સંસદમાં અમિત શાહના બાબાસાહેબ આંબેડકર પરના વિવાદિત નિવેદનને લઈને ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવી ગૃહમંત્રી અમિત શાહની માફી તેમજ રાજીનામું માંગી લેવાયું છે. વેરાવળ ખાતે સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ, જિલ્લા પંચાયત વિપક્ષ નેતા અભય ચુડાસમા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરેન બમરોટીયા સહિત અનુસૂચિત જાતિ સેલ અને મહિલા મોરચાની બહેનો તેમજ કોંગી કાર્યકરો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટાવર ચોક ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી સુત્રોચ્ચાર સાથે પગપાળા પ્રાંત અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવી સંસદમાં શિયાળું સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિવાદિત ભાષણનો ઉગ્ર વિરોધ નોંધાવી અમિત શાહ માફી માંગે તેમજ પદ પરથી રાજીનામું આપે તેવી માગ કરવામાં આવી હતી.