અમદાવાદ જિલ્લામાં ત્રણ RTO કચેરી આવેલી છે, જેમાં અમદાવાદ શહેરમાં અમદાવાદ RTO (GJ-01) અને વસ્ત્રાલ RTO (GJ-27) આવેલ છે, જેમાં અત્યાર સુધીમાં લાખો ટ્રાન્સપોર્ટ વાહનોનું રજીસ્ટ્રેશન થયેલું છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં બાવળા RTO (GJ-38) નો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં તમામ ટ્રાન્સપોર્ટ વાહનોની ફિટનેસ RTO ખાતેથી થતી હતી, જેમાં રીક્ષા-ટેક્સી જેવા નાના વાહનોનું ફિટનેસ RTO કચેરી ખાતે જ જ્યારે મોટા ટ્રાન્સપોર્ટ વાહનો અને કન્સ્ટ્રક્શનમાં ઉપયોગમાં લેવાતા વાહનોનું ફિટનેસ RTO કચેરીના ઇન્સ્પેક્ટર દ્વારા શહેરની બહારના ભાગે જઈને થતું હતું. જેથી, શહેરમાં મોટા વાહનોને કારણે અન્ય વાહન ચાલકોને ટ્રાફિકજામથી હાલાકી વેઠવી ન પડે પરંતુ, હવેથી તમામ ટ્રાન્સપોર્ટ વાહનો એટલે કે પીળી નંબર પ્લેટ ધરાવતા તમામ વાહનોના ફિટનેસ માટે અમદાવાદથી લગભગ 22 કિલોમીટર દૂર આવેલ એમ. ડી. મોટર્સ ખાતે થશે. રીક્ષા-ટેક્સીના ફિટનેસ માટે પણ વાહનચાલકોએ બાકરોલ જવું પડશે
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરને RTOની કામગીરી મુજબ બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું છે. જેમાં સાબરમતી નદીની પૂર્વ બાજુનો તમામ વિસ્તાર વસ્ત્રાલ RTO તથા પશ્ચિમ વિસ્તાર અમદાવાદ RTO કચેરી હેઠળ સમાવિષ્ટ થાય છે. અત્યાર સુધીમાં અમદાવાદ RTO કચેરી ખાતે તમામ ટ્રાન્સપોર્ટ વ્હીકલનું ફિટનેસ થતું હતું પરંતુ, હવે અમદાવાદ પશ્ચિમની હદ વિસ્તારમાં તમામ વાહનો તથા પૂર્વના વસ્ત્રાલ RTOની હદ વિસ્તારના તમામ વાહનોનું ફિટનેસ કરવા માટે અમદાવાદ RTO કચેરીથી લગભગ 22 કિલોમીટર દૂર આવેલા બાકરોલ ખાતેના એમ.ડી. મોટર્સ સાથે ફિટનેસ કરાવવા જવું પડશે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા ફિટનેસની તમામ કામગીરી આઉટસોર્સિંગ કંપનીને સોંપી દેવામાં આવી છે. મહત્વનું છે કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા અગાઉથી જ મોટા વાહનો એટલે કે ટ્રક સહિતના કન્સ્ટ્રકશનમાં ઉપયોગમાં લેવાતા ભારે વાહનોની ફિટનેસનું કાર્ય આઉટસોર્સિંગ કંપનીને સોંપવામાં આવ્યું હતું પરંતુ, હવે નાના ટ્રાન્સપોર્ટ વાહનો જેમ કે, રીક્ષા તથા ટેક્સીના ફિટનેસ માટે પણ વાહનચાલકોએ અમદાવાદ શહેરથી દૂર આવેલા બાકરોલ ખાતે જવું પડશે. હવેથી પ્રાઇવેટ કંપની દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે
શહેરમાં લાખોની સંખ્યામાં વાહનો રસ્તા ઉપર ફરતા જોવા મળે છે, જેમાં ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા પણ ખૂબ જ વધુ છે. અમદાવાદ શહેરમાં લગભગ સવા બે લાખ કરતા પણ વધુ ઓટો રીક્ષા તથા 80,000 જેટલી ટેક્સી શહેરના રસ્તા ઉપર ફરે છે. આ તમામ વાહનો માટે RTO કચેરી ખાતેથી દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું અત્યંત આવશ્યક છે, જેમાં RTO ઇન્સ્પેક્ટર દ્વારા અત્યાર સુધી વાહનની તપાસ કરીને તે યોગ્ય છે કે કેમ તેના માપદંડના આધારે સર્ટિફિકેટ આપવામાં આવતું હતું પરંતુ, હવેથી પ્રાઇવેટ કંપની દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે. અત્રે એવી પણ શક્યતાઓ બને છે કે, ટેક્સી અથવા રીક્ષા ચાલકો શહેરથી દૂર જવું ન પડે, તે માટે દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ પણ રીન્યુ ન કરાવે અથવા તો પ્રાઇવેટ કંપની હોવાથી ગેરરીતિ થવાની શક્યતાઓ પણ વધી શકે છે.