આણંદ જિલ્લાના રાહતળાવ ગામના ખેડૂત કિરીટસિંહ સોઢા પરમારે પોતાની 8 વીધા જમીનમાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવી આવકમાં 10 ગણી વૃદ્ધી મેળવી છે. સાથે-સાથે તેઓએ અન્ય ચાર ખેડૂત મિત્રોને પણ પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ખેતી કરતા શરૂ કર્યા છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત થઈ છે. જેમાં આણંદ જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતીને આત્મસાત પણ કરવા લાગ્યા છે. આણંદ જિલ્લાના રાહતળાવ ગામના ખેડૂત કિરીટસિંહ સોઢા પરમારે પોતાની 8 વીઘા જમીનમાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવી છે. તેમણે પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ગલગોટાનું વાવેતર કર્યું છે. આ ઉપરાંત મિશ્ર પાક પધ્ધતિમાં ટામેટી અને ચોળીનું વાવેતર પણ કર્યું છે. કિરીટ સિંહ પ્રાકૃતિક ખેતી પધ્ધતિ છેલ્લા 4 વર્ષથી કરી રહ્યા છે. અગાઉના સંસ્મરણો વાગોળતા તેઓ જણાવે છે કે, શરૂઆતમાં રાસાયણિક ખેતી પધ્ધતિ થકી વર્ષે 80 હજાર જેટલું આર્થિક ઉપાર્જન થતું હતું. જ્યારે પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવાથી વર્ષે 8 લાખ ઉપરાંતનું આર્થિક ઉપાર્જન મેળવી રહ્યો છું. આ પધ્ધતિથી સૌથી મોટો ફાયદો જમીનની ગુણવત્તા સુધરે છે. વધુમાં ઝીરો બજેટની ખેતી પધ્ધતિ છે. આ ઉપરાંત શારીરિક તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. મારે જણસોના વેચાણ માટે બજારમાં જવું જ પડતું નથી. લોકજાગૃત્તિના લીધે લોકો સામેથી મારી પ્રાકૃતિક જણસો લેવા આવે છે તથા મને પોષણક્ષમ ભાવ પણ મળી રહે છે. કિરીટભાઈએ પોતે તો પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવી છે, સાથે-સાથે અન્ય ચાર ખેડૂત મિત્રોને પણ પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ખેતી કરતા શરૂ કર્યા છે. આ સઘળી પ્રાકૃતિક ખેતી પધ્ધતિ ગાય આધારીત છે. કિરીટભાઈએ તેમના ખેતરમાં ગાયનું પાલન પોષણ કરીને ગૌ મળમૂત્રમાંથી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિને અનુરૂપ ખાતર બનાવે છે. આ ઉપરાંત અન્ય ખેડૂત મિત્રોને પણ વેચાણ કરીને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે.