હરવાફરવાના શોખીન સરતીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે સુરત બેંગકોકની ફ્લાઈટ શરૂ થતાના પ્રથમ દિવસે જ ફ્લાઈટ હાઉસફૂલ થઈ ગઈ હતી. સુરતીઓ હંમેશા મોજ મસ્તી કરવા માટે જાણીતા હોય છે ત્યારે બેંગકોકની મુસાફરી તેમના માટે ખૂબ આનંદદાયક રહી હોવાના દૃશ્યો પણ સામે આવ્યા હતા. સુરતથી બેંગકોકનો સ્ટોલ બુક કરવામાં આવ્યો હતો
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી હાલ દુબઈની બે અને શારજાહની એક ઇન્ટરનેશનલ ફ્લાઈટ ચાલી રહી છે. શારજાહા સહિતની ઇન્ટરનેશનલ ફ્લાઈટ વધુમાં વધુ સુરતથી સીધી કનેક્ટિવિટી મળે તેવી રજૂઆતો પણ કરવામાં આવી રહી હતી. આખરે ધીરે ધીરે હવે સુરતને મળે તે પ્રકારની વ્યવસ્થાઓ થઈ રહી છે. સુરત એરપોર્ટથી પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા સતત વધી રહી હોય અને અહીં ફ્લાઈટની સંખ્યા વધારવા માટે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. આ દરમિયાન એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા વિન્ટર શિડ્યુઅલ માટે સુરતથી બેંગકોકનો સ્ટોલ બુક કરવામાં આવ્યો હતો. ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ભરશે
વિન્ટર શિડ્યુઅલ દરમિયાન સુરતથી આ ચોથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઈટની જાહેરાત થયા બાદ શરૂઆતના દિવસોમાં બુકિંગને લઇને થોડી નીરસતા જોવા મળી હતી. પરંતુ હવે, સુરત-બેંગકોક-સુરત પ્રથમ ફ્લાઈટનું ફૂલ બુકિંગ થઇ ગયું હતું. સુરત બેંગકોક ફ્લાઈટની પ્રથમ ઉડાનમાં 176 સીટની આ ફ્લાઈટમાં જવાની 161 અને રિટર્નની 102 ટિકિટ બૂક થઈ ચૂકી હતી. આ ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ રવિ, સોમ, બુધ અને શુક્રવારે ઉડાન ભરશે. ફ્લાઈટનું ન્યુ શિડ્યુલ આ પ્રમાણે રહેશે સુરતીઓએ ફ્લાઈટમાં જ ખમણ થેપલા ખાધા
સુરતથી બેંગકોક રવાના થયેલી ફ્લાઈટની અંદર સુરતીઓએ પોતાની રીતે વીડિયો ઉતાર્યા હતા અને પોતે જે રીતે મોજ મસ્તી કરી રહ્યા હતા તે વીડિયો સામે આવ્યા હતા. તેમના ચહેરા પરની ખુશી સ્પષ્ટ છલકાઈ હતી. ફ્લાઈટમાં જ ખમણ અને થેપલા ખાતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. મુંબઇ સુધીનો ધક્કો બંધ
ફ્લાઈટમાં બેસેલા મુસાફરોને સુરતથી સીધી બેંગકોકની ફ્લાઈટ મળતા પોતાની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, જે રીતે પાંચથી છ કલાક જેટલો સમય સુરતથી મુંબઇ એરપોર્ટ ઉપર જઇને બગાડવાનો થાય છે તેના બદલે હવે સીધી બેંગકોકની ફ્લાઈટ મળી જતાં ઘણી રાહત થઈ ગઈ છે. ફ્લાઈટમાં પહેલાં દિવસે આલ્કોહોલ પૂરો થઈ ગયો
સુરતીલાલાએ પહેલાં જ દિવસે પોતાના પરચો બતાવી દીધો હતો. ફ્લાઈટમાં બેસેલા એક મુસાફરે પોતાની વાત કરતા કહ્યું કે, પહેલાં જ દિવસે સુરત બેંગકોકની ફ્લાઈટમાં આલ્કોહોલ પુરો થઈ ગયો. ફ્લાઈટના સ્ટાફે કહ્યું કે, આવું સેલિંગ અત્યાર સુધી અમે જોયું નથી. નાસ્તો પૂરો, દારૂ પૂરો, બધુ જ પૂરૂં થઈ ગયું, ત્યારે અમે ફ્લાઇટના સ્ટાફને કીધું કે, ભાઈ સુરતવાળા હોય એટલે આલ્કોહોલની ફૂલ સુવિધા રાખવી. આમ પુરૂં થઇ જાય તે ના ચાલે. એટલે બીજી વખત ફ્લાઈટમાં બધી સુવિધા રાખજો.