ભારતીય પેરેલલ સિનેમામાં નવો ચીલો ચાતરનારા દિગ્ગજ ફિલ્મમેકર શ્યામ બેનેગલનું 90 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. શ્યામબાબુ તરીકે ઓળખાતા આ ફિલ્મમેકર ઘણા લાંબા સમયથી કિડની અને ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. તેમની દીકરી પિયા બેનેગલે આ વાતની પુષ્ટિ કરી છે. શ્યામ બેનેગલે ‘અંકુર’, ‘મંડી’, ‘સરદારી બેગમ’, ‘ઝુબૈદા’ જેવી અવિસ્મરણીય ફિલ્મો બનાવી હતી. ગુજરાતમાં સહકારી મંડળીની શ્વેતક્રાંતિ પર તેમણે ગિરીશ કર્નાડ અને સ્મિતા પાટિલને લઇને ‘મંથન’ ફિલ્મ બનાવેલી. પ્રાપ્ત માહિતી પ્રમાણે શ્યામ બેનેગલે 23 ડિસેમ્બરે સાંજે સાડા છ વાગ્યે અંતિમ શ્વાસ લીધા. હજુ નવ દિવસ પહેલાં 14 ડિસેમ્બરે જ તેમણે પોતાના 90મા જન્મદિવસની ઉજવણી કરી હતી. આ સેલિબ્રેશનની તસવીરો અભિનેત્રી શબાના આઝમીએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેમાં તેમની સાથે નસીરુદ્દીન શાહ અને પ્રફુલ્લિત મુખમુદ્રામાં શ્યામ બેનેગલ દૃશ્યમાન થતા હતા. શ્યામ બેનેગલની ફિલ્મોએ ભારતીય સિનેમાને મહાન કલાકારો આપ્યા હતા, જેમાં નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, અમરીશ પુરી, અનંત નાગ, શબાના આઝમી, સ્મિતા પાટીલ અને સિનેમેટોગ્રાફર-ફિલ્મમેકર ગોવિંદ નિહલાની મુખ્ય છે. શ્યામબાબુને ભારત સરકારે 1976માં પદ્મશ્રી અને 1991માં પદ્મ ભૂષણથી નવાજ્યા હતા. તેમને 8 વખત નેશનલ એવોર્ડ મળ્યો હતો. જ્યારે 2005માં તેમને ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર એવો ‘દાદાસાહેબ ફાળકે’ એવોર્ડ પણ મળ્યો હતો. ગુજરાતી ફિલ્મથી શરૂઆત 14 ડિસેમ્બર 1934ના રોજ હૈદરાબાદના મિડલક્લાસ પરિવારમાં જન્મેલા શ્યામ બેનેગલે પોતાની પહેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ ગુજરાતી ભાષામાં ‘ઘેરબેઠાં ગંગા’ (1962) નામે બનાવેલી. તેઓ પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ મેકર ગુરુ દત્તના પિતરાઈ ભાઈ થતા હતા. શ્યામબાબુના પિતાને સ્ટિલ ફોટોગ્રાફીનો શોખ હતો. શ્યામ પણ અવારનવાર બાળકોના ફોટોગ્રાફ્સ લેતા હતા. અર્થશાસ્ત્રમાં M.A આ કર્યા પછી તેમણે ફોટોગ્રાફી કરવાનું શરૂ કર્યું. પોતાની પહેલી ફિલ્મ ‘અંકુર’ બનાવતાં પહેલાં તેમણે એડ એજન્સીઓ માટે ઘણી એડ ફિલ્મો બનાવી હતી. ફિલ્મો અને એડફિલ્મો બનાવતાં પહેલાં શ્યામબાબુ કોપી રાઈટર તરીકે કામ કરતા હતા. તેમણે ‘અંકુર’ (1974)થી પોતાની ફીચર ફિલ્મો બનાવવાની કરિયરની શરૂઆત કરી હતી. પોતાની પહેલી ચાર ફિલ્મો ‘અંકુર’, ‘નિશાંત’ (1975), ‘મંથન’ (1976) અને ‘ભૂમિકા’ (1977)થી તેમણે ભારતીય સમાંતર સિનેમામાં એક નવી જ લહેર લાવી દીધી અને તેમને એક દમદાર સર્જક તરીકે પ્રસ્થાપિત કરી દીધા. 5 લાખ ખેડૂતોએ પ્રોડ્યુસ કરી ‘મંથન’ વર્ગીસ કુરિયન અને તેમના દ્વારા પ્રેરિત દૂધ સહકારી મંડળીઓ (અમૂલ)ની શ્વેતક્રાંતિ પર તેમની ‘મંથન’ ફિલ્મની ખાસિયત એ હતી કે તે ભારતની પહેલી ‘ક્રાઉડફન્ડેડ’ ફિલ્મ હતી. આ ફિલ્મ બનાવવા માટે 5 લાખ ખેડૂતોએ 2-2 રૂપિયા આપ્યા હતા, જેની નોંધ ફિલ્મમાં પણ લેવાઈ હતી. પ્રસિદ્ધ મરાઠી નાટ્યકાર વિજય તેંડુલકર સાથે મળીને લખાયેલી આ ફિલ્મે નેશનલ એવોર્ડ જીત્યો હતો અને તેને 1976ના વર્ષ માટે ભારત તરફથી ઓસ્કરની સત્તાવાર એન્ટ્રી તરીકે પણ મોકલવામાં આવી હતી. પોતાની સુદીર્ઘ અને અત્યંત જ્વલંત કારકિર્દીમાં શ્યામ બેનેગલે 24 ફીચર ફિલ્મો, 45 ડોક્યુમેન્ટરી ફિલ્મો, 15 એડ ફિલ્મ્સ બનાવી હતી. ટેલિવિઝન માટે તેમણે ‘કથા સાગર’, જવાહરલાલ નેહરુના પુસ્તક ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ પરથી ‘ભારત એક ખોજ’, ‘અમરાવતી કી કથાયેં’, ‘સંવિધાન’ જેવી સિરીઝ બનાવી હતી. તેમણે સત્યજિત રાય અને જવાહરલાલ નેહરુ પર પણ ડૉક્યુમેન્ટરી ફિલ્મો બનાવી હતી. શ્યામ બેનેગલની અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં ‘જુનૂન’ (1979), ‘કલયુગ’ (1981), ‘આરોહણ’ (1982), ‘ત્રિકાલ’ (1985), ‘સૂરજ કા સાતવાં ઘોડા’ (1993), ‘મમ્મો’ (1994), ‘સરદારી બેગમ’ (1996), ‘ધ મેકિંગ ઓફ ધ મહાત્મા’ (1996), ‘ઝુબૈદા’ (2001), ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝઃ ધ ફરગોટન હીરો’ (2005), ‘વેલકમ ટુ સજ્જનપુર’ (2008) વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લે તેમણે શેખ મુજીબુર રહેમાનની બાયોપિક ‘મુજીબઃ ધ મેકિંગ ઓફ અ નેશન’ (2023) બનાવી હતી. શ્યામ બેનેગલના અવસાન પર સેલિબ્રિટીઓએ આપી શ્રદ્ધાંજલિ… શેખર કપૂરઃ શ્યામ બેનેગલ સિનેમામાં નવી લહેર લાવ્યા. અંકુર, મંથન જેવી અગણિત ફિલ્મોથી ભારતીય સિનેમાની દિશા બદલી નાખનાર વ્યક્તિ તરીકે તેમને હંમેશાં યાદ કરવામાં આવશે. તેમણે શબામા આઝમી અને સ્મિતા પાટિલ જેવા મહાન કલાકારોને સ્ટાર બનાવ્યાં. વિદાય મારા મિત્ર અને માર્ગદર્શક. સુધીર મિશ્રાઃ શ્યામ બેનેગલે એક વાત શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરી હોય તો તે છે સામાન્ય ચહેરાઓ અને સામાન્ય જીવનની કવિતા!