રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાડા બાર વર્ષ પૂર્વે પત્ની અને કાકીજી સાસુની હત્યા નિપજાવી ફરાર થયેલા શખ્સને પોલીસે યુપીના ગાજીયાબાદમાંથી ઝડપી પાડ્યો છે. સાડા બાર વર્ષથી ફરાર આરોપીને ઝડપવા રાજકોટ પોલીસે છેલ્લા બે મહિનાથી રાત દિવસ એક કર્યા હતી. એક સામાન્ય રિક્ષાચાલકની મદદ અને PAYTM એપ્લિકેશનના ટેક્નિકલ એનાલિસિસની મદદથી અંતે પોલીસ આરોપી સુધી પહોંચી હતી. જો કે, આરોપી સુધી પહોંચવા માટે પોલીસે ત્રણ દિવસ સુધી ફ્રૂટ અને કપડાના ફેરિયા ઉપરાંત રિક્ષા ચાલક બની રેકી કરવી પડી હતી. રાજકોટથી 1150 કિમી દૂર પહોંચી ક્રાઈમ બ્રાન્ચની ટીમે સાડા બાર વર્ષ જૂના આ ડબલ મર્ડર કેસનો ગુનો કઈ રીતે ઉકેલ્યો તેની વિગતવાર આગળ કરીએ. સાડા બાર વર્ષ પહેલા પત્ની અને કાકીજી સાસુની હત્યા કરી હતી
રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હુડકો ક્વાર્ટર પાસે નાળોદાનગર શેરી નંબર 4 માં ગત તારીખ 22 મે 2012ના રોજ બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ભક્તિનગર પોલીસને જાણ થઈ હતી કે, 27 વર્ષીય મધુબેન ઉર્ફે મુની અને તેની 45 વર્ષીય કાકી રંજનબેનની હત્યા મધુના પતિ પવન ઉર્ફે પ્રવીણ અને તેના ભાઈ દીપક ઉર્ફે દીપુ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કોઈ કારણોસર કરવામાં આવી છે. જેને લઇ પોલીસ દ્વારા મકાન માલિકની ફરિયાદ નોંધી હત્યામાં સામેલ આરોપી દીપક ઉર્ફે દીપુને ઝડપી પાડવામાં આવ્યો હતો અને બેવડી હત્યાના ગુનામાં મુખ્ય આરોપી પવન ઉર્ફે પ્રવીણ આજ દિવસ સુધી વોન્ટેડ હતો. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા છેલ્લા બે મહિનાથી પવન ઉર્ફે પ્રવીણની શોધખોળ હાથ ધરી હતી અને આખરે બે મહિનાની મહેનત બાદ 1150 કિમી દૂર રહેલા પવન ઉર્ફે પ્રવીણને પોલીસ દ્વારા વેશ પલટો કરીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી રાજકોટમાં જ્યાં રહેતો હતો ત્યાંથી પોલીસે તપાસ શરૂ કરી
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ મેહુલ ગોંડલીયાની ટીમના પી.એસ.આઇ અનિરુદ્ધસિંહ પરમાર અને તેની ટીમ દ્વારા ડબલ મર્ડરના વોન્ટેડ આરોપી સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં આજથી બે મહિના પહેલા પોલીસ સૌ પ્રથમ પવન ઉર્ફે પ્રવીણ જે જગ્યાએ રહેતો હતો અને જે જગ્યાએ તેને બે બે હત્યાના ગુનાને અંજામ આપ્યો તે જગ્યાની આજુબાજુમાં રહેતા લોકોની પુછપરછ કરવામાં આવી હતી. તેમજ પવન ઉર્ફે પ્રવિણના પરિવારમાં કેટલા સભ્યો હતા. તેઓ કઈ કઈ જગ્યાએ રહે છે તે સહિતની વિગતો મેળવવામાં આવી હતી. પરંતુ કોઈ ચોક્કસ માહિતી મળી રહી ન હતી આમ છતાં પોલીસે તપાસ ચાલુ રાખી હતી અને અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. મોબાઈલ નંબર અને PAYTMના ટ્રાન્જેકશન મહત્વપૂર્ણ સાબિત થયા
જે તે સમયે ફરિયાદમાં ફરિયાદીએ આરોપીને સંતાનમાં બે દીકરા હોવાનો ઉલ્લેખ કર્યો હતો જેની એ સમયની ઉંમર અંદાજિત 10 વર્ષ કહેવામાં આવતી હતી જેથી આજે તે લગભગ 22 વર્ષ આસપાસ ઉંમર ધરાવતા હોય તો તેઓની કોઈ માહિતી મળી શકે એમ માની તપાસ શરૂ કરતા પોલીસને રાજકોટના એક સામાન્ય રીક્ષા ચાલક પાસેથી પવન ઉર્ફે પ્રવિણના દીકરાના મોબાઈલ નંબર મળ્યા હતા. જે નંબરના આધારે પોલીસ દ્વારા ટેક્નિકલ એનાલિસિસ શરૂ કરવામાં આવ્યું હતું. જે રિપોર્ટ પરથી કેટલાક શંકાસ્પદ નંબર મળી આવ્યા હતાં. અને તેમાંથી અન્ય એક શંકાસ્પદ નંબરના આધારે વિગત મેળવવામાં આવતા તે નંબર પવન ઉર્ફે પ્રવીણનો હોવાનું સામે આવ્યું હતું. તેમજ તે નંબર પર PAYTM એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેમાં રોજિંદા સ્મોલ એમાઉન્ટમાં રૂપિયા જમા થતા હતા જેથી પવન કોઈ છૂટક ધંધો કરતો હોવાનું પોલીસને અનુમાન હતું. આ PAYTM ટ્રાન્ઝેક્શનનું ટેક્નિકલ એનાલિસિસ કરતા તેમાં રોજિંદા રૂપિયા 316 વિથડ્રો થતા હતા જેથી તેને લોન લીધી હોય શકે તેવું પોલીસને માલુમ થયું હતું અને તે લોકો ઉત્તરપ્રદેશમાં જ શ્રી રામ ફાયનાન્સ પેઢીમાંથી લોન લીધી હોવાનું સામે આવ્યું હતું. આ પછી આરોપી સુધી પહોંચવા માટે પોલીસ ઉત્તરપ્રદેશમાં ફાઈનાન્સ કંપની સુધી પહોંચી હતી અને ત્યાં ફાઇનાન્સ કંપનીમાંથી આરોપીનું આધાર કાર્ડ, પાન કાર્ડ, અને તેન ફોટો મળી આવ્યો હતો જેથી હાલમાં તે કેવો દેખાય છે તે અને તેનું રહેણાંક લોકેશન પોલીસને મળી ગયું હતું. જેના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા આરોપી પોતાના પુત્ર સાથે ચાની લારી ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. વેશપલટો કરી પોલીસે રિક્ષા ચલાવી અને ફ્રૂટ વેચ્યું
પોલીસે દોઢ દિવસ સુધી ગાઝિયાબાદ ખાતે ચાની લારી ચલાવનાર આરોપી પવન ઉર્ફે પ્રવીણ છે કે કેમ? તે બાબતે તપાસ કરવા માટે વેશ પલટો કરવાની પણ ફરજ પડી હતી. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમના ASI જલદીપસિંહ વાધેલાએ ઇ-રિક્ષા ભાડેથી લીધી હતી હતી અને તેઓ રિક્ષાચાલક બન્યા હતા. જયારે કોન્સ્ટેબલ મોહિલરાજસિંહ ગોહિલે ફ્રૂટ વિક્રેતા બની આરોપીની ચાની કીટલીની આસપાસ ફ્રૂટ વેંચતા વેંચતા તેના પર નજર રાખતા હતા તેમજ હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલાએ પેડલ રિક્ષા લીધી હતી જે તેઓ ચલાવતા હતા અને કોન્સ્ટેબલ હરસુખભાઇ સબાડ ગરમ કપડાની લારી લઇને તે વિસ્તારમાં ફરતા હતા. પોલીસને શંકા હતી કે, જો આરોપીને ખબર પડી જશે કે પોલીસની વોચમાં છે તો તે ચાની લારી ખાતે નહીં આવે, તેમજ તે અહીંયાથી પણ ક્યાંક ભાગી જશે તો તેને પકડવો મુશ્કેલ બની જશે. જેના કારણે સ્થાનિક વ્યક્તિઓ જેવો જ પહેરવેશ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ધારણ કરવામાં આવ્યો હતો. આ પછી ચોક્કસ સમયે આરોપી પવન ઉર્ફે પ્રવીણ શર્મા ચાની લારી ખાતે આવતા પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટિમ આરોપી પવન ઉર્ફે પ્રવીણની ચાની કીટલી આસપાસ રેકી કરવામાં આવતી હતી. પ્રથમ દિવસે જયારે પોલીસ પહોંચી તો તમામ લોકો ઓળખી જતા હતા અને તમે ગુજરાતી છો અમદાવાદી છો તેવું પૂછતાં હતા અને આ પછી પોલીસે વેશ પલટો કરવાનું નક્કી કર્યું હતું. પોલીસે વેશપલટો કરી આરોપી ઉપર વોચ રાખી હતી. આ પછી પોલીસ જયારે આરોપીને પકડવા પહોંચી તો આસપાસના રીક્ષા ચાલકો એકઠા થઇ ગયા હતા અને આ નિર્દોષ હોય કોઈ ગુનો ન કર્યો હોય તેવું કહેવા લાગ્યા હતા. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી તે પોતે અહીંયા ચાની કીટલી ચલાવતો હતો. જેથી રીક્ષા ચાલકો તેમને નિર્દોષ માનતા હતા આ પછી પોલીસે 12 વર્ષ પૂર્વેની હકીકત જણાવી ડબલ મર્ડરનો આરોપી હોવાનું જણાવ્યું હતું અને સ્થાનિક પોલીસ પણ આવી પહોંચતા રાજકોટ પોલીસે યુપી પોલીસને પણ ડબલ મર્ડર નો આરોપી હોવાનું જણાવ્યું હતું અને બાદમાં તેને લઇ રાજકોટ લાવવા નીકળી હતી. આાડસંબંધની આશંકાએ પત્ની અને કાકીજી સાસુની હત્યા કરી હતી
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું છે કે, તેની પત્ની મધુ ઉર્ફે મુન્ની આડા સંબંધો ધરાવતી હતી. જે આડા સંબંધોમાં તેની કાકી રંજનબેન તેનો સાથ આપતી હતી. જેના કારણે પરિવારમાં અનેક વખત ઝઘડા પણ થતા હતા. પવન ઉર્ફે પ્રવીણ દ્વારા અનેક વખત પોતાની પત્ની તેમજ પોતાના કાકીજી સાસુને આડાસંબંધ બાબતે સમજાવવામાં પણ આવ્યા હતા. પરંતુ પત્ની મધુ ઉર્ફે મુન્ની ના સમજતા આખરે રોજિંદા ઝઘડાઓ હત્યાની ઘટનામાં પરિવર્તિત થયા હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2012માં થયેલ ફરિયાદ સમયે ફરિયાદી મકાન માલિક દૂધીબેન ચાવડાએ જણાવ્યું હતું કે, નાળોદાનગર શેરી નંબર 4માં ઓરડી બનાવી રહેવા માટે ભાડે આપું છું. મૃતક અને તેના બંને બાળકો અને પ્રવીણભાઈ ભટ્ટ અમારી ઓરડીમાં બે મહિનાથી એટલે કે, માર્ચ 2012થી રૂપિયા 800માં ભાડે રહેતા હતા. હત્યાના દિવસે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અવારનવાર ઝઘડો પણ કરતા મેં એને ઓરડી ખાલી કરવા માટે પણ કહ્યું હતું. હત્યા થઇ એ દિવસે તેઓ ઝઘડો કરતા જોવાથી ત્યારે પણ ઓરડી ખાલી કરવા કહ્યું હતું આ પછી 20 મિનિટ પછી બાજુની ઓરડીમાં રહેતા અમારા ભાડુઆત મને કહેવા આવ્યા હતા કે પ્રવીણભાઈ અને તેના ભાઈ દીપકભાઈ ઝઘડો કરી રહ્યા છે અને તીક્ષ્ણ હથિયાર વડે માર મારી રહ્યા છે આ પછી તેઓ બન્ને ભાગી ગયા હતા અને અમે 108ને જાણ કરી હતી પરંતુ બન્ને બહેનો બચી શક્યા ન હતા અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા વર્ષ 2012ના ડબલ મર્ડરના આરોપી પવન ઉર્ફે પ્રવીણ શર્મા (ઉ.વ.49) ને આજે 10 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જેના કોર્ટ દ્વારા ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન હત્યા કરવાનું મુખ્ય કારણ શું હતું?, હત્યા બાદ હત્યામાં વપરાયેલ હથિયાર ક્યાં ફેંક્યું છે?, હત્યા સમયે પહેરેલા કપડાં ક્યાં હતા? અને 12 વર્ષ સુધી ક્યાં ક્યાં નાસ્તો ફરતો હતો? સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે.