back to top
Homeગુજરાતકંડક્ટરે નશો ન કર્યાનો સિટી એન્જિનિયરનો દાવો:રાજકોટ સિટી બસનો કંડક્ટર પીધેલો હોય...

કંડક્ટરે નશો ન કર્યાનો સિટી એન્જિનિયરનો દાવો:રાજકોટ સિટી બસનો કંડક્ટર પીધેલો હોય તેમ દરવાજે ટીંગાયો; પેસેન્જરને કહ્યું- કોઈને ટિકિટ નથી દેવી, RMC વાળાના મમરા ભરી દેવા છે

રાજકોટ સિટી બસ જાણે વિવાદોમાં સપડાયેલી રહેતી હોય તેમ એક પછી એક વિવાદો સામે આવી રહ્યાં છે. હજી ગતરોજ કાલાવડ રોડ પર કણકોટના પાટિયા પાસે બેફિકરાઇથી પસાર થયેલી સિટી બસે ચાલીને જઇ રહેલાં માતા-પુત્રને અડફેટે લીધાં હતાં. જેમાં સાત વર્ષના બાળકનું તેની માતાની નજર સામે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે આજરોજ વધુ એક સિટી બસનો કંડક્ટર નશામાં ધૂત થઈ દરવાજે ટીંગાયો હોવાનો આરોપ લગાવતો વીડિયો પણ સામે આવ્યો છે. રાજકોટની સિટી બસમાં બાબુ પરમાર નામનો કંડક્ટર માધાપરથી આજી ડેમ ચોકડી તરફ જતી 85 નંબરની બસમાં ફરજ પર હતો. ત્યારે પેસેન્જર ટિકિટ માગે તો મશીન બંધ છે કહી દેવાનું તેવું બોલતો હતો. એટલું જ નહીં RMC વાળાના મમરા ભરી દેવા છે, મારે વીમાન જોવું છે કહી ચાલુ બસે દરવાજે લટકાઈ દેકારા કરતો હોવાનું જોવા મળ્યું હતું. જોકે સિટીબસ સેવાનો ચાર્જ સંભાળી રહેલા સિટી એન્જિનિયર પરેશ અઢીયાએ આ અંગે જણાવ્યું હતું કે, તેને માનસિક બીમારી હોવાનું ધ્યાને આવતા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. કંડક્ટર ચિક્કાર દારૂના નશામાં જોવા મળ્યો
વાયરલ વીડિયોમાં દર્શાવ્યા પ્રમાણે માધાપર ચોકડીથી 85 નંબરની સીટી બસ આજી ડેમ ચોકડી તરફ જતી હતી. જેમાં કંડક્ટર તરીકે નોકરી કરતો શખ્સ બાબુ પરમાર ચિક્કાર દારૂના નશામાં જોવા મળતો હતો. કંડક્ટર અન્ય શખ્સ સાથે વાતચીત કરતો હતો કે, આગળ સાહેબનું ચેકિંગ છે, તું બેસી જા. એટલું જ નહીં નશામાં ધૂત કંડક્ટર બફાટ કરતો હતો કે RMC વાળાના મમરા ભરી દેવા છે કહી સાહેબ ગાળો ભાંડી હતી. બારીમાંથી ડોકિયું કરી દેકારો કર્યો
વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે, જુના એરપોર્ટ પાસેથી બસ પસાર થઈ ત્યારે મારે વિમાન જોવું છે, કહી દરવાજે લટક્યો હતો. થોડે આગળ જતા કોઈ મુસાફર નથી ચાલો આજી ડેમ ચાલો આજી ડેમ કહી બારીમાંથી ડોકિયું કરી દેકારો કર્યો હતો. ત્યારે દરવાજો બંધ થઈ જતા તેનું ચપ્પલ પણ ફસાઈ ગયું હતું. મુસાફરોના પૈસા ઓળવી જવા અંગે કહ્યું હતું કે, જેટલા મુસાફરો હોય તેને બેસાડી દેવાના પૈસા લઈ લેવાના અને ટિકિટ માગે તો કહી દેવાનું કે મશીન બંધ છે. કંડક્ટરે નશો ન કર્યાનો સિટી એન્જિનિયરનો દાવો
આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં મનપાનાં સિટી એન્જિનિયર પરેશ અઢીયાએ જણાવ્યું હતું કે, ખરેખર તેણે નશો કર્યો નહોતો, પરંતુ તે માનસિક બીમાર છે. જેના કારણે જ્યારે દવા ન લીધી હોય ત્યારે તે આવું કરતો હતો. જોકે, આ બાબત ધ્યાને આવતા શનિવારે જ બાબુભાઇ પરમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. તેમજ ફરીથી આવું ન બને તેના માટે મનપા કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ અન્ય તમામ કર્મચારીઓનાં મેડિકલ સહિતનાં પગલાં લેવાની ખાતરી પણ તેમણે આપી હતી. નવી ભરતી સમયે આ બાબતની કાળજી રાખવા સૂચન
સિટિબસની બેદરકારી અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં અકસ્માતોની સંખ્યા વધી છે. અકસ્માતો રોકવા માટે તંત્રની સાથે લોકો પણ જાગૃત થાય તે જરૂરી છે. 18 વર્ષથી નીચેના બાળકોને વાલીઓ વાહન ચલાવવા ન આપે તે પણ જરૂરી છે. જ્યારે કંડક્ટર નશાની હાલતમાં હોવા અંગે જણાવતા કહ્યું હતું કે, આ પ્રકારની બેદરકારી ચાલી શકે નહીં, તંત્ર દ્વારા આવા લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ સાથે નવી ભરતી સમયે આ બાબતની કાળજી રાખવા સૂચન કર્યું હતું. કોન્ટ્રાક્ટ એજન્સીને બ્લેક લિસ્ટ કરો- અતુલ રાજાણી
રાજકોટ સીટી બસ અકસ્માત મામલે રાજકારણ ગરમાયુ છે. રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, સિટી બસના ડ્રાઇવર કંડક્ટરનું મેડિકલ ચેકઅપ કરવામાં આવતું નથી. આ બાબતે મેં સીટી બસના મેનેજર સાથે પણ મેં વાત કરી છે. મહાનગરપાલિકામાં જે રીતે ભરતી કરો છો તે નિયમ મુજબ ડ્રાઇવર, કંડક્ટરની ભરતી કરવામાં આવે તે જરૂરી છે. શહેર ભાજપના પ્રમુખ મોટી મોટી વાતો કરે છે ત્રણ મહિનાથી અનેક બનાવો બન્યા છે. કોન્ટ્રાક્ટ એજન્સીને બ્લેક લિસ્ટ કરવી જોઈએ. ગઈકાલે જ સિટી બસની અડફેટે બાળકનું મોત નીપજ્યું હતું
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રેલનગરમાં ચાલુ બસે હાર્ટ-એટેક આવતા અકસ્માતની હારમાળા સર્જી હતી અને નિર્દોષ મહિલાનો ભોગ લીધો હતો. જ્યારે ગઈકાલે બાળકનો ભોગ લીધો હતો, તે અગાઉ સોરઠીયાવાડી સર્કલ પાસે વૃદ્ધનો પગ ચેપી નાખ્યો હતો. ગઈકાલે જ સિટી બસના ચાલકે કણકોટ પાસે અકસ્માત સર્જી માસુમનું મોત નીપજાવ્યું હતું. જોકે, અકસ્માત સર્જનાર સિટી બસચાલક જેવીન દેસાઈને પણ ટર્મીનેટ કરી દેવામાં આવ્યો છે. તેમજ કંડકટર દારૂ પીધેલો હોવાનો વીડિયો સામે આવતા તેને પણ ટર્મીનેટ કરવામાં આવ્યો છે….(આ સમાચાર પણ વાંચો)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments