અમદાવાદના રખિયાલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને સવાલો ઊભા થયા છે. એક તરફ અસામાજીક તત્વો જાહેરમાં તલવારો લઈને પોલીસને ભગાડી મૂકે છે. ત્યારે રખિયાલ ચાર રસ્તા પાસે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની રખિયાલ ઉર્દુ અને ગુજરાતી સ્કૂલોની બહાર વિદ્યાર્થિનીઓની કેટલાક યુવકો દ્વારા છેડતી કરવામાં આવતી હોવાનો આક્ષેપ ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ શેખ દ્વારા કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની બેથી વધુ સ્કૂલ કેમ્પસ વચ્ચે માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડ છે. વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને મૂકવામાં આવ્યા છે, જે ગાર્ડ પણ બહારના ભાગે આવેલી લારી પાસે બેસી રહે છે. 8 શૈક્ષણિક સંસ્થાઓ એક જ કેમ્પસમાં કાર્યરત
ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, રખિયાલ ચાર રસ્તા પાસે ઉર્દુ, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ અલગ-અલગ કુલ 8 શૈક્ષણિક સંસ્થાઓ એક જ કેમ્પસમાં આવેલી છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સાથે અનેક વખત છેડતીના બનાવ બન્યા છે, તેને લઈને પ્રિન્સિપાલ દ્વારા રખિયાલ પોલીસને 10થી 12 વખત અરજીઓ કરવામાં આવી છે, છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. કેમ્પસની બહાર માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યો છે. મોટી ઉંમરના સિક્યુરિટી ગાર્ડને મૂકવામાં આવ્યો છે. આવા બનાવોના કારણે વાલીઓ તેમના બાળકોને સ્કૂલમાંથી ડ્રોપ આઉટ કરાવી લે છે. રખિયાલ પોલીસ અને તંત્રને રજૂઆત છતા કાર્યવાહી નહિ
મ્યુનિસિપલ કમિશનરને પણ તેઓ આ મામલે પત્ર લખી જાણ કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, રખિયાલ ચાર રસ્તા પાસે ઉર્દુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને રખિયાલ ગુજરાતી શાળા નં. 1-2 તેમજ રખિયાલ ઉર્દૂ શાળા નં.1, બાપુનગર હિન્દી મ્યુ. માધ્યમિક શાળા અને રખિયાલ અંગ્રેજી પ્રાથમિક સ્કૂલ એમ મળી કુલ 8 શૈક્ષણિક સંસ્થાઓ એક જ કેમ્પસમાં કાર્યરત છે. તમામ શાળામાં ગોમતીપુર, બાપુનગર, સરસપુર વગેરે વિસ્તારના વિદ્યાર્થીઓ સવારે અને સાંજે 2000થી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલમાં અભ્યાસ કરે છે. સ્કૂલની બહાર વિદ્યાર્થિનીઓની છેડતીના અનેક બનાવ
જાન્યુઆરી મહિનામાં કેમ્પસમાં કોર્પોરેશન દ્વારા દિવાલ બનાવતાં અલગ-અલગ શાળાઓની બાજુમાં માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવ્યો છે. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળામાં સિક્યુરિટી ગાર્ડની વ્યવસ્થા જ નથી. આ પ્રકારની દિવાલ શહેરની કોઈપણ શૈક્ષણિક સંસ્થાઓમાં જોવા મળતી નથી. આ બાજુની સ્કૂલમાં આશરે મોટી ઉંમરના 720 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતાં હોઈ અવારનવાર સ્કૂલમાં અભ્યાસ ન કરતાં હોઈ તેવા છોકરાઓ દ્વારા સ્કૂલની બહાર આવીને છોકરીઓની છેડતીના બનાવો અવારનવાર બનતાં હતા. અનિચ્છનીય ઘટનાના ડરથી ડ્રોપ આઉટ થવાના પણ અનેક કિસ્સા
જેને લઈને સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં અનેકવાર ફરિયાદો પણ કરવામાં આવી છે. આ પરિસ્થિતિમાં ધણાં વાલીઓમાં ભયનો માહોલ સર્જાતા પોતાની દીકરીઓને શાળામાંથી નામ કમી કરાવી ડ્રોપ આઉટ થવાના પણ અનેક કિસ્સા થયાં છે. જેથી કન્યાઓમાં સાક્ષરતાનો દર પણ ઘટી જવા પામે છે. જેથી શૈક્ષણિક સંસ્થાઓમાં/કેમ્પસમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે હેતુથી ઉર્દૂ માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળાઓમાં તાત્કાલિક સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા કરવાની માંગ કરાઇ છે.