ ઘટનાને ભવિષ્યમાં ટાળવા માટે તેની નીતિઓને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. યુનિવર્સિટી હવે શિસ્ત અને નિયમોના ઘડતરમાં કોઈ ખામીને શૂન્ય રાખવા માટે પ્રતિકારાત્મક નીતિઓ પર કામ કરી રહી છે. વિદ્યાર્થીઓ માટે એક કડક સંદેશ
આ ઘટના યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓ માટે એક ચેતવણીરૂપ બની છે. યુનિવર્સિટીએ શૈક્ષણિક પરિસરમાં શિસ્ત જાળવવા માટે કડક અભિગમ દાખવ્યો છે અને આ ઘટના દર્શાવે છે કે શૈક્ષણિક મંડળની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારા કોઈપણ પ્રયાસ માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. ABVPએ પણ વિજયને સંગઠનમાંથી બહારનો રસ્તો બતાવી દીધો
સાઉથ ગુજરાત યુનિવર્સિટી ક્ષેત્રના ABVPના અધ્યક્ષ સુભમસિંહ રાજપૂતે જણાવ્યું કે આ જે કૃત્ય કરવામાં આવેલ કૃત્ય અત્યંત નિંદનીય છે. આ અંગે અમે પ્રદેશ સ્તર સુધી ચર્ચા કરી હતી. પ્રદેશના હોદ્દેદારોએ આ બાબતને ગંભીરતાથી લઈને, વિદ્યાર્થી વિજયને તાત્કાલિક અસરથી સંગઠનમાંથી દૂર કરી દીધો છે.