જિલ્લા મથક ભુજ શહેરના મુખ્યમાર્ગો અને વિવિધ રિંગરોડના કામો વહીવટી આટીઘૂંટીના કારણે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એન્કર સર્કલ થી જિલ્લા ઉધોગ કચેરી અને ત્યાંથી પ્રિન્સ રેસિડેન્સી સુધીનો રિંગ રોડ ખાડાઓના કારણે જોખમી બન્યો છે. વરસાદના કારણે ક્ષતિ પામેલા માર્ગો ઉપર ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના પ્રયાસોથી સમારકામ તો જરૂર થયું છે પરંતુ બહારી માર્ગો પણ હવે મરમત માંગી રહ્યા છે. માર્ગ નિર્માણ માટે મંજૂરી પ્રક્રિયા તો થઈ ચૂકી છે પરંતુ માર્ગના નવીનીકરણ માટેની કામગીરી ક્યારે શરૂ થશે તે હજુ નિરુત્તર રહેવા પામ્યું છે. આ પ્રશ્ને દિવ્યભાસ્કરે શહેરના મુખ્ય માર્ગો રિંગ રોડ માર્ગે સ્થળ મુલાકાત લેતા અનેક સ્થળે માર્ગ ઉપર કાંકરી નીકળી આવી હોવાનું અને નાના મોટા આકારના ખાડાઓ પડી ગયા હોવાનું સામે આવ્યું હતું. રસ્તા પરના ખાડાઓ જોઈ પસાર થતા વાહન ચાલકો તેનાથી બચીને ચાલતા જોવા મળ્યા હતા, જ્યારે પુરપાટ જતા વાહનો ખાડામાં પછડાટ ખાતા આગળ વધી રહ્યા હતા. કેટલાક લોકો વાહનને સાવધાની પૂર્વક ચલાવી ખાડાઓ પસાર કરતા પણ જણાઈ આવ્યા હતા. એરોપ્લેન સર્કલથી પ્રિન્સ રેસીડેન્સી સર્કલ વચ્ચેના રીંગ રોડ માર્ગે ફૂડ ડિલિવરી કરતા એક બાઇક ચાલક સ્થાનિક મળી ગયા, તેમણે કહ્યું કે ખાડાઓ નો રીપોર્ટ કરતા હો તો જરૂર કરજો, મારે હાલ ઓર્ડર ડિલિવરી કરવા જવાનું હોવાથી વધુ કાઈ બોલી શકાય એટલો ટાઈમ નથી પરંતુ એટલું જરૂર કહીશ કે માર્ગો ઉપર ના દરેક ખાડા હવે તો યાદ રહી ગયા છે પણ જો કોઈ ચુકાય જાય તો બાઇક ઉપરથી પડી જવાય છે. રસ્તા તો સારા હોવા જોઈએને. ખાડા ખૈયાના કારણે બાઇકમાં પણ નુકશાની થાય છે. ભુજના દરેક પ્રશ્નો માટે તત્પર રહેતા ભરત સંઘવીએ તંત્રની નીતિની નિંદા કરી
ભુજ શહેરના જાગૃત નાગરિક અને શહેતિજનોને નડતા દરેક સમસ્યા બાબતે આગળ રહેતા જાગૃત નાગરિક ભરત સંઘવી સાથે વાત કરતા તેમણે શહેરના માર્ગો વિશે પોતાનો અભિપ્રાય જણાવતા કહ્યું હતું કે 56 કિલોમીટર ની ત્રિજયમાં ફેલાયેલા ભુજ શહેરના રિંગ રોડના નિર્માણ માટે સરકાર મોટા ફંડની ફાળવણી કરતી હોય છે તેમ છતાં માર્ગોને યોગ્ય રીતે બનાવવાં આવતા નથી. રિંગરોડ માર્ગે પડેલા ખાડાઓ અકસ્માત નોતરી રહ્યા છે. આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ આ માટે શું કરી રહયા છે. એક તરફ દેશ વિદેશના પ્રવસીઓ ભુજમાં આવતા હોય છે, ભુજ કચ્છનું પાટનગર છે પણ અહીંના માર્ગોની હાલત જોવો તો કેટલા બધા અકસ્માત થઈ રહ્યા છે. અધિકારીઓ કેમ કામ કરતા નથી. વર્ષોથી એકજ પોસ્ટ ઉપર અધિકારીઓ ચોટીને બેઠા છે, તેમના સંતાનો વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી રહયા છે. આટલા બધા રૂપિયા ક્યાંથી આવે છે. આ બહુ મોટો ભ્રષ્ટચાર આચરી રહયા છે. આવા અધિકારીઓની સરકાર દ્વારા તાત્કાલિક બદલી કરી દેવામાં આવવી જોઈએ. આ સમગ્ર પ્રશ્ને માર્ગ અને મકાન પેટા વિભાગ કચેરીના મુખ્ય અધિકારી ચેતન ડુડિયાનો સંપર્ક સાધવનો અનેક વખત પ્રયાસ કરવા છતાં તેમની મુલાકાત થઈ શકી નહીં. તેમના જણાવ્યા સમયે કચેરીએ પહોંચતા તેઓ હાજર મળ્યા ના હતા. આખરે ચાર દિવસ બાદ નાયબ ઇજનેર જીગ્નેશ કોરાટ સાથે વાતચીત થતા તેમણે વિગતો આપતા જણાવ્યું હતું કે માર્ગ સુધારણા અને નિર્માણ માટે કુલ 40 કિલોમીટર ના માર્ગના નિર્માણ માટે ગત તા.19 નવેમ્બર ના રોજ ગાંધીનગર મંજૂરી માટેની દરખાસ્ત મોકલવામાં આવી છે. આ માટે કુલ રૂ.30 50 કરોડની ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત છે. જે રકમ મંજુર થયે કામગીરી શરૂ થશે. ક્યારે મંજુર થશે તે કહી ના શકાય. કામગીરી મોડી થવાના પ્રશ્ને તેમણે વધુ માહિતી મુખ્ય અધિકારી જ આપી શકે તેમ વારંવાર કહ્યું હતું.