હાલોલ નગરપાલિકા અંતર્ગત 65.75 સ્ક્વેર મીટરમાં બંધાયેલ મકાનને તોડી પાડવા માટે પંચમહાલના કલેકટરે નગરપાલિકાના ચીફ ઓફિસરને હુકમ કર્યો હતો. કલેકટરના આ હુકમને બે અરજદારો દ્વારા સ્પેશિયલ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં અરજી કરીને રોક માટે દાદ માંગવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન ચીફ ઓફિસરે અરજદારોને દબાણ દૂર કરવા માટે નોટિસ મોકલી હતી. જેથી તાત્કાલિક પણે અરજદાર ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી SSRD દ્વારા તેમની અરજી ઉપર નક્કી કરેલા સમયમાં નિર્ણય લેવામાં ન આવે, તો નગરપાલિકા તેમને આપેલી નોટિસ ઉપર અમલ કરી શકે છે. જેથી હાઇકોર્ટે SSRD ને 30 ઓક્ટોબર સુધીમાં અરજદારોની કલેકટરના હુકમ સામે કરાયેલી અરજી ઉપર નિર્ણય લેવા માટે નિર્દેશ આપ્યા હતા. હાઇકોર્ટે આ હુકમમાં જ્યાં સુધી SSRD નિર્ણય લે નહીં ત્યાં સુધી અરજદારો સમક્ષ નકારાત્મક પગલાનો નિષેધ ફરમાવ્યો હતો. હજુ તો SSRD એ અરજદારોની અરજી ઉપર નિર્ણય નહોતો લીધો. આ દરમિયાન 05 નવેમ્બરના રોજ ચીફ ઓફિસરે 24 કલાકમાં દબાણ દૂર કરવાની નોટિસ આપી હતી. આ નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે હાઇકોર્ટે અરજદારોને 30 ઓક્ટોબર સુધીનું રક્ષણ આપ્યું હતું, જે સમયગાળો પૂર્ણ થઈ ચૂક્યો છે. કલેકટરના હુકમ ઉપર હાઇકોર્ટ દ્વારા કોઈપણ પ્રકારનો સ્ટે આપવામાં આવેલ નથી. 30 ઓક્ટોબર સુધીમાં SSRD ને હાઇકોર્ટે અરજદારની અરજી ઉપર નિર્ણય લેવા માટે નિર્દેશ આપ્યા હોવા છતા SSRD એ 07 નવેમ્બરે ચુકાદો આપતાં અરજદારોની અરજી નકારી નાખી હતી. બીજા દિવસે તુરંત અરજદાર ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યા હતા. 08 નવેમ્બરે હાઇકોર્ટ દિવાળી વેકેશન બેન્ચ સમક્ષ કેસ રજૂ થયો હતો. જો કે બંને અરજદારોના વકીલોની વિનંતીથી તે દિવસે સુનવણી સ્થગિત રહી હતી અને વધુ સુનાવણી 18 નવેમ્બરે રાખવામાં આવી હતી. ત્યારે 11 નવેમ્બરે ચીફ ઓફિસરે નોટીસ ઉપર અમલવારી કરતા વિવાદિત મકાન તોડી પાડ્યું હતું. જેથી ત્યારબાદની સુનવણીમાં હાઇકોર્ટ ગુસ્સે ભરાઈ હતી. હાઇકોર્ટે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરને કોર્ટમાં બોલાવ્યા હતા અને તેમની સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહીનો હુકમ કરતા નોંધ્યું હતું કે ચીફ ઓફિસરે સમજ્યા વગર જ કલેકટરના હુકમનો અમલ કરી નાખ્યો છે. તેને કલેક્ટર ઓફિસ કે નગરપાલિકાના વકીલોને કાનૂની સ્ટેટસ અંગે પૂછવાની પણ તસ્દી લીધી નહોતી. જો હાઇકોર્ટમાં મુખ્ય અરજી ઉપર કેસ પેન્ડિંગ હતો. ત્યારે હાઇકોર્ટના નિર્ણય પહેલા શા માટે ચીફ ઓફિસરે કલેકટરના હુકમનું પાલન કર્યું ? વળી હાઇકોર્ટ અગાઉ અરજદારો સામે નકારાત્મક પગલાં ન લેવા આદેશ કર્યો હતો. SSRD દ્વારા પણ અરજદારની અરજી ઉપર હાઈકોર્ટના નિર્દેશ મુજબ 30 ઓકટોબર સુધીમાં નિર્ણય ના લેવાતા હાઇકોર્ટે ખખડાવી નાખ્યું હતું. વળી SSRD માંથી ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીએ હાઇકોર્ટના હુકમ અંગે જાણ ન હોવાનો લૂલો બચાવ કરતી એફિડેવિટ કરી હતી. જો કે હાઇકોર્ટે રેકોર્ડ જોતા SSRD ને હાઇકોર્ટના હુકમની જાણ કરાઈ હોવાની વિગત સામે આવી હતી. જેથી ખોટી એફિડેવિટ કરાઈ હોવાનું સામે આવતા હાઇકોર્ટે એફિડેવિટ કરનાર અધિકારી સામે પગલાં કેમ ન લેવા તેનો પણ ખુલાસો માગ્યો હતો. બીજી તરફ હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને 01 લાખ રૂપિયા દંડ ફટકાર્યો હતો. તેમજ હાલોલ નગરપાલિકાને બંને અરજદારોની 50-50 હજાર રૂપિયા ચૂકવવા આદેશ કર્યો હતો. આ અંગે વધુ સુનાવણી આગામી સમયમાં યોજાશે.