વડોદરા શહેરમાં વાસણા જંક્શન બ્રિજનો વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. વડોદરામાં આજે ભાજપ કાર્યાલયના તક્તી અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા વડોદરા આવી રહ્યા છે તે પૂર્વે જ વાસણા બ્રિજને લઈ વિરોધનો સૂર ઊઠ્યો છે. સીએમના આગમન પૂર્વે જ વડોદરા શહેરમાં ક્રાંતિકારી સેનાના નામે ભાજપ વિરોધી બેનર લાગતા દોડધામ મચી હતી. નિર્માણાધીન કાર્યાલયનું તક્તી અનાવરણ કરાશે!
શહેર ભાજપ દ્વારા કારેલીબાગમાં નિર્માણાધીન નમો કમલમ કાર્યાલયના તક્તી અનાવરણનો આજે (22 ડિસેમ્બર) સાંજે 5 કલાકે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ તક્તી અનાવરણ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ, ગૃહમંત્રી, પ્રદેશ ઉપાધ્યક્ષની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો છે. ત્યારે વાસણા જંક્શન બનનારા બ્રિજના વિરોધમાં આંદોલન કરી રહેલા ક્રાંતિકારી સેના દ્વારા વડોદરાના નારાજ લોકોની વેદના વ્યક્ત કરતાં બેનરો લગાડવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. વાસણા બ્રિજના વિરોધમાં બેનર લગાવાયાં
મળેલી માહિતી પ્રમાણે, શહેરની કલેક્ટર ઓફિસ સામે અને વાસણા રોડ પર બેનરો લગાડવામાં આવ્યાં છે. ‘મોદી સાહેબ તમારા બનાવેલા નેતા લોકોને ઉલ્લુ બનાવે છે’, ‘જનતા વોટ આપે, જનતા વિરોધ કરે, તો નેતાઓ શું કરશે?’ લખાણ સાથેનાં બેનરો લગાડવામાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં સમા, વૃંદાવન ચાર રસ્તા, ખોડિયાર નગર, સોમા તળાવ અને વાસણા રોડ જંક્શન ઉપર નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વાસણા રોડ જંક્શન ઉપર ફ્લાયઓવર બ્રિજ તેમજ ભાયલીમાં કેનાલ ઉપર બ્રિજ બનાવવા સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. લોકો ફ્લાયઓવરને બિનજરૂરી ગણાવી રહ્યા છે
તાજેતરમાં પણ સ્થાનિક લોકો દ્વારા ફ્લાયઓવર બ્રિજના વિરોધમાં બેનરો લગાડવામાં આવ્યાં હતાં. બેનરોમાં જણાવ્યું છે કે, અમે ફ્લાયઓવર બ્રિજનો વિરોધ કરીએ છે. જો આ બ્રિજ બનાવવામાં આવશે તો કોઇ રાજકીય નેતાઓએ આગામી ચૂંટણીમાં વોટ માંગવા આવવું નહીં. સ્થાનિક લોકોએ વાસણા જંક્શન ઉપર બનાવવામાં આવી રહેલા ફ્લાયઓવર બ્રિજને બિનજરૂરી ગણાવી વિરોધ કરવામાં આવ્યો છે. આ મામલે સ્થાનિક મનિષાબેન રાઠોડે જણાવ્યું હતું કે, ભાયલી કેનાલ ઉપર બ્રિજની જરૂર જ નથી. આ નાણાંનો વેડફાટ છે અને અનેક મુશ્કેલીમાં વધારો થશે. અમે અગાઉ રજૂઆત કરી ચૂક્યા છીએ. જો બ્રિજનું કામ બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરતાં ખચકાશું નહીં. ભાયલીના રહેવાસી કેતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા 12 ફૂટની કેનાલ ઉપર 72 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા જઇ રહ્યો છે, જેની કોઇ જરૂરિયાત નથી. નાળું બનાવી શકાય તેમ છે. નાણાંનો વ્યય કરવામાં આવી રહ્યો છે. આ બ્રિજની કામગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી અમારી માંગણી છે, નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.