ઇરફાન મલેક|
દાહોદ શહેર સહિત રાજ્ય,દેશ અને દુનિયામાં વસતા દાઉદી વહોરા સમાજ દ્વારા સમાજનાં 15થી નીચેની વયનાં બાળકોના મોબાઇલ વપરાશ સામે પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે દાહોદ શહેર સહિત આખા ગુજરાત રાજ્યમાં બાળકોને મોબાઇલની કુટેવથી બચાવવા માટે દાઉદી વહોરા સમાજ અનોખી પહેલ શરૂ કરી છે. તેના ભાગ રૂપે સમાજનાં 15 વર્ષથી નીચેનાં તમામ બાળકો માટે મોબાઇલ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ધર્મગુરુ સૈયદના આલીકદર મુફદ્દલ મૌલાના આ નિર્ણય લાગુ કરવા માટે સમાજ હવે દાહોદ શહેર સાથે ગુજરાત, દેશ અને દુનિયાના ફેલાયેલા તમામ અનુયાયીઓને પ્રેરિત કરશે. દાહોદના આમીલસાહેબ શેખ અલીઅઝગર ઉજ્જૈનવાલાએ જણાવ્યું હતું કે મસ્જિદોની કમિટી અને સમાજનાં જુદાં-જુદાં સંગઠન બાળકોને જાગૃત કરવાની કામગીરી કરશે. વિદ્યાર્થીઓ મોબાઇલથી દૂર રહી અભ્યાસ કરશે તો રાષ્ટ્ર ઋણી રહેશે : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી દાહોદ આવેલા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે વિદ્યાર્થીઓને મોબાઇલથી દૂર રહેવાની શિખામણ આપી હતી. તેમણે કહ્યું હતું કે પ્રત્યેક વિદ્યાર્થી મોબાઇલને ન સ્પર્શી પોતાના અભ્યાસના વિષયોનું એકાગ્રતાથી અધ્યયન કરે એ પણ રાષ્ટ્ર ઋણ હશે. સ્વામીજીએ સંસ્કૃતિના જતન માટે વિદ્યાર્થીઓને ધર્મની સમજણ આપીને આપણી સંસ્કૃતિ જતન માટે મોટંુ યોગદાન રહે તે માટે સમજાવ્યા હતા. શિક્ષણના મૂલ્યો સાથે ધર્મનું પણ પાલન થાય તે માટે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા.