ગુજરાતના લોકો મનોરંજન માટે ગોવા બીચ જવા માટે લાંબી મુસાફરી કરીને ખોટો ખર્ચ કરતાં નહિ કારણ કે ગોવા બીચને ટકકર મારે તેવા માંડવી બીચ પર પણ હવે શોખીનો માટે વ્હીસ્કી, જીન અને બિયર સહિતના પ્રતિબંધિત પીણાની ઓન ડિલિવરી મળે રહી છે ! અહીં આવતા પ્રવાસીઓને માંગો તે બ્રાન્ડનો અંગ્રેજી દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો હોવાનો ઘટસ્ફોટ ‘’ભાસ્કર’’ના સ્ટિંગ ઓપરેશનમાં થયો છે. અહીં મોપેડની ડીકીમાં દારૂ ભરીને પ્રવાસીઓને પીરસવામાં આવી રહ્યું છે. માંડવી ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિ છે. ગુજરાતમાં દારૂબંદી હોવા છતાં બીચ તટે આવતી લક્ઝરી બસ કે ખાનગી કાર પાર્કિંગ કર્યા બાદ પ્રવાસી ઉતરે છે ત્યારે આ દારૂના વિક્રેતા યેનકેન પ્રકારે વાતોમાં ઉતાર્યા બાદ દારૂની વાત કહે છે. પ્રવાસીઓની બાજુમાં આવી સ્થાનિક યુવાનો કહેશે ‘બોલો સાહેબ ઠંડી ઉડાડવા માટે કંઈ બ્રાન્ડ જોઇશે’ ! બીચ પર વ્હીસ્કી, વોડકા, જીનના ક્વાર્ટર રૂા. 400થી 500ના ભાવે મળી મળી રહ્યા છે. બિયર એજ ભાવમાં પ્રવાસીઓેને જાહેરમાં મળી રહે છે. દારૂ ખુલ્લેઆમ વહેંચાઈ રહ્યો હોવા છતાં સ્થાનિક પોલીસના આંખે પાટા છે. પોલીસના આશીર્વાદ વગર આટલું મોટું દારૂનો નેટવર્ક ચાલી શકે નહિ તે વાત માની શકાય તેમ છે. ત્યારે અહીં એસએમસી જેવી કોઇ એજન્સી આવીને પર્દાફાશ કરે તો નવાઇ નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે ગોવામાં દારૂબંધી નથી ત્યારે ત્યાંના બીચ પર દારૂ મળે તો નવાઇ પામવા જેવું નથી પણ દારૂ નિષેધ છે તેવા માંડવીના બીચ પર વ્હીસ્કી મળે છે. દારૂ વેચાણની મહિતી મળશે તોકાર્યવાહી કરીશું
શહેરના કોઈપણ સ્થળે દારૂ વેચાણનીની પ્રવૃત્તિ ચલાવી લેવાયનહીં. બાતમી મળતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. થોડા સમય પહેલા બીચ પર દારૂનો ઍક કેસ કરવામાં આવ્યો હતો.> ડી ડી સિમ્પી,પી આઇ, માંડવી શ્યામજીની જન્મભૂમિમાં આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ
પંડિત શ્યામજી કૃષ્ણવર્માની જન્મભૂમિમાં દારૂ વેચાણ કે અસામાજિક પ્રવૃત્તિઓ થવી જોઈએ નહિ. આ અંગે જવાબદાર અધિકારીઓ પાસે રજૂઆત કરવામાં આવશે. > અનિરુદ્ધ દવે, ધારાસભ્ય, માંડવી શહેરમાં પ્રથમ વખત અંગ્રેજી દારૂના બે પોઇન્ટ સક્રિય
શહેરના પોશ વિસ્તાર બાબાવાડીના મુખ્ય ત્રણ રસ્તા પર અને જી ટી હાઈસ્કૂલ પાસે એકટીવામાં વિમલ ગુટખાના થેલામાં અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ પડી રહે છે. ગ્રાહક માંગે તે સ્થળ પર મળી શકે. અને સ્થળ પર ન આવવું હોય તો 15 થી 16 વર્ષીય તરુણ દ્વારા ડિલિવરી કરાઇ રહી હોવાની પુષ્ટિ મળી રહી છે. નશાના લીધે દરિયામાં ડૂબવાના બનાવો બન્યા છે !
લાંબા સમયથી બીચ પર દારૂ વેચાણ પંટરિયા મારફતે થઈ રહ્યો છે. શોખીન પ્રવાસીઓે દારૂનો સેવન કર્યા બાદ દરિયામાં ન્હાવા પણ જાય છે. ભૂતકાળમાં દારૂ પીધા બાદ ઉંડા પાણીમાં ડૂબી ગયાની ઘટના અગાઉ ગરમીની સિઝનમાં બનાવા પામી હતી. દારૂ વધુ કોઈ પ્રવાસીઓ ભોગ લે તે પહેલા વેચાણ પર રોક લગાવવું તે જરૂરી છે.