દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી… ગુજરાતમાંથી સાઈડલાઈન પણ દિલ્હીમાં સંગઠન મજબૂત કરવાની જવાબાદારી મળી
હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે ભાજપની નજર દેશના હૃદય સમાન દિલ્હી પર મંડાઇ છે. વિધાનસભાની આગામી ચૂંટણીમાં કમળ ખીલવવા માટે ગુજરાતમાંથી સાઈડલાઈન કરાયેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્હીમાં ભાજપને મજબૂત બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં તેમને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપનું સંગઠન માળખું વધુ મજબૂત બને તે માટેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. વિધાનસભાની એક-એક બેઠકો પર વિજય મેળવી શકાય માટે ગુજરાત પેટર્ન મુજબ બૂથ લેવલથી જ પક્ષને મજબૂત કરવાની કામગીરી કરવા સૂચન કરાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવીયા, રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને ધારાસભ્ય અમિત ઠાકરને પણ જવાબદારી સોંપવામાં આવી છે. હાલ ભાજપ દ્વારા દેશભરમાં સંગઠન રચનાની કામગીરી ચાલી રહી છે. ત્યારે પક્ષે સંગઠન સાથે વિધાનસભાની ચૂંટણીમાં પણ કમળ ખીલવવા માટે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને જીત મળે તે માટે ટોચના નેતાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી અથાગ મહેનત કરવામાં આવી રહી છે. પરંતુ આમ છતાં દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી ભાજપ સત્તાથી વંચિત છે. છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટી તોતીંગ લીડ સાથે રાજ્યમાં સત્તારૂઢ થઈ રહી છે. સતત ત્રીજી વખત દિલ્હીમાં આપની જીતને અટકાવવા માટે ભાજપે કમરકસી છે. પ્રજાના કામ માટે પૈસા નથી પણ IAS અધિકારીના બંગલાના રિનોવેશન પાછળ અધધ ખર્ચ
નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોય છે. જોકે, ક્યારેક અધિકારીઓને કોર્પોરેટરો બજેટ ન હોવાના બહાના કાઢીને કામગીરી કરતા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક IASના બંગલાના રિનોવેશન પાછળ 32 લાખનો ખર્ચો કરવામાં આવ્યો છે. માત્ર બાથરૂમો બનાવવા પાછળ જ વધુ ખર્ચ કરવામાં આવ્યો છે. IAS અધિકારીના બંગલામાં રહેવા માટે સાહેબે એવા કેવા બાથરૂમ બનાવ્યા હશે કે, જેમાં આટલો ખર્ચ થયો છે. આખો બંગલો રિનોવેશન કરવા પાછળ જે રકમનો ખર્ચ કરવામાં આવી છે તેમાં લાખ રૂપિયાના તો સાહેબે પડદા લગાવડાવ્યા છે. એક તરફ પ્રજાના નાના કામો કરવા હોય તો પણ બજેટની ચિંતા કરવામાં આવતી હોય છે, પરંતુ જો પ્રજાના પૈસે ઘર બનાવવાનું હોય તો તેમાં ક્યાંય કોઈ વિચાર કરવામાં આવતો નથી. AMCના એક સાહેબને તો શાસક પક્ષના નેતાની ઓફિસ ક્યાં છે એ પણ ખબર નથી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક એવા અધિકારી છે જેમની ઓફિસ અને નોકરીનું સ્થાન મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠમાં જ છે. જોકે, આ સાહેબને ભાજપના શાસક પક્ષના નેતાની જ ઓફિસ ખબર નથી. સાહેબને પક્ષના નેતાની ઓફિસ ક્યાં છે તે પૂછવા માટે પટાવાળાને પૂછવું પડે છે કે, નેતાની ઓફિસ કઈ બાજુ છે. નોકરીનું સ્થળ અને ઓફિસ શાસક પક્ષના પદાધિકારીઓ મેયરથી લઈને સ્ટેન્ડિંગ ચેરમેન અને શાસક પક્ષના નેતા બેસતા હોય છે તેની લગભગ બધા અધિકારીઓને જાણ છે, પરંતુ આ એક સાહેબ તો કદાચ પોતાના ઓફિસમાંથી અને અને પોતાની ઓફિસના માળ પરથી સીધા બીજા માળે મ્યુનિસિપલ કમિશનર સાહેબની જ ઓફિસ જોઈ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના એક મહિલા કોર્પોરેટરના પતિ વહીવટગીરીમાં ઉત્સાદ નીકળ્યા
ભાજપના કેટલાક કોર્પોરેટરોના નાના મોટા વહીવટો થતા હોવાની ચર્ચા છે, પરંતુ મહિલા કોર્પોરેટરના પતિ પણ વહીવટો કરતા હોય તેવી ચર્ચા જાગી છે. પૂર્વ વિસ્તારના એક મહિલા કોર્પોરેટરના પતિ અને એસ્ટેટ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટર તેમજ અન્ય અધિકારીઓ સાથે ખૂબ સારો સંબંધ છે. મહિલા કોર્પોરેટરના પતિ આ અધિકારીઓ સાથે મળીને પોતાના વિસ્તારમાં વહીવટગીરી કરતા હોવાની ચર્ચા ચાલી રહી છે. આ વિસ્તારના એસ્ટેટ વિભાગના કેટલાક અધિકારીઓ પણ ખૂબ ચર્ચામાં છે. ગેરકાયદેસર બાંધકામથી લઈને બિલ્ડીંગ બનાવવાની હોય અથવા એસ્ટેટ વિભાગની કોઈપણ કામગીરી હોય તેમાં વહીવટ કરવો પડે છે. જો એસ્ટેટ ઓફિસરને હપ્તો નથી મળતો તો તાત્કાલિક ધોરણે બધું કામ અટકી જાય છે. બાંધકામને સીલ કરવાથી લઈને તોડી નાખવા સુધીની કાર્યવાહી કરવા પહોંચી જાય છે. કોર્પોરેટરો અને અધિકારીઓની મિલીભગતથી આ વિસ્તારમાં ઘણું બધું ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. અસ્ટેટ વિભાગ દબાણ દૂર કરવા જાય તોય કેટલાકની મીલીભગતને કારણે મદદ પણ નથી મળતી
છેલ્લા કેટલાય સમયથી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિરના પરિસરમાં ગેરકાયદેસર પાથરણાવાળાઓને લઈને ચર્ચા ચાલી રહી છે. કેટલાક સ્થાનિક અને બહારના અસામાજિક તત્વો દ્વારા કાયદેસરના પાથરણાંવાળા સિવાય પણ અન્ય લોકોને લાવીને ત્યાં ધંધો કરવા દે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના કેટલાક મજૂરો અને કર્મચારીઓની પોલીસ તેમજ અસામાજિક તત્વો સાથે મિલીભગતના કારણે દબાણો થાય છે. જ્યારે પણ દબાણ દૂર કરવા માટે વાહન આવે તો તાત્કાલિક પાથરણાવાળાઓને જાણ થઈ જાય છે. પોલીસ અને આવા તત્વોની મિલીભગતના કારણે જ્યારે એસ્ટેટ વિભાગની ટીમ દબાણો દૂર કરવા જાય તો કોઈ મદદ પણ થતી નથી જેથી આવા તત્વો વધારે લાભ લે છે, ત્યારે હવે આ મામલો ખુદ મુખ્યમંત્રી સુધી જાય તેવી ચર્ચા ચાલી રહી છે.