સુરતમાં ટેકનોલોજીના વધતા જતા ઉપયોગ સાથે સાયબર ગુનાખોરીના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા 61 વર્ષના રિટાયર્ડ વ્યક્તિને ડિજિટલ એરેસ્ટ કરીને તેમની પાસેથી 1 કરોડ 71 લાખ રૂપિયાની ઠગાઈ કરવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બોગસ CBIના લેટર અને ઓળખપત્રો દેખાડીને ફરિયાદી પર દબાણ કર્યું
વેસુ વિસ્તારમાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ કે, જે ઇલેક્ટ્રીકલ રિપેરીંગના મોટા વેપારી છે, તેઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના આધાર કાર્ડનો દુરૂપયોગ કરીને અજાણ્યા શખસોએ સીમકાર્ડ પ્રાપ્ત કરી અને તે દ્વારા કેનરા બેન્કમાં એક ખોટું ખાતું ખોલાવ્યું. આ ખાતું મની લોન્ડરિંગ અને નાણાકીય ફ્રોડ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. આ શખસો પોતાની જાતને પોલીસ તરીકે ઓળખાવતાં, બોગસ CBIના લેટર અને ઓળખપત્રો દેખાડીને ફરિયાદી ઉપર દબાણ કર્યું હતું. આ કૌભાંડમાં તેઓએ 15 દિવસ સુધી ફરિયાદીની ડિજિટલ એરેસ્ટ કરવામાં આવી હતી. આ દરમિયાન ફરિયાદીને ધમકી આપવામાં આવી કે, તેઓ મની લોન્ડરિંગના ગુનામાં સંડોવાયેલા છે અને તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. ડરથી ફરિયાદીએ આઠ અલગ-અલગ વ્યવહારોમાં કુલ 1.71 કરોડની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. આરોપીઓની ધરપકડ કરાઈ
DCP ભાવેશ રોજીયાના મતે આ ગુનાની તપાસ દરમિયાન સૂત્રોનો આધારે અમદાવાદના રહેવાસી મુકેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. મુકેશ ટૅક્સી ડ્રાઇવર છે અને તે તેના બેન્ક એકાઉન્ટ ભાડે આપી કમિશન કમાતો હતો. તે આ કેસમાં મુખ્ય સંડોવાયેલા મેહુલ પટેલને તેનું ખાતું ભાડે આપતો હતો. આરોપી મુકેશ અને મેહુલની ભૂમિકાઓ
મુકેશ પટેલ: અમદાવાદના શ્યામ પરિસરમાં રહેતો મુકેશ આ કૌભાંડમાં એક એજન્ટ તરીકે કાર્યરત હતો. તે પોતાનું બેન્ક એકાઉન્ટ 10,000 રૂપિયા કમિશન પર ભાડે આપતો હતો.
મેહુલ પટેલ: મેહુલે મુકેશ પાસેથી બેન્ક એકાઉન્ટ ભાડે મેળવી અન્ય ફ્રોડ સેટઅપ માટે પ્રદાન કર્યું હતું. ટ્રાન્ઝેક્શન માટે જુદા-જુદા એકાઉન્ટનો ઉપયોગ કરાતો હતો
પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મુદ્દામાલને ખસેડવા માટે વિવિધ બેન્ક ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બંધન બેન્કના એકાઉન્ટમાં 4,77,500 રૂપિયા ટ્રાન્સફર થયા હતા, જ્યારે અન્ય બે ખાતાઓમાં 29,93,302 રૂપિયાના ટ્રાન્જેક્શનનો પતો લાગ્યો. તપાસ દરમિયાન પોલીસએ 8 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા છે અને વધુ બેંક એકાઉન્ટ્સની તપાસ હાથ ધરવામાં આવી છે. હજી પણ આ કૌભાંડમાં અન્ય સંડોવાયેલા શખસોની શોધખોળ ચાલી રહી છે. ફ્રોડનો પર્દાફાશ થયો
વૃદ્ધે વધુ 28 લાખ RTGS કરવાની તૈયારી કરતું પહેલાં યુટ્યુબ પર ડિજિટલ ફ્રોડનો વીડિયો જોયો, જેના કારણે તેઓએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર સંપર્ક કર્યો અને ઠગાઈ અટકાવી. વૃદ્ધે શેરબજારમાં 25-30 વર્ષ પહેલાં કરેલી મોટી બચત અને જમા કરેલી રકમ માત્ર 8 દિવસમાં ગુમાવી દીધી.