back to top
Homeગુજરાતદ્વારકા નગરી ડૂબી હતી ત્યાં મોરપીંછ રચાયું:સ્કૂબા-ડાઇવર્સએ સમુદ્રમાં ફ્લોટિંગ લોગો બનાવ્યો, પંચકુઈ...

દ્વારકા નગરી ડૂબી હતી ત્યાં મોરપીંછ રચાયું:સ્કૂબા-ડાઇવર્સએ સમુદ્રમાં ફ્લોટિંગ લોગો બનાવ્યો, પંચકુઈ બીચ નજીક ‘શ્રીકૃષ્ણ જલા જપા દીક્ષા’નો ભવ્ય કાર્યક્રમ

21મી ડિસેમ્બરના રોજ વર્લ્ડ સન્કન સિટી ડે નિમિત્તે ‘શ્રીકૃષ્ણ જલા જપા દીક્ષા’ ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગોમતી નદીના સામે કિનારે પંચકુઈ બીચ નજીક જે જગ્યા પર સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષો પ્રાપ્ત થયા છે એ જગ્યા પર બીચ નજીક અરબી સમુદ્રની અંદર સ્કૂબા-ડાઈવર્સની ટીમો હ્યુમન ફલોટિંગ લોગો બનાવવા અંદર ઊતરી હતી, જે વિશ્વભરમાં ડૂબી ગયેલાં શહેરોના સંરક્ષણની થીમ સાથે મોરપીંછ આકારનો ફલોટિંગ લોગો-ઇમેજ બનાવ્યો હતો. સમુદ્રની અંદર ડૂબેલી દ્વારકાના અવશેષો તેમજ પાંચ હજાર વર્ષ પૂર્વેની દ્વારકાધીશ સ્વરૂપે બિરાજમાન શ્રીકૃષ્ણ કાળની દ્વારકાની મહત્તાને વિશ્વફલક પર લાવવાના ઉદ્દેશથી જય દ્વારકા કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. એ અંતર્ગત સમુદ્રની અંદર ગોળાકાર આકારમાં કુલ સાત ભાગોમાં વહેંચાયેલો, શ્રીકૃષ્ણના પ્રતીક સમા મોરપીંછ આકારનો ફલોટિંગ લોગો બનાવ્યો હતો, જેને આકાશમાંથી નિહાળતાં સમુદ્ર વચ્ચે ગોળાકાર સાત પાર્ટિશન સાથેનો મોરપીંછથી બનેલો કલાત્મક લોગો દૃશ્યમાન થશે. રાજ્ય પ્રવાસનનું હબ બનવાની દિશામાં અગ્રેસર
રાજ્યના પ્રવાસન વિભાગ તથા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટી તંત્ર તથા ITS 6TH WOW એન.જી.ઓના સંયુક્ત ઉપક્રમે દ્વારકા ખાતે પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને શ્રીકૃષ્ણ જલા જપા દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વિકાસ ભી વિરાસત ભી” મંત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે. રાજ્યના પ્રવાસન સ્થળો સર્વાંગી વિકાસ કરી રાજ્યને પ્રવાસનનું હબ બનાવવા દિશામાં અગ્રેસર બની રહ્યું છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દ્વારકાની મુલાકાત વેળાએ સમુદ્રમાં વિલીન પ્રાચીન દ્વારિકા નગરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેવો જ અનુભવ તથા પ્રાચીન વિરાસતને એકદમ નજીકથી પ્રવાસીઓ પણ આનંદ માણી શકે તે માટે પ્રયત્નો કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. દ્વારકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ
આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે. બહોળી સંખ્યામાં પ્રવાસીઓ દ્વારકા ખાતે દર્શનાર્થે આવતા હોય છે ત્યારે રાજ્ય સરકાર પણ દ્વારકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન દ્વારકા નગરી તેમજ પ્રાચીન સંસ્કૃતિની મહત્વતા અંગે વિસ્તૃત જાણકારી મેળવવાનો છે. શ્રીકૃષ્ણ સ્ત્રોતમ સાથે હવન કરાયો
કાર્યક્રમમાં શ્રીકૃષ્ણ સ્ત્રોતમ સાથે હવન કરવામાં આવ્યો હતો. ઉપરાંત સ્કુબા ડાઇવર્સને શ્રી કૃષ્ણ જલા જપા દીક્ષા કાર્યક્રમ અન્વયે ઇન્ડિયન બૂક ઓફ રેકોર્ડસ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. ​​​​​​​ પ્રવાસનમંત્રી મુળુ બેરા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર
‘શ્રીકૃષ્ણ જલા જપા દીક્ષા’ ઇવેન્ટનું આયોજન રાજ્ય પ્રવાસન વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ITS 6H WOW નામની NGO દ્વારા દ્વારકાના સુદામા સેતુ ખાતે સવારે 9 કલાકથી શુભારંભ કરાયો હતો. આ ઈવેન્ટમાં રાજ્ય પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, ધારાસભ્ય ભગવાનજી ભાઈ બારડ, પોલીસ અધિક્ષક નિતેશ પાંડે્ય, પ્રાંત અધિકારી એ.એસ.આવટે, અગ્રણી પી.એસ.જાડેજા, સંજય નકુમ, લુણાભા સુમણીયા, રમેશ હેરમાં, જે.કે. હાથિયા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં. દ્વારકા નગરી ડૂબી હતી એ જગ્યાએ મોરપીંછ સર્જાશે
વર્લ્ડ સન્કન સિટી ડે નિમિત્તે જય દ્વારકા અભિયાન અંતર્ગત દ્વારકાની પંચકુઈ બીચ નજીક જે જગ્યા પર સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષો પ્રાપ્ત થયા છે એ જગ્યા પર બીચ નજીક અરબી સમુદ્રની અંદર સ્કૂબા-ડાઈવર્સની ટીમો હ્યુમન ફલોટિંગ લોગો બનાવવા અંદર ઊતરી હતી, જેમને વિશ્વભરમાં ડૂબી ગયેલાં શહેરોના સંરક્ષણની થીમ સાથે મોરપીંછ આકારનો ફલોટિંગ લોગો-ઇમેજ બનાવ્યો હતો. પંચકુઈ બીચ પર રંગારંગ કાર્યક્રમમાં લોકો ઊમટ્યા
સવારે 9 કલાકે મહેમાનોના આગમન બાદ 9.30થી 9.45 કલાક સુધી દીપ પ્રાગટ્ય સાથે ઉદ્ઘાટન સમારોહ, 9.45થી 10.15 સુધી મહેમાનોનું સ્વાગત, પ્રવચન તથા સન્માન, સવારે 10.15થી 10.35 સુધી શ્રીકૃષ્ણ જલા જપા દીક્ષા, સ્કૂબા-ડાઈવિંગ, સવારે 10.35થી 10.45 સુધી શ્રીકૃષ્ણ સ્તોત્રમ પર હવન, 10.45થી 11.00 સુધી શાસ્ત્રીય નૃત્યનો સાંસ્કૃતિક કાર્યક્રમ, 11.00થી 11.15 સુધી ઈન્ડિયન બુક ઓફ રેકોર્ડ્ઝ સર્ટિફિકેટ એનાયત સમારોહ તથા 11.15થી 11.30 સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર દ્વારા સમાપન સમારોહ તથા આભાર દર્શન કરવામાં આવ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ 10 મહિના પહેલાં દ્વારકાના અવશેષો જોયા હતા
10 મહિના પહેલાં સુદર્શન સેતુનું લોકાર્પણ બાદ પંચકૂઈ બીચ પાસે તેઓ ભગવા વસ્ત્રોમાં પહોંચ્યા હતા અને કમરે મોરપીંછ ખોસીને પાણીમાં ઊતર્યા હતા, જ્યાં વડાપ્રધાન મોદીએ પણ સ્કૂબા-ડાઇવિંગ કર્યું હતું. વડાપ્રધાને આ અંગે કહ્યું હતું કે પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો. હું આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે પોતાને જોડાયેલો અનુભવું છું. ભગવાન શ્રીકૃષ્ણ આપણા સૌનું ભલું કરે. વડાપ્રધાને જણાવ્યું હતું કે પુરાતત્ત્વીય જાણકારોએ દ્વારિકા નગરી પર અનેક સંશોધનો કર્યાં છે. એને કારણે મારી પ્રાચીન દ્વારિકા દર્શન કરવાની તેમજ એને જોવાની વર્ષોથી ઈચ્છા હતી, જે મારું સ્વપ્ન આજે પૂરું થયું છે. PM મોદીએ સમુદ્રની અંદર જઈને અવશેષોમાં મોરપીંછ અર્પણ કર્યું અને અવશેષોને સ્પર્શ કર્યો હતો. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ વેબસાઇટ લોન્ચ કરી
તાજેતરમાં ગાંધીનગર ખાતે ITS 6TH WOW – NGO દ્વારા રાજયના પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં સપ્ટેમ્બર માસમાં શરૂ કરાયેલા જય દ્વારકા કેમ્પેનની વેબસાઈટના ગુજરાતી વર્ઝનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના રવીન્દ્રજી તથા અન્ય મેમ્બર્સની ટીમ દ્વારા વીડિયો પ્રેઝન્ટેશનના માધ્યમથી ડૂબેલી દ્વારકા નગરી વિશે થયેલા લેટેસ્ટ ડિસ્કવરી અને કલ્ચરલ મહત્તા વર્ણવી હતી. ‘જય દ્વારકા’ની થીમ સાથે ડૂબેલી દ્વારકાની મહત્તા ઉજાગર કરાશે
દક્ષિણ ભારતીય સંસ્થાના જનરલ સેક્રેટરી રવીન્દ્રનાથના જણાવ્યાનુસાર, દુનિયાભરમાં અત્યારસુધીમાં કુલ 15 જેટલી નગરીઓ જે-તે કારણોસર સમુદ્રમાં ગરકાવ થઇ થઈ છે. આ તમામ 15 સિટીમાં દ્વારકા સૌથી વધુ પ્રાચીન હોઈ, ભગવાન શ્રીકૃષ્ણએ જ્યાં શાસન કર્યું હોવાનું હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં પુરાવો હોય એવી પૌરાણિક દ્વારકાને પ્રાચીન વિશ્વની રાજધાની સમાન ગણાવતાં આ સંસ્કૃતિનાં સંસ્મરણો દીર્ઘકાલીન નોંધ લેવાય એ હેતુ જય દ્વારકા મિશન ચલાવવામાં આવશે. ચંદ્રબાબુ નાયડુ દ્વારા અભિયાનનું ઉદ્ઘાટન કરાયું
આ સંસ્થા દ્વારા હૈદરાબાદ ખાતે 24મી જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની ઉપસ્થિતિમાં ‘જય દ્વારકા’ અભિયાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ડૂબેલી દ્વારકાના બંધારણને સાચવવા તેમજ મહાભારતકાળના છુપાયેલા પુરાતત્ત્વીય પુરાવાઓને ઉજાગર કરવા જરૂરી સરકારી મંજૂરીઓ મેળવાયા બાદ આ વિશ્વધરોહરના પ્રાચીન કલાકૃતિઓનાં રહસ્યોને બહાર લાવવા તેમજ જાળવણી હેતુ પ્રયાસો હાથ ધરવાની નેમ હોવાનું રવીન્દ્રનાથએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની યાદીમાં પ્રાચીન દ્વારકાનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે ITS 6TH WOW સંસ્થા દ્વારા ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયને એક પ્રતિનિધિત્વ રજૂ કર્યુ હતું, જેમાં પ્રાચીન દ્વારકાનું નામ ભારતના રાષ્ટ્રીય હેરિટેજ સાઈટ્સમાં સામેલ કરવા અને નામના શિલાલેખ માટે અરજી કરવા માટે જરૂરી પગલાં લેવા રજૂઆત કરવામાં આવી હતી. રાજભૂમિને બાદ કરીને આખી દ્વારકા સમુદ્રમાં સમાઈ ગઈ
લોકવાયકા મુજબ દ્વારકાની ભૂમિ પર ભગવાન દ્વારકાધીશે 100 વર્ષથી વધારે સમય સુધી રાજ કર્યું હતું. ભગવાન દ્વારકાધીશે દેહત્યાગ કર્યા બાદ સમુદ્ર નારાયણે પોતાના કરાર મુજબ આખી દ્વારકા પોતાનામાં સમાવી લીધી હતી અને દ્વારકા સમુદ્રમાં ગરક થઇ ગઇ હતી, પરંતુ જ્યાં ભગવાને રાજ કર્યું હતું એ રાજભૂમિને બાદ કરીને આખી દ્વારકા સમુદ્રમાં સમાઈ ગઇ હતી. ત્યાર બાદ ભગવાનના પ્રપૌત્ર શ્રી વર્જનાભજીએ ખુદ ભગવાન વિશ્વકર્મા પાસે અત્યારની આ તપોભૂમિ દ્વારકાનું પ્રાગટ્ય કરાવ્યું હતું. ડૂબેલી દ્વારકા શોધવા ક્યારે ક્યારે ઉત્ખનન થયું?
ડૂબેલી દ્વારકાને શોધવાના મિશનની શરૂઆત 1963માં પુણેની ડેક્કન કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ASIના ડાયરેક્ટર એવા શિકારીપુરા રંગાનાથ રાવ (એસ.આર.રાવ) દ્વારા 1984થી 1987 દરમિયાન દ્વારકામાં સામુદ્રિક પુરાતત્ત્વીય સંશોધન કર્યું. સમુદ્રમાં 10 મીટર નીચેથી બે પ્રવેશદ્વાર, કિલ્લાની દીવાલ, જેટી વગેરે અવશેષો મળ્યાં હતાં. આ અવશેષો મહાભારતનો સમય નક્કી કરવામાં ઘણા ઉપયોગી થયા છે. અવશેષોને આધારે જાણવા મળ્યું કે દ્વારકાનું નિર્માણ ઈ.પૂ. પંદરમી સદીમાં એટલે કે આજથી 3,520 વર્ષ પહેલાં થયું હતું. જગત મંદિરથી લોકેશન કઈ તરફ હતું?
2007માં ASI દ્વારા કરવામાં આવેલાં સંશોધનમાં સામેલ રિટાયર્ડ મરીન કમાન્ડો પ્રવીણકુમાર તેવટિયાએ જણાવ્યું હતું કે ‘લોકેશન કોઈ સેટ નહોતું. એ અમારે જઈને શોધવાનું હતું. દ્વારકાના મંદિરથી દરિયાની અંદર બેથી અઢી કિમી પછી આ લોકેશન શરૂ થાય છે. એની પહેલાં બહુ જ વધારે માટી છે. એમાં પાછું ખોદકામ પણ ન કરી શકાય, એટલે અમે લોકેશન પર જઈને શોધ શરૂ કરી, ત્યાં પણ માટી તો છે જ. અમે ત્યાં જ અમારી બોટને એન્કર કરી હતી. અમે ત્યાં જ રહેતા હતા. મંદિરનો ઝંડો ત્યાંથી ક્લિયર દેખાય છે, પરંતુ એ લગભગ 2-2.5 કિમી દૂર છે. મરીન કમાન્ડો પ્રવીણકુમાર તેવટિયા આગળ કહે છે, મોર્નિંગથી ઈવનિંગ સુધી પોતાની મરજી મુજબ ત્યાં ASIના અધિકારીઓ આવ-જા કરતા હતા. આખો દિવસ અમે કામ કરતા અને સાંજે એ અમારું કામ જોવા આવતા હતા. એ સિવાય દ્વારકાધીશના મંદિર નજીક પણ તેમણે ઘણું ખોદકામ કર્યું હતું અને ત્યાં પણ ઘણાં મંદિરોના અવશેષ મળ્યા હતા. અત્યારે જે છે એ લેટેસ્ટ મંદિર છે. આ પહેલાં લગભગ 5-6 મંદિર બની ચૂક્યાં છે, પરંતુ એ તૂટી ગયાં હતાં. એમના અવશેષ પણ ત્યાં મળ્યા હતા, પરંતુ જે ખરેખર દ્વારકા હતી, એના અવશેષ સમુદ્રમાં જ છે’. સમુદ્રમાં ઊંડે સુધી ગયેલા કમાન્ડોએ ખોલ્યાં ડૂબેલી દ્વારકાનાં રહસ્યો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments