મિહિર ભટ્ટ
ગુજરાતના સલાયામાં 2018માં ઉતરેલા અને પંજાબ પહોંચેલા ડ્રગ્સના રૂપિયા આતંકી સંગઠન LeT (લશ્કર-એ-તોઈબા) સુધી પહોંચ્યા હોવાનો ઘટસ્ફોટ NIA એ કર્યો છે. અત્યાર સુધી જે ‘નાર્કો ટેરરીઝમ’ની આશંકા સેવાઈ રહી હતી તેવા ગંભીર ષડયંત્રને NIA એ ખુલ્લું પાડ્યું છે. એટલું જ નહીં ગુજરાત ATS દ્વારા પકડી પાડવામાં આવેલા આ ડ્રગ્સ રેકેટનું ષડયંત્ર ઈટલી અને ઓસ્ટ્રેલિયામાં રહેતા બે શખ્સોએ ઘડ્યું હોવાનું અને પાકિસ્તાનના ‘હાજી સાહેબ’ નામના શખ્સે ડ્રગ્સ મોકલાવ્યાંના પુરાવા પણ NIA એ મેળવ્યાં છે. ઉલ્લેખનિય છે કે, આ કેસમાં જામીન પર છૂટેલા આરોપીએ NIA ના તપાસ દાયરાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો ત્યારે તપાસ એજન્સી દ્વારા કરાયેલી તપાસ અને સજ્જડ પુરાવાને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લીધા હતા. કોર્ટે આરોપીના જામીન તો રદ્દ કર્યા સાથે NIA ને આતંકી ગતીવિધીઓની કોઈ પણ શંકા-શક્યતાને તપાસ કરવાનો પાવર હોવાની ટીપ્પણી કરી હતી.
NIA ના આધારભૂત સૂત્રોનું કહેવું છે કે, વર્ષ 2018માં સલાયાથી ગુજરાત ATS દ્વારા 5 કિલો હેરોઈન પકડી પાડવામાં આવ્યું હતુ. આ કેસની તપાસમાં ગુજરાત ATS એ પાકિસ્તાનની સંડોવણી ખોલવા ઉપરાંત 7 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં આરોપીઓએ આ પ્રકારે અગાઉ પણ અંદાજે 400 કિલો ડ્રગ્સ બે વાર લવાયું હોવાનું અને તેને સપ્લાય કરતા પહેલા દિવસો સુધી જમીનમાં દાટી રાખ્યું હોવાનું કબુલ્યું હતુ. ત્યાર બાદ પંજાબ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે પણ આ કેસમાં આઠેક લોકોની ધરપકડ કરી હતી. બન્ને સુરક્ષા એજન્સીઓએ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પણ કબ્જે કર્યું હતુ. ક્રોસ બોર્ડરના આ કેસની તપાસ 2020 માં NIA ને સોંપવામાં આવી હતી.
NIA ની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, ડ્રગ્સના રૂપિયા આંગડિયા પેઢીઓ દ્વારા હવાલાથી દુબઈ, ઈટલી અને ઓસ્ટ્રેલિયા પહોંચ્યાં છે. જે પૈકી 1 કરોડ રૂપિયા ફરીને જમ્મુ-કાશ્મિરમાં સક્રિય આતંકી સંગઠન ‘લશ્કર-એ-તોઈબા’ સુધી પહોંચ્યા છે. પૈસાની આખી ચેઈન મેળવતા ઈટલીના સીમરનજીતસિંઘ સંધુ અને ઓસ્ટ્રેલિયાના તનવીર બેદીનું નામ ખુલ્યું હતુ. આ બન્ને સલાયા ડ્રગ્સ કેસના માસ્ટર માઈન્ડ હોવાનું અને તેમણે પાકિસ્તાનના હાજી સાહેબ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ મંગાવ્યાનું ખુલ્યું હતુ.
આ ષડયંત્રમાં પકડાયેલો શખ્સ અંકૂશ કપૂર જ્યારે જામીન પર છુટી ગયો અને NIA તેના જામીન રદ્દ કરાવવા સુપ્રિમ કોર્ટ પહોંચી ત્યારે આ પુરાવા કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યાં હતા. કોર્ટે અંકૂશ કપૂરે NIAની તપાસ પધ્ધતી પર ઉઠાવેલા સવાલને કોર્ટે નકારી કાઢ્યા અને જામીન રદ્દ કરતા આતંકી ગતીવીધિઓની કોઈ પણ તપાસ કરવા NIA સક્ષમ હોવાના મતલબની ટપ્પીણી સુપ્રિમ કોર્ટે કરી હતી તેમ NIAના સિનિયર અધિકારીઓએ ઉમેર્યું હતુ.
સલાયામાં લેન્ડ કરાયેલું ડ્રગ્સ દિવસો સુધી જમીનમાં દાટી રાખ્યા બાદ કારમાં ઊંઝા અને ત્યાંથી મસલા વચ્ચે છુપાવી ટ્રકમાં પંજાબ પહોંચાડાયું હતું! ડ્રગ્સ દેશની હેલ્થ -વેલ્થ બન્ને બગાડે છે: સુપ્રીમ
અંકુશ કપૂરના જામીન રદ્દ કરતા સુપ્રીમકોર્ટે NIA ની તપાસને બિરદાવતા મતલબની ટિપ્પણી કરી હતી. કોર્ટે ટાંક્યુ હતુ કે, ડ્રગ્સ દેશના યુવાધનને અને ડ્રગ્સના રૂપિયા દેશની આર્થિક સ્થિતિને નુકશાન પહોંચાડી રહ્યાં છે. આ કેસમાં ગુજરાત ATS ઉપરાંત પંજાબ ટાસ્ક ફોર્સ અને NIA દ્વારા એકઠા કરવામાં આવેલા પુરાવાને સુપ્રીમકોર્ટે વખાણ્યા હતા.
ખાલિસ્તાન સાથેના સંબંધો ખૂલે તો નવાઈ નહીં!
સૂત્રોનું કહેવું છે કે, ડ્રગ્સના આ કેસમાં અત્યાર સુધી આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબા સાથેના સંબંધો જ ખૂલ્યાં છે. પરંતુ જે રીતે વિદેશમાં બેઠેલા વ્યક્તિઓ દેશ વિરોધી વલણ અપનાવી રહ્યાં છે તે જોતા ભવિષ્યમાં તેમના તાર ખાલિસ્તાન સાથે નીકળે તો નવાઈ નહીં. જો કે, હજુ સુધી એવા કોઈ પુરાવા મળ્યાં નથી.
ડ્રગ્સના રૂપિયાથી થાઈલેન્ડમાં રિસોર્ટ બનાવ્યા!
NIA ની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલા હરમિંદરસિંઘ રંધાવાએ ડ્રગ્સના રૂપિયાથી થાઈલેન્ડમાં હોટલ અને રિસોર્ટ બનાવ્યાંની વિગતો ખુલી હતી. જેથી ત્યાંની સરકારને કહીં ડ્રગ્સના આરોપીઓની પ્રોપર્ટીની વિગતો પણ હવે NIA એ મંગાવી છે. જ્યારે ઈટલી અને ઓસ્ટ્રેલિયામાં બેઠેલા બન્ને શખ્સોની ધરપકડ માટે ઈન્ટરપોલની મદદ પણ લેવાઈ છે.
અફઘાનિસ્તાનથી ડ્રગ્સ આ રૂટથી પંજાબ પહોંચ્યું
અફઘાનિસ્તાનમાં પ્રોસેસ કરાયેલું ડ્રગ્સ કયા રસ્તે પાકિસ્તાનનાં પસની પોર્ટ પહોંચ્યું તે જાણી શકાયું નથી. પરંતુ પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI (ઈન્ટર સર્વિસીઝ ઈન્ટેલિજન્સ) ની મદદ હોવાની શંકા છે. આ ડ્રગ્સ પસની પોર્ટથી માછીમારીની બોટમાં લોડ કરાયું હતુ. ત્યાંથી આ બોટ છેક ભારતીય જળ સીમામાં ઘુસી આવી હતી. મધદરિયે આ બોટમાંથી ડ્રગ્સને સલાયાની અલ-સોહેલી બોટમાં ટ્રાન્સફર કરાયું હતુ. જ્યાંથી આ બોટ સલાયા પહોંચી. થોડા દિવસ આ ડ્રગ્સને જમીનમાં દાટી રખાયું અને બે અલગ અલગ ખેપમાં વાયા ઊંઝા ઉત્તર ભારતમાં લઈ જવાયું હતુ.