માંડવી તાલુકા મથક પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસ સમિતિના આગેવાનોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરના કરેલા અપમાન વિરુદ્ધ દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી તેઓના રાજીનામાની માગ કરી હતી. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલની આગેવાની હેઠળ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી ફરજ પરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર સંપર્ક કરી જણાવ્યું કે, ભારતના સંસદ ગૃહમાં ગૃહમંત્રી અમિત શાહે આપેલા નિવેદન દરમિયાન ડો. બાબા સાહેબ આંબેડકરની ટિપ્પણી કરી ઘોર અપમાન કર્યું છે. ભારતના કરોડો લોકો જે સંવિધાનમાં વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે તેઓનું અપમાન કર્યું છે. ગૃહમંત્રી સામે આમ જનતાનો ખૂબ જ રોષ અને વિરોધ છે. જેથી કરીને ગૃહમંત્રી અમિતભાઈ શાહના નિવેદનથી સર્વ સમાજે મોટો આંચકો અનુભવ્યો છે. આ અપમાન ચલાવી લેવાય તેવું નથી તેઓ સમગ્ર ભારત દેશના લોકોની માફી માગે એવી માગ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પટેલ માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉદેસિંગ બી વસાવા. માંડવી નગર કોંગ્રેસ પ્રમુખ સંજય ઉપાધ્યાય, સુરત જિલ્લા RGPRS અધ્યક્ષ લાલુભાઈ ઇકબાલભાઈ કરોડીયા તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ ફ્રન્ટના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કોંગ્રેસી કાર્યકર ઉપસ્થિત રહ્યાં હતાં.