back to top
HomeભારતEDITOR'S VIEW: ખેડૂત આંદોલનનો ગંભીર વળાંક:ડલ્લેવાલને કાંઈ થશે તો પંજાબ, હરિયાણા ને...

EDITOR’S VIEW: ખેડૂત આંદોલનનો ગંભીર વળાંક:ડલ્લેવાલને કાંઈ થશે તો પંજાબ, હરિયાણા ને દિલ્હી સળગશે એવી ખેડૂતોની ચીમકી, ચાર પોઇન્ટમાં સમજો આંદોલનનો સાર

પંજાબ-હરિયાણાની ખનૌરી બોર્ડર પર એક મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલને ગંભીર વળાંક લીધો છે. ખેડૂત આંદોલન શરૂ કરનાર મુખ્ય ચહેરો છે જગજીત સિંહ ડલ્લેવાલ. તેની ઉંમર 70 વર્ષની છે ને કેન્સરના દર્દી છે. 27 દિવસથી ડલ્લેવાલ ભૂખહડતાળ પર છે. સુપ્રીમમાં તેની સુનાવણી ચાલી રહી છે. જો ડલ્લેવાલને કાંઈ થશે તો પંજાબ, હરિયાણા અને દિલ્હી સળગશે, એવી ચીમકી ખેડૂતો આપી ચૂક્યા છે. નમસ્કાર, નવેસરથી શરૂ થયેલું ખેડૂત આંદોલન ગંભીર રૂપ ધારણ કરતું જાય છે. ખેડૂતનેતા જગજીત સિંહ ડલ્લેવાલની હાલત ભૂખહડતાળના કારણે કફોડી બની છે. ખેડૂતોએ ચીમકી આપી છે કે ડલ્લેવાલનાં ધરણાંની જગ્યાએ કોઈ સરકારી ડોક્ટર, પોલીસ, વહીવટીતંત્રના અધિકારીઓ આવશે તો અમારી લાશ પરથી પસાર થવું પડશે. ખેડૂતોએ છ લેયરમાં બેરિકેડ્સ લગાવી દીધાં છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર મૌન છે અને આ મૌન દેશના તમામ ખેડૂતોને અકળાવે છે. આ ચાર પોઇન્ટમાં સમજો ખેડૂત આંદોલનનો સાર 1 : ડલ્લેવાલના આમરણાંત ઉપવાસને કારણે ખેડૂતોનું આંદોલન ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે
પંજાબ અને હરિયાણાની સરહદ. ખનૌરી બોર્ડર પર 27 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતનેતા જગજીત સિંહ ડલ્લેવાલની હાલત સતત બગડી રહી છે. જોકે સુપ્રીમ કોર્ટના આદેશ પછી ધરણાં સ્થળની નજીક એક ટેમ્પરરી હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ ખેડૂતોએ મન મનાવી લીધું છે કે તેમની તબિયત બગડશે તોપણ વહીવટી તંત્રને હાથ લાગવા દેવામાં આવશે નહીં. આના પરથી સમજી શકાય છે કે પરિસ્થિતિ કેટલી તણાવપૂર્ણ હોઈ શકે છે. ખેડૂતનેતાઓ સરકારને ચેતવણી આપી રહ્યા છે કે જો તેઓ ડલ્લેવાલને બળજબરીથી ઉપાડવાનો પ્રયાસ કરશે તો પોલીસ અને પ્રશાસનને મૃતદેહો પરથી પસાર થવું પડશે. આ સરકારને ખુલ્લો પડકાર છે. વહીવટીતંત્ર ડલ્લેવાલ સુધી ન પહોંચે એ માટે ખેડૂતોએ બેરિકેડ્સનાં છ લેયર બનાવ્યાં છે. ખેડૂતનેતા સર્વન સિંહ પંઢેરે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે જ્યાં સુધી કેન્દ્ર ખેડૂતોને MSPની કાયદેસર ગેરંટી, ખેડૂતોને દેવાંમાંથી મુક્ત કરવા વગેરે સહિતની અન્ય માગણીઓ પૂરી નહીં કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ડલ્લેવાલનું ચેકઅપ કરનાર ડૉક્ટરોની ટીમે કહ્યું હતું કે ખેડૂતનેતાની હાલત બગડી ગઈ છે. તે હાથ ઉપાડવા અને આંખો ખોલવા માટે પણ સક્ષમ નથી. કલ્પના કરો કે જો ડલ્લેવાલને કંઈક થાય તો કેવો મોટો હંગામો થઈ શકે. 2: સંસદીય સમિતિના સમર્થનથી ખેડૂતનેતાઓ ઉત્સાહિત
આ બધા વચ્ચે સંસદની સ્થાયી સમિતિએ જે રીતે ખેડૂત નેતાઓના મુદ્દાઓને સમર્થન આપ્યું છે, એનાથી ખેડૂતનેતાઓને પ્રોત્સાહન મળ્યું છે. હિન્દુસ્તાનના એક અહેવાલ મુજબ, આ સંસદીય સમિતિને ટાંકીને ડલ્લેવાલે સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો હતો. આ પત્રમાં ડલ્લેવાલે અપીલ કરી છે કે સંસદીય સ્થાયી સમિતિની ભલામણો પર વિચાર કરીને કેન્દ્ર સરકાર આદેશ આપે. બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક સંસદીય પેનલે સરકારને કૃષિ પેદાશો માટે કાયદેસર રીતે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) લાદવાની ભલામણ કરી હતી, એવી દલીલ કરી હતી કે આવા પગલાથી ખેડૂતોની આત્મહત્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્નીની આગેવાની હેઠળની કૃષિ, પશુપાલન અને ખાદ્ય સામગ્રી સંબંધિત સમિતિએ કહ્યું હતું કે કમિટી ભલામણ કરે છે કે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ વહેલી તકે MSPને કાયદાકીય ગેરંટી તરીકે લાગુ કરવા માટે રોડમેપ જાહેર કરે. પેનલે દલીલ કરી હતી કે કાયદેસર રીતે MSP માત્ર ખેડૂતોની આજીવિકાનું રક્ષણ કરશે. એટલું જ નહીં, ગ્રામીણ આર્થિક વિકાસને પણ વેગ આપશે અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષામાં વધારો કરશે. સ્વાભાવિક છે કે આ ભલામણ બાદ ખેડૂતોને તેમની માગણીઓ પૂરી કરાવવા બળ મળ્યું છે. 3: લોકો સતત વધી રહ્યા છે, ખેડૂત સંગઠનો ફરી એકસાથે આવી શકે છે
26 નવેમ્બરથી ખેડૂતનેતા જગજીત સિંહ ડલ્લેવાલની ભૂખહડતાળને કારણે ખેડૂતોનું આંદોલન ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આમરણાંત ઉપવાસ આંદોલનમાં નવો પ્રાણ ફૂંકાયો છે. રાજ્યના મોટા પક્ષોના નેતાઓ સહિત ધાર્મિક નેતાઓ આ આંદોલનને સમર્થન આપવા આવી રહ્યા છે. ડલ્લેવાલના કારણે લોકો આંદોલનમાં એટલી હદે જોડાયા છે કે ઘણી જગ્યાએ લોકોએ ટ્રેનો રોકવાના કોલને ફોલો કર્યો છે. આ જ કારણ છે કે ખેડૂતોના આંદોલનના બીજા તબક્કાના શરૂઆતના દિવસોમાં લોકોનું ધ્યાન શંભુ બોર્ડરથી ખનૌરી બોર્ડર તરફ ગયું છે. ખનૌરી બોર્ડર પર જ ડલ્લેવાલની ભૂખહડતાળ ચાલી રહી છે. ખેડૂતનેતા ગુરુનામ સિંહ ચઢૂની પણ ડલ્લેવાલને મળવા ત્યાં પહોંચ્યા હતા. સ્વાભાવિક છે કે ચઢૂની પહોંચતાં ખેડૂત આંદોલન ફરી એકવાર વેગ પકડે એવી શક્યતા છે. હરિયાણાનાં ઘણાં ખેડૂત સંગઠનો પણ પહોંચી રહ્યાં છે. ખનૌરી બોર્ડરથી લગભગ 5 કિલોમીટર પહેલાં હજારો ટ્રેક્ટર પાર્ક કરેલાં પડ્યાં છે. કોંગ્રેસના સાંસદ ચરણજીત સિંહ ચન્ની પણ ખનૌરી બોર્ડર પર પહોંચ્યા અને ડલ્લેવાલને મળ્યા. સરકાર પર અવગણનાનો આરોપ લગાવતાં ખેડૂતોએ કહ્યું હતું કે જ્યારે દિલ્હીમાં સાંસદો વચ્ચે ઝપાઝપી થાય છે ત્યારે દરેક તેમની ખબર પૂછવા માટે ત્યાં જાય છે, પરંતુ અહીં ખેડૂતનેતાઓ 27 દિવસથી ભૂખહડતાળ પર છે અને અહીં કોઈ પૂછવા આવ્યું નથી. ખેડૂતનેતા સર્વન સિંહ પંઢેરે 30 ડિસેમ્બરે પંજાબ બંધની અપીલ કરી છે. 4: ખાલિસ્તાની પ્રવૃત્તિઓ વધી શકે છે
ખાલિસ્તાનીઓ શરૂઆતથી જ ખેડૂતોના આંદોલનને સમર્થન આપી રહ્યા છે. આ તેમની વ્યૂહરચના રહી છે, પરંતુ એ પણ સાચું છે કે જો ડલ્લેવાલને કંઈ થાય કે ખેડૂતો પર કોઈ જબરદસ્તી કરવામાં આવે તો ખાલિસ્તાની તેમની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરવા તૈયાર છે. ખાલિસ્તાની ગતિવિધિઓ પણ સતત વધી રહી છે. સોમવારે પંજાબ પોલીસ અને યુપી પોલીસ વચ્ચેના સંયુક્ત ઓપરેશનમાં પીલીભીતમાં એક એન્કાઉન્ટરમાં ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદી માર્યા ગયા હતા. તેમની પાસેથી બે એકે-47 મળી આવી છે. રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. સરકારની નબળાઈનો ફાયદો ઉઠાવવા ખાલિસ્તાનીઓ કંઈપણ કરવા તૈયાર હશે એ સ્વાભાવિક છે. સમાધાન માટે કોઈ મજબૂત નેતા મેદાનમાં ઊતરતા નથી
ખેડૂતોનું આંદોલન કેન્દ્ર સરકાર માટે ગળામાં ફસાયેલાં હાડકાં સમાન બની ગયું છે. પંજાબ અને હરિયાણાની ખનૌરી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. ખેડૂતનેતા જગજીત સિંહ ડલ્લેવાલ 28 દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. સરકાર માટે પડકાર એ છે કે ખેડૂતોના આંદોલનને દિલ્હી સુધી આવતા કેવી રીતે રોકવું. કેન્સરના દર્દી ડલ્લેવાલની હાલત કફોડી બની રહી છે, બીજી તરફ સંસદની સ્ટેન્ડિંગ કમિટીએ ખેડૂતોની માગને મંજૂર કરી છે. હવે સરકારની મુશ્કેલી એ છે કે ખેડૂતો માનવા તૈયાર નથી અને સરકાર ખેડૂતોની દરેક માગણી સ્વીકારી શકે એમ નથી. સામે સૌથી મોટી સમસ્યા એ છે કે બંને તરફથી રસ્તો શોધી શકે તેવા કોઈ મજબૂત નેતા મેદાનમાં આવતા નથી. ખનૌરી બોર્ડર પર કાયમી શેડ, વાઇફાઇ, ઠંડીથી બચવા ફુલપ્રૂફ વ્યવસ્થા
કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે સંવાદ થઈ શક્યો નથી. એના કારણે હરિયાણા-પંજાબની ખનૌરી સરહદ ખેડૂતોના આંદોલનનું નવું કેન્દ્ર બની રહી છે. ખેડૂતોએ અહીં કાયમી શેડ બનાવવાનું શરૂ કર્યું છે. ઠંડીથી બચવા માટે લાકડાં એકત્ર કરવામાં આવી રહ્યાં છે. ધાબળા અને અન્ય કપડાં પણ ખેડૂતો સુધી પહોંચી ગયાં છે. અહીં વાઇફાઇ કનેક્શન પણ લગાવવામાં આવી રહ્યાં છે. ખેડૂતોની આગળની 2 વ્યૂહરચના… 1. 24મી ડિસેમ્બરે કેન્ડલ માર્ચ, 30મીએ પંજાબ બંધ
આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કિસાન મઝદૂર મોરચા અને યુનાઈટેડ કિસાન મોરચા 24 ડિસેમ્બરે સાંજે 5:30 કલાકે કેન્ડલ માર્ચ કાઢશે. તેમણે આખા દેશને આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતનેતા જગજીત ડલ્લેવાલના સમર્થનમાં જોડાવા અપીલ કરી છે. આંદોલનના સમર્થનમાં 30મી ડિસેમ્બરે પંજાબ બંધનું એલાન આપવામાં આવ્યું છે. 2. 24મી ડિસેમ્બરે SKM સાથે બેઠક
દિલ્હીમાં ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહેલા યુનાઈટેડ કિસાન મોરચાએ આ આંદોલનમાં સીધો ભાગ લીધો નથી. જોકે તે મદદ કરવા તૈયાર છે. આ અંગે 21મી ડિસેમ્બરે પટિયાલામાં બેઠક યોજાઈ હતી, જેમાં આંદોલનમાં સામેલ નેતા સર્વન પંઢેર ઉપરાંત એસકેએમના દર્શન પાલે પણ ભાગ લીધો હતો. હવે બીજી બેઠક 24મી ડિસેમ્બરે યોજાશે. કોણ છે જગજીત સિંહ ડલ્લેવાલ ડલ્લેવાલની જિંદગી સાથે રાજરમત રમાઈ રહી છે: અમેરિકન ડોક્ટર
23 ડિસેમ્બર, સોમવારે ખનૌરી બોર્ડર પર ખેડૂતનેતા જગજીત દલ્લેવાલના આમરણાંત ઉપવાસને 28 દિવસ થઈ ગયા છે. તેમની તબિયત નાજુક છે. રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી છે. પંજાબી મૂળના અમેરિકન ડોક્ટર સ્વૈમાન સિંહે અને તેની ટીમ ડલ્લેવાલની સંભાળ લઈ રહ્યાં છે. સ્વૈમાન સિંહે કહ્યું, ડલ્લેવાલને ઈન્ફેક્શન લાગવાનો ખતરો છે, જેના કારણે તેઓ રવિવારે આખો દિવસ વિરોધ મંચ પર પણ આવ્યા નહોતા. સ્વૈમાન સિંહે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે જો કોઈ વ્યક્તિએ 26 દિવસ સુધી કંઈ ન ખાધું હોય તો તેની સ્થિતિ સામાન્ય ન હોઈ શકે. આ બધું હોવા છતાં સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડલ્લેવાલની તબિયત સામાન્ય છે. ડલ્લેવાલના જીવનને લઈને રાજનીતિ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે સતત 3 દિવસ સુધી ડલ્લેવાલની સુનાવણી કરી 1. પંજાબ સરકારને સુપ્રીમે કહ્યું- તમારે પરિસ્થિતિને સંભાળવી પડશે
17 ડિસેમ્બરે થયેલી સુનાવણીમાં પંજાબ સરકારે કહ્યું હતું કે ડલ્લેવાલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમની સાથે ભાવનાઓ જોડાયેલી છે. રાજ્યએ કંઈક કરવું જોઈએ. કામમાં ઢીલાશ નહીં ચાલે. તમારે પરિસ્થિતિને સંભાળવી પડશે. ડલ્લેવાલ ખેડૂતોનો ચહેરો છે. તેમની સાથે ખેડૂતોનાં હિત જોડાયેલાં છે. 2. તપાસ કર્યા વગર કયો ડોક્ટર કહે છે કે 70 વર્ષનો માણસ સ્વસ્થ છે?
18 ડિસેમ્બરે પંજાબ સરકારે કહ્યું હતું કે ડલ્લેવાલની તબિયત સારી છે. તેના પર સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે 70 વર્ષીય વ્યક્તિ 24 દિવસથી ભૂખહડતાળ પર છે. ડલ્લેવાલને કોઈપણ ટેસ્ટ કર્યા વિના જ સ્વસ્થ હોવાનું કહેનાર ડોક્ટર કોણ છે? તમે કેવી રીતે કહી શકો કે ડલ્લેવાલની તબિયત સારી છે? જ્યારે તેની તપાસ કરવામાં આવી નહોતી, બ્લડ ટેસ્ટ થયા નહોતા, ઇસીજી કરવામાં આવ્યું નહોતું, તો પછી આપણે કેવી રીતે કહી શકીએ કે તેઓ સ્વસ્થ છે? 3. પંજાબ સરકાર તેમને ટેમ્પરરી હોસ્પિટલમાં કેમ શિફ્ટ કરતી નથી?
19 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ડલ્લેવાલની હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. પંજાબ સરકાર તેમને હોસ્પિટલમાં કેમ શિફ્ટ નથી કરાવતી? આ તેમની જવાબદારી છે. ડલ્લેવાલની તબિયત સારી કરવાની જવાબદારી પંજાબ સરકારની છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે કે કેમ, એ અધિકારીઓ નક્કી કરશે. આગામી સુનાવણી 2 જાન્યુઆરીએ થશે. ખેડૂત સંગઠનોની 13 ડિમાન્ડ 2024ના ખેડૂત આંદોલનમાં ક્યારે શું થયું? ખાલિસ્તાની આંદોલનનો ભય શા માટે?
પંજાબનાં કેટલાંક સંગઠનો પંજાબને ભારતથી અલગ કરીને અલગ ખાલિસ્તાન નામનો દેશ બનાવવા માગણી કરી રહ્યા છે. ખાલિસ્તાનની માગણી સાથે અમેરિકા, કેનેડા જેવા દેશોમાં હિંસા અને દેખાવો થઈ રહ્યા છે, પણ હવે ખાલિસ્તાની મોડ્યૂલ ભારતમાં એક્ટિવ થઈ ગયું છે. યુપીના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં 3 ખાલિસ્તાની આતંકવાદી માર્યા ગયા છે. પીલીભીત પોલીસ અને પંજાબ પોલીસે સોમવારે વહેલી સવારે આ ઓપરેશન હાથ ધર્યું હતું. તમામ આતંકીઓ ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (KZF)ના સભ્યો હતા. 19 ડિસેમ્બરે તેણે પંજાબના ગુરદાસપુર જિલ્લામાં પોલીસચોકી પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આતંકીઓ પાસેથી 2 AK-47 રાઈફલ, 2 Glock પિસ્તોલ અને મોટી માત્રામાં કારતૂસ મળી છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પંજાબના ગુરદાસપુરના રહેવાસી ગુરવિંદર સિંહ, વીરેન્દ્ર સિંહ અને જસપ્રીત સિંહ ઉર્ફે પ્રતાપ સિંહ હતા. પંજાબના ડીજીપીએ કહ્યું છે કે આ ત્રણેયનું પાકિસ્તાનમાં ISI સાથે કનેક્શન હતું. એક તરફ પંજાબમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે આ આંદોલનની આડમાં ખાલિસ્તાનીઓને બળ મળે તો નવાઈ નહીં. હવે તમે પણ તમારી વાત અમારા સુધી નીચેના નંબર પર પહોંચાડી શકો છો. +91 90231 17108 આ વ્હોટ્સએપ પર તમારું નામ અને પ્રોફેશન લખીને તમારું સૂચન મોકલી શકો છો. શક્ય હશે તો એડિટર્સ વ્યૂમાં અમે એની ચર્ચા પણ કરીશું. છેલ્લે, ખેડૂતમુદ્દે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપે એક વીડિયો ટ્વીટ કરીને એ ગણાવ્યું છે કે કોંગ્રેસે ખેડૂતો પર કેટલો અત્યાચાર કર્યો હતો. ગોળીબાર કરાવીને ખેડૂતોની હત્યા કરાવી હતી. બીજી તરફ ખેડૂતો મીડિયા સામે કહી રહ્યા છે કે સંસદની ધક્કામુક્કીમાં ઘાયલ સાંસદોની ખબર પૂછવા ભાજપના ઘણા નેતા જઈ આવ્યા, પણ ડલ્લેવાલની ખબર પૂછવા ભાજપના કોઈ નેતા આવ્યા નથી. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments