હાઈકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતી પત્નીના તેના સહ કર્મચારી મદદનીશ ક્લાર્ક સાથે અનૈતિક સંબંધ હોવાથી પોતાના છૂટાછેડા થઈ રહ્યા હોવાની શંકા રાખી બુટલેગર પતિએ ક્લાર્કની હત્યા માટે તેમના ઘરે પાર્સલમાં બોમ્બ મોકલ્યો હતો. જોકે, તે ડિલિવરી આપવા આવેલા બુટલેગરના મિત્રના હાથમાં ફૂટ્યો હતો, જેમાં પાર્સલ આપવા આવેલા વ્યક્તિને અને ક્લાર્કના પિતરાઈ ભાઈને ઈજા થઈ હતી. અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ IOC રોડ પાસેની સોસાયટીમાં ગતરોજ (21 ડિસેમ્બર) સવારના 10:30 કલાકની આસપાસ એક વિસ્ફોટ થયો હતો. જેમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા પાર્સલ લઈને આવ્યા બાદ તેમાંથી અચાનક ધુમાડો નીકળ્યો અને વિસ્ફોટ થયો હતો. આ ઘટનાના ફરિયાદી બળદેવ સુખડિયાએ સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે અજાણ્યા શખસ કે જે પાર્સલ લઈને આવ્યો હતો, તેના વિરુદ્ધ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મામલો છૂટાછેડા સુધી પહોંચતાં પ્લાન ઘડ્યો
ચાંદખેડાના શિવમ રોહાઉસમાં રહેતા 56 વર્ષીય બળદેવ સુખડિયા કે જેમને જાનથી મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, તેમણે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ગુજરાત હાઇકોર્ટમાં 6 વર્ષથી મદદનીશ ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તેમની સાથે કામ કરતાં મહિલા વકીલ સાથે તેઓના આડા સંબંધોની શંકામાં મહિલા વકીલના પતિ રૂપેન બારોટ દ્વારા આ કાવતરું ઘડવામાં આવ્યું છે, પરંતુ હું તે મહિલા વકીલને મારી દીકરી સમાન માનું છું. મહિલા વકીલના પતિ રૂપેન બારોટ દ્વારા તેની પત્ની અને મારા વચ્ચે આડા સંબંધો હોવાની આશંકા રાખીને અવારનવાર તેની પત્ની સાથે એટલે કે, મહિલા વકીલ સાથે ઝઘડા કરવામાં આવતા હતા. જેથી માર્ચ 2024થી મહિલા વકીલ તેના પિતાના ઘરે પોતાના 10 વર્ષના દીકરા સાથે રહેવા જતી રહી છે અને ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી પણ દાખલ કરેલી છે. પહેલાં પણ મારી નાખવાની ધમકી અપાઈ હતી
આ ઉપરાંત રૂપેન બારોટ દ્વારા અવારનવાર મને ફોન કરીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી છે. ત્યારે હવે 20થી 25 વર્ષના યુવક ગૌરવ ગઢવી પાસે આ પ્રકારે પાર્સલ મોકલીને તેમાં બ્લાસ્ટ કરીને જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બ્લાસ્ટમાં ગૌરવ ગઢવી સહિત મારા પાડોશમાં રહેતા કાકાના દીકરાને પણ ઇજાઓ પહોંચી છે. મારા ડાબા પગમાં પણ સામાન્ય ઇજા પહોંચી છે. પહેલાં દિવસે પાર્સલ ન સ્વીકારતા બીજા દિવસે યુવક આવ્યો
વધુમાં બળદેવ સુખડિયાએ ફરિયાદમાં નોંધાવ્યું છે કે, આ પાર્સલ મારા દ્વારા કે મારા પરિવારના અન્ય કોઈ સભ્ય દ્વારા ઓર્ડર કરવામાં આવ્યું ન હતું, તેથી 20 ડિસેમ્બરની રાત્રે લગભગ 9:45 વાગ્યાની આસપાસ જ્યારે આ વ્યક્તિ ઘરે પાર્સલ પહોંચાડવા આવ્યો હતો, ત્યારે હું ઘરે હાજર ન હતો, જેથી મારી પત્નીએ તેનો સ્વીકાર કર્યો ન હતો. ત્યારબાદ 21 ડિસેમ્બરે સવારે 10:30 કલાકની આસપાસ આ વ્યક્તિ ઘર નીચેથી જ મારા નામે બૂમો પાડતો હતો. જ્યારે હું નીચે પહોંચ્યો તો તેણે કહ્યું કે, સુરેશભાઈએ તમારા માટે પાર્સલ મોકલાવ્યું છે. પરંતુ હું કોઈ સુરેશભાઈને જાણતો ન હોવાથી અને કોઈપણ પ્રકારે પાર્સલનો ઓર્ડર ન કર્યો હોવાથી તે સ્વીકારવાની મનાઈ કરી હતી. ધડાકો થતાં જ બ્લેડ, ખીલી જેવી ઘાતક સામગ્રી ઊડી હતી
થોડીક જ વારમાં તેમાં બ્લાસ્ટ થયો હતો, જેથી પાર્સલ લઈને આવેલ ગૌરવ ગઢવીને ઇજાઓ પહોંચી હતી અને તેના હાથમાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું. જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે રોહને મોકલ્યું છે, તેમ જણાવ્યું હતું. પરંતુ હું કોઈ પણ સુરેશભાઈ કે રોહન ન જાણતો હોવાથી આસપાસના લોકોએ તેને પકડી લીધો હતો અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ વિસ્ફોટક પાર્સલમાંથી ગંધક, ચિનાઈ માટીના ટુકડા, દાઢી કરવાની બ્લેડના ટુકડા, ખીલી અને કાગળ-પૂઠાના ટુકડા સહિત બેટરી સાથે જોડાયેલા વાયરો પણ નજરે પડ્યા હતાં. આ અંગે બળદેવ સુખડિયાએ સાબરમતી પોલીસમાં મહિલાના પતિ રૂપેન બારોટ સામે ફરિયાદ નોંધાવી છે. તો પોલીસે આ મામલે પાર્સલ આપવા આવેલા ગૌરવ ગઢવીની ધરપકડ કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો… ફર્સ્ટપર્સને કહ્યું- પાર્સલ લઈને આવ્યો હતો તેના જ હાથમાં બ્લાસ્ટ થયો રૂપેન વિરુદ્ધ અગાઉ દારૂના પાંચ કેસ અને નકલી દારૂ બનાવવાના ગુના નોંધાયા હતા
પત્નીની સાથે કામ કરતાં ક્લાર્કના ઘરે પાર્સલમાં બોમ્બ મોકલનાર બુટલેગર રૂપેન વિરુદ્ધ અગાઉ પણ દારૂના કેસ નોંધાયા હતા અને તે જેલમાં પણ જઈ આવ્યો છે. વર્ષ 2011થી 2020 સુધીમાં રૂપેન સામે અલગ અલગ જગ્યાએ દારૂના 5 કેસ થયેલા છે તેમ જ તે પાસા હેઠળ જેલવાસ ભોગવી આવ્યો છે. આ ઉપરાંત રૂપેન વિજાપુરમાં દેશી દારૂ બનાવવાની ફેક્ટરીના ગુનામાં પણ પકડાયો હતો તેમ જ ભાભરમાં પણ દારૂના કેસમાં પકડાયો હતો. રૂપેન દેશી બનાવટના કટ્ટા માટેનાં ઓજારો, સામગ્રી પણ રાખતો હતો
સાબરમતી પાર્સલ બોમ્બમાં પોલીસે ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરી હતી. ગૌરવ જ પાર્સલ લઈને બળદેવ સુખડિયાના ઘરે ગયો હતો. ગૌરવે તેમના નામનું પાર્સલ આવ્યું હોવાનું કહ્યું હતું, પરંતુ તેમણે કોઈ પાર્સલ મંગાવ્યું ન હોવાથી શંકા જતા તેમણે પાર્સલ હાથમાં પકડ્યું ન હતું. બંને વાત કરતા હતા ત્યારે પાર્સલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને ગૌરવના હાથમાં જ પાર્સલ બોમ્બ ફૂટી ગયો હતો. પ્રાથમિક સારવાર બાદ પોલીસે ગૌરવની ગત સાંજે ધરપકડ કરી હતી. જ્યારે બીજી બાજુ ક્રાઈમ બ્રાંચની ટીમે ગૌરવના મિત્ર તેમજ આ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય સૂત્રધાર રૂપેન બારોટના ઘરે સર્ચ કર્યું હતું, જેમાં બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું કેમિકલ, ફટાકડા બનાવવા માટે વપરાતું ગંધક, ખીલીનું બોક્સ, બ્લેડ, સર્કિટ, બેટરી સહિતની સામગ્રી મળી આવી હતી. દેશી બનાવટના કટ્ટા બનાવવાના ઓજાર અને મટીરિયલ પણ મળ્યું હતું. મે 2024માં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ કરાવ્યો બ્લાસ્ટ મે 2024માં સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામના વણજારા પરિવારના ઘરે આવેલા પાર્સલ ખોલતાંની સાથે જ બ્લાસ્ટ થતાં પિતા અને પુત્રીનું મોત નીપજ્યું હતું. પાર્સલ ખોલતાં જ જોરદાર ધડાકો થયો હતો અને પિતાનું ઘટના સ્થળે અને પુત્રીનું સારવાર દરમિયાન મોત થવા પામ્યું હતું. બંનેના મૃતદેહ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે બંને ઇજાગ્રસ્તોને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને આંખ અને છાતીના ભાગે ઇજાઓ પહોંચી હતી. જેમાં નવો વળાંક સામે આવ્યો. જેમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ બ્લાસ્ટ કરાવ્યો હોવાનું ખૂલતા જ પોલીસે પ્રેમિકાના પતિ જયંતી વણજારાની ધરપકડ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) એપ્રિલ 2023માં રાજકોટમાં સાળા-બનેવીએ ટાઇમર બોમ્બથી બ્લાસ્ટ કર્યો 7 એપ્રિલ 2023ના રોજ રાજકોટ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં ભવારામ ચૌધરીની મોબાઇલ એસેસરીઝની દુકાનમાં એક ભેદી ઘટના બની હતી, જેમાં ડોલી પઢારિયાની નામની મહિલા સાંજના સમયે પાર્સલ મૂકીને જતી રહી હતી અને લાંબા સમય સુધી લેવા આવી ન હતી. દુકાન બંધ પણ થઇ ગઈ અને પાર્સલમાંથી રાત્રિના સમયે અચાનક ધડાકા બાદ આગ ભભૂકી ઊઠી હતી. આગમાં મોબાઇલની એસેસરીઝ સળગીને ખાખ થઇ ગઇ હતી. જેમાં તપાસમાં સામે આવ્યું હતું છે કે, ધંધાની હરીફાઈમાં સાળા શ્રવણ અને બનેવી કાલરામ ઉર્ફે કલ્પેશ ચૌધરીએ યુ-ટ્યૂબના માધ્યમથી રમકડાની કારમાં ટાઇમર બોમ્બ બનાવી દુકાનમાં બ્લાસ્ટ કરાવ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) મે-2022માં પ્રેમીએ લગ્નની ગિફ્ટમાં બોમ્બ મોકલ્યો નવસારીના વાંસદા તાલુકાના મિંઢાબારી ગામ વર્ષ 2022ના મે મહિનામાં વરરાજા લગ્નમાં આવેલી ગિફ્ટ ખોલી રહ્યા હતા ત્યારે તેમાં બ્લાસ્ટ થયો હતો. જે સમગ્ર ઘટનામાં જાણવા મળ્યું હતું કે, રાજુ ધનસુખ પટેલ નામનો યુવક વરરાજા લતેશ ગાવિતની સાળીને પ્રેમ કરતો હતો પરંતુ યુવતી તેની સાથે વાત કરતી ન હતી. જેથી યુવતીની હત્યા કરવા માટે આરોપી રાજુ પટેલે લગ્નની ગિફ્ટમાં બોમ્બ મોકલ્યો હતો. જે પાર્સલ વરરાજા લતેશ ગાવિતે ખોલતાં તેમાંથી એક ઇલેક્ટ્રોનિક ગિફ્ટ નીકળી હતી જેનો વાયર બોર્ડમાં ભરાવતા જ બ્લાસ્ટ થયો હતો. જેમાં લતેશ ગાવિત અને ત્રણ વર્ષનો ભત્રીજો ઇજાગ્રસ્ત થયો હતો. 6 વર્ષ અગાઉ ઉપલેટાની સ્કૂલમાંથી મળ્યો હતો પાર્સલ બોમ્બ ઓક્ટોબર 2018માં ઉપલેટા-પોરબંદર હાઇવે ઉપર આવેલી ક્રિષ્ના સ્કૂલમાં કુરિયર મારફત બોમ્બ મોકલવામાં આવ્યો હતો. આ ઘટનાથી સ્કૂલમાં કામ કરતા કર્મીઓ પણ અજાણ હતા. સ્કૂલ-સંચાલકના નામથી કુરિયર મોકલવામાં આવ્યું હતું. આ પાર્સલ ખોલતાં શંકાસ્પદ વસ્તુ જણાઇ આવી હતી. એ બાદ સ્થાનિક પોલીસને જાણ કરાતાં એસીપી કક્ષાના અધિકારી પહોંચી ગયા હતા. બાદમાં બોમ્બ જણાતાં રાજકોટના તત્કાલીન એસપી બલરામ મીણા અને BDSની ટીમ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યાર બાદ તપાસમાં પાર્સલ બોમ્બમાં સુપર પાવર 90 પદાર્થ મળી આવ્યા હતા. રાજકોટ અને રૂલર BDS દ્વારા બોમ્બને અવાવરું જગ્યાએ લઈ જઈ બ્લાસ્ટ કરી ડિફ્યુઝ કરાયો હતો. ઉપલેટમાં 1999માં બોમ્બથી બેની હત્યા કરી 1999માં ઉપલેટાના ગાંધી ચોકમાં આવેલા રતિલાલ પાદરિયાના મકાનમાં બોમ્બ બ્લાસ્ટ થતા તેમાં ઉપલેટા સરદાર પટેલ સોશિયલ ગ્રૂપના પ્રમુખ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ ગિરીશભાઈ લખમણભાઇ સોજીત્રા અને જમીન મકાનના સલાહકાર રતિલાલ જીવરાજભાઈ પાદરિયાના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જે તે વખતે આ બ્લાસ્ટમાં અધિકારીઓએ અનેક લોકોની પૂછપરછ કરેલી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) 1987માં વાંકાનેરના પૂર્વ ધારાસભ્યનું પાર્સલ બોમ્બ બ્લાસ્ટમાં મોત થયું હતું વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મંઝુર હુસૈન પીરઝાદાનું પાર્સલ બોમ્બ બ્લાસ્ટમાં મોત થયું હતું. આ બોમ્બ બ્લાસ્ટની ઘટના 25-7-1987ના રોજ બની હતી. કોઈ રિક્ષાવાળા આવ્યા હતા અને તેમણે એવું કહ્યું કે, તમારું પાર્સલ કોઈએ મોકલ્યું છે. બાદમાં પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ થયો હતો. જેમાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મંઝુર હુસૈન પીરઝાદા સહિત ત્રણથી ચાર લોકોનાં મોત થયાં હતાં. હજી પણ આ કેસ ઉકેલાયો નથી.