રાજસ્થાનના બિકાનેરથી સાહીરામ નામના સનાતનધર્મીએ 11 માસ સુધી સતત યાત્રાધામ દ્વારકાની 1451 કિમીની યાત્રા પૂર્ણ કરી આજે દ્વારકા યાત્રાધામ ખાતે પધાર્યા છે. સનાતન સમાજમાં સુખશાંતિ સાથે વ્યસનમુકિ્ત આવે તે માટે તેમણે કઠિન દંડવત યાત્રા કરી છે. યાત્રાધામ દ્વારકા એ હિન્દુ સનાતનધર્મીઓનું પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર હોય દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ યાત્રાધામમાં ઠાકોરજીના દર્શનાર્થે રેલ રોડ ઈત્યાદિ માર્ગે પધારતા હોય છે. તો દર વર્ષે હજારો પગપાળા યાત્રાળુઓ પણ ઠાકોરજીના દર્શને દેશના વિવિધ ક્ષેત્રોથી પધારતા હોય છે. રાજસ્થાનના બિકાનેર જિલ્લાના લાલેરા ધામના સાહીરામ નામના ભાવિક દ્વારા 19મી ફેબ્રુઆરી, 2024ના રોજ દ્વારકા યાત્રાધામની દંડવત યાત્રા શરૂ કરી આશરે 1300 કિમી જેટલો પ્રવાસ દંડવત યાત્રા કર્યા બાદ છેલ્લાં 51 કિમીનો પ્રવાસ વધુ કઠિન બનાવી પેટે પલાણ કરી એટલે કે પેટથી ઘસડાઈને પૂર્ણ કરી આજરોજ યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચ્યા છે. આજરોજ યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચી ઠાકોરજીના દર્શન કરી હિન્દુ સનાતન ધર્મમાં દારૂ નામના વ્યાપેલા દુષણથી મુકિ્ત મળે અને સમાજ સનાતન ધર્મના રીત-ભાત સમજી તેનું ચુસ્તતાપૂર્વક પાલન કરે તેમજ દરેક સમાજના ઘરોમાં સુખ-શાંતિ રહે તે માટે ઠાકોરજીને પ્રાર્થના કરી છે.