વેરાવળની શાહીગરા કોલોનીમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બની ગયેલા 45 પાકા મકાનો ઉપર પાલીકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આ ડિમોલેશનની કામગીરી અંતર્ગત 3.5 કરોડની 3584 ચો.મી. (10 હજાર ગજ) જેવી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ મેગા ડિમોલેશનની કામગીરી માટે પાલીકા તંત્રએ લેખિતમાં માંગેલ હોવા છતાં પોલીસ તંત્રએ બંદોબસ્ત ન ફાળવતા અનેક સવાલો ઉભા થયા છે. જો કે, પાલિકાએ નિર્ધારિત આયોજન મુજબ ડીમોલેશનની કામગીરી પૂર્ણ કરી છે. આ અંગે પાલીકાના અધિકારી જેઠાભાઈ સોલંકીએ જણાવેલ કે, વેરાવળના વોર્ડ નં.6 માં શાહીગરા કોલોનીમાં મહેક સ્કૂલની બાજુમાં રેલ્વેની દિવાલને અડીને આવેલ પડતર સરકારી જમીન ઉપરથી નિકળતા વરસાદી પાણીના વેણમાં 45 જેટલા પાકા મકાનો ગેરકાયદેસર રીતે બની ગયેલો જેને દૂર કરવા માટે મામલતદાર દ્વારા સ્થળ મુલાકાત કરીને કબ્જાધારકોને અઠવાડીયામાં મકાનો હટાવવા સુચના આપેલ તેમ છતાં કોઈએ હટાવ્યા ન હતા. જેથી ડિમોલેશન કરવાનું પાલીકાએ આયોજન કરેલ જે મુજબ આજે સવારે પાલિકાનો સ્ટાફ 6 જેસીબી અને 22 ટ્રેક્ટરો સાથે દબાણો હટાવવા પહોંચી ગયો હતો. જ્યાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બની ગયેલા બાંધકામો ઉપર પાલીકાના બુલડોઝરો ફરી વળ્યા હતા. આ કામગીરીમાં 45 જેટલા પાકા મકાનો દુર કરીને 3584 ચો.મી.(10 હજાર ગજ) સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત રૂ.3.5 કરોડ જેવી થાય છે. આ જમીન ઉપરના મકાનો સાહિતના દબાણો દુર થતા આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણી ભરાવવાની સમસીયા મહદઅંશે હલ થઈ જશે તેવી આશા છે. પાલીકા અધિકારી જેઠાભાઈ સોલંકીએ જણાવેલ કે, ડિમોલેશનની કામગીરી સમયે સરકારી ખર્ચે પોલીસ બંદોબસ્ત ફાળવવા તા.19 ડીસે. ના રોજ પોલીસવડાને પત્ર લખીને માંગણી કરી હતી. તેના બીજા દિવસે પોલીસને તમામ પ્રકારની બાંહેધરી પણ આપવામાં આવી હતી, તેમ છતાં ડીમોલેશનના અંતિમ સમયે સીટી પોલીસે બંદોબસ્ત ફાળવવાની ના પાડી દીધી હતી. જે જવાબ અમારા માટે પણ અચરજ સમાન હતો. જો કે, પોલીસના રક્ષણ વગર પણ પાલીકાએ આયોજન મુજબ ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી.