અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં બે દિવસ પહેલાં જાહેરમાં તલવારો સાથે આતંક મચાવી પોલીસકર્મીઓને ડરાવનારા લુખ્ખાઓની મુશ્કેલીમાં હવે વધારો થયો છે. આરોપીઓએ સરકારી જમીન પર ગેરકાયદે મકાનો બનાવી દીધાં હોવાની સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત બાદ મહાનગરપાલિકાએ બંને આરોપીનાં ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું. ડિમોલિશન કામગીરી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવાયો હતો. બે આરોપીનાં ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યાં
અમદાવાદના બાપુનગર- રખિયાલ વિસ્તારમાં જાહેરમાં તલવારો લઈને પોલીસને ભગાડી પોતાનો આતંક મચાવનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. બાપુનગર વોર્ડના કોર્પોરેટર અને લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કમિશનરને પત્ર લખીને બંને રીઢા આરોપીનાં કોર્પોરેશનની માલિકીની જગ્યા પર બનાવેલા ગેરકાયદે મકાનો પર બુલડોઝર ચલાવવા માટે પત્ર લખ્યો હતો. એને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે શનિવારે બપોરે બંને આરોપીનાં ઘર પર બુલડોઝર ફેરવી જગ્યા કબજે લેવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ-બંદોબસ્ત સાથે બંને આરોપીનાં પાકાં મકાનો તોડી નાખવામાં આવ્યાં છે. આ પણ વાંચોઃ ઝડપાયેલા ત્રણ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર આજે બપોરે ગરીબનગર ચાર રસ્તા પાસે આવેલા અકબરનગરના છાપરા ખાતે બંને આરોપીઓનાં મકાનો કોર્પોરેશનની જમીન પર આવેલાં હતાં, જેના પગલે ડીસીપી, એસીપી અને ચાર પીઆઇ સહિતનો પોલીસ-બંદોબસ્ત મેળવીને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચાર જેસીબી મશીન અને 50થી વધુ મજૂરો સાથે ડિમોલેશન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોપીનાં ઘરની બહાર સીસીટીવી, કૂલર અને એસી સહિતની વસ્તુઓ પણ હતી. પોલીસે તાત્કાલિક ધોરણે મકાન ખાલી કરાવીને મકાનો તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત બાદ કાર્યવાહી
બાપુનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્રમાં એવી રજૂઆત કરી હતી કે બાપુનગર વિસ્તારમાં બનેલી ઘટનામાં આરોપીઓએ આપણી કાયદો અને વ્યવસ્થાને સીધો પડકાર ફેંક્યો હોય એવું જણાય છે ત્યારે આવા આરોપીઓની સામે ખૂબ જ આક્રમક રીતે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જરૂરી છે. બંને આરોપી રીઢા ગુનેગાર છે. તેઓ પાસા હેઠળ પણ જેલમાં જઇ આવ્યા છે. જોકે તેઓ જે ઘરમાં રહે છે એ ઘર અકબરનગરનાં છાપરા ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યામાં બનેલાં છે. અત્યારે તેમની આવી ગુનાખોરીને ધ્યાને લઇ ખાસ કરીને પોલીસ સાથેના તેમના વ્યવહારને ધ્યાને લઇ ધર્મ અને જાતિ ભૂલીને તેમની સામે કડક પગલાં લઇ તેમના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવવાં જોઇએ. ઉલ્લેખનીય છે કે શહેરના રખિયાલ વિસ્તારમાં ખુલ્લી તલવારો સાથે આતંક મચાવનાર આરોપીઓ પૈકી ફઝલ ફરીદ અહેમદ મુન્નાભાઇ શેખ અને તેનો ભાઇ આફતાબ ઉર્ફે અલ્તાફ ફરીદ અહેમદ શેખ બંને બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરના છાપરા ખાતે રહે છે. બંને આરોપી મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા પર પાકાં મકાનો બનાવી દીધાં છે. ત્યારે આવા સમયે આ આરોપીઓનાં મકાન પર બુલડોઝર ફેરવી દેવા માટે તેમણે માગણી કરી હતી. એને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમે આજે કાર્યવાહી કરી છે. શું હતો સમગ્ર મામલો?
અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં લુખ્ખાઓએ જાહેર રસ્તા પર હથિયાર લઈ આતંક મચાવ્યો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલા પોલીસકર્મીઓને પણ લુખ્ખાઓએ ધક્કો મારી પોલીસવાહનમાં બેસાડી દેતા હોવાના વીડિયો વાઈરલ થયા હતા. પોલીસની હાજરી ન હોય અને લુખ્ખાઓ મનપડે એ રીતે વર્તે એ તો સમજી શકાય, પરંતુ પોલીસની હાજરીમાં પણ બેફામ વર્તન કરતા હોવાનો વીડિયો વાઈરલ થતાં સવાલો ઊઠ્યા હતા. (સંપૂર્ણ સમાચાર વાંચો)