ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ વિપક્ષના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે આ સરકારમાં રાષ્ટ્રપતિનો ખરો પાવર ઈલોન મસ્ક પાસે રહેશે. કેટલાક લોકો એવું પણ કહે છે કે મસ્ક આગામી સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે. જો કે ટ્રમ્પે આવી તમામ અટકળોને ફગાવી દીધી છે. ટ્રમ્પનું કહેવું છે કે ઈલોન મસ્ક ક્યારેય અમેરિકાના રાષ્ટ્રપતિ નહીં બની શકે. એરિઝોનામાં એક કાર્યક્રમમાં ટ્રમ્પે કહ્યું- હું તમને કહી શકું છું કે મસ્ક રાષ્ટ્રપતિ નહીં બની શકે . તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેમનો જન્મ આ દેશમાં થયો નથી. અલજઝીરા મુજબ, ટ્રમ્પે મસ્કના વખાણ કર્યા અને કહ્યું કે તેમના રાજકીય વિરોધીઓ સતત એવું જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે કે આ સરકારમાં રાષ્ટ્રપતિનો ખરો પાવર ઈલોન મસ્ક પાસે છે. મસ્કના સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ બનવાનું કોઈ જોખમ નથી, કારણ કે બંધારણ તેમને આમ કરતા અટકાવે છે. અમેરિકાના બંધારણ મુજબ અમેરિકામાં જન્મેલ અમેરિકન નાગરિક જ દેશના રાષ્ટ્રપતિ બની શકે છે. મસ્ક પર ફંડિંગ બિલ રોકવાનો આરોપ હતો ગયા અઠવાડિયે, રાજકીય ઉથલપાથલ વચ્ચે અમેરિકામાં અસ્થાયી ફંડિંગ બિલ પહેલીવાર સંસદમાં પસાર થઈ શક્યું ન હતું, જેના કારણે 23 લાખ કર્મચારીઓના વેતન પર સંકટ તોળાયું હતું. પછી કેટલાક મીડિયા આઉટલેટ્સે આ માટે મસ્કને દોષી માન્યા હતા અને તેમના પર દેશને બંધક બનાવવાનો આરોપ લગાવ્યા હતા. આ સાથે જ ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોએ પણ કહ્યું કે ટ્રમ્પ ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા હોય પરંતુ સાચી સત્તા મસ્કના હાથમાં આવી ગઈ છે. જો કે, સરકાર શટડાઉનના થોડા સમય પહેલા આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. ઈલોન મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તેમના માતા કેનેડામાં જન્મેલી દક્ષિણ આફ્રિકાના મોડેલ છે, જે 1969ની મિસ સાઉથ આફ્રિકા સ્પર્ધામાં ફાઇનલિસ્ટ હતા. તેમના પિતા એરોલ મસ્ક એક એન્જિનિયર છે. તેમના માતા-પિતા 1980માં અલગ થઈ ગયા હતા. ટ્રમ્પે મસ્કને DOGEની જવાબદારી સોંપી છે
મસ્ક ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ ન બની શકે, પરંતુ ટ્રમ્પ સરકારે તેમને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. મસ્ક વિવેક રામાસ્વામી સાથે આ સરકારમાં ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિએન્સી એટલે કે DOGE સંભાળશે. આ ડિપાર્ટમેન્ટનો ઉદ્દેશ્ય સરકારના ખર્ચમાં ત્રીજા ભાગનો ઘટાડો કરવાનો છે. આ માટે 4 જુલાઈ 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે. ઈલોન મસ્ક ક્યારેય અમેરિકન સાંસદ નથી રહ્યા અને ન તો તેઓ હાલમાં સરકારમાં કોઈ મહત્વના પદ પર છે.