આપે તાપી નદીના તટે વિદેશી પક્ષીઓને ખવડાવવા આવતા સહેલાણીઓ કે રાહદારીઓને તો જોયા જ હશે, પરંતુ આજે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા વિયર કમ કોઝવે પર સાન્તાક્લોઝ દેખાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. કુતુહલનું મુખ્ય કારણ સાન્તાક્લોઝ સીગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવતો જોવા મળ્યા હતા. આ દૃશ્યો જોઈને પસાર થતાં લોકો અને બાળકો સાન્તાક્લોઝને જોવા માટે ઉભા રહી ગયા હતા. આ સાંતાકલોઝ બીજુ કોઈ નહીં, પરંતુ સુરતના સિનિયર સિટીઝન છે. સામાન્ય રીતે શાળા, કોલેજ કે વિવિધ ઇવેન્ટમાં તમે લોકોને સાન્તાક્લોઝ બની ગિફ્ટ આપતા તો જોયા જ હશે, પરંતુ સુરતના કોઝવે પર જોવા મળેલા સાન્તાક્લોઝ સિનિયર સિટીઝન છે. વિકેન્ડમાં તેઓ ખાસ કરીને તેમણે લીધેલી ક્યાક બોટમાં કોઝવે ખાતે તાપી કિનારે લટાર મારવા નીકળે છે. મર્ચન્ટ નેવીમાં હેલસ મેન તરીકે નોકરી કરતા
રાંદેર વિસ્તારમાં રહેતા 66 વર્ષના સિનિયર સિટીઝન એવા અશોકભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું પહેલા મર્ચન્ટ નેવીમાં સ્ટીમર ચલાવતો હતો. ત્યારબાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્વિમિંગ કોચ તરીકે સેવા આપતો હતો. હાલ રિટાયર્ડ છું. હું વિદેશ ગયો ત્યારે બધું જોતો હતો અને તેનું જોઈને મેં બેંગલોરથી 50,000ની બોટ મંગાવી હતી. હું તાપી નદીમાં મારી બોટલ લઈને ફરું છું. ગતવર્ષે મને વિચાર આવ્યો કે, લોકોમાં સાન્તાક્લોઝને લઈને ખૂબ જ આકર્ષણ હોય છે, ત્યારે મેં મારી બોટમાં સાન્તાક્લોઝમાં ફરવાનું શરૂ કર્યું હતું, ત્યારે મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. લોકો મને જોવા આવે છે તેનો મને આનંદ છે
હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ કે ક્રિસમસને હજી એક સપ્તાહ જેટલો સમય બાકી હોય તે પહેલાથી જ હું શાંતાના પહેરવેશમાં મારી બોટમાં ફરતો હોઉં છું અને લોકો મને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. લોકોને ખાસ કરીને બાળકોને આનંદ મળે તેના માટે જ હું આ પરિવેશમાં તાપી નદીના કિનારે ફરતો હોઉં છું. કોઝવે ઉપર શનિવાર અને રવિવારે સાંજે ખૂબ મોટી સંખ્યામાં લોકો મને જોવા માટે આવતા હોય છે અને આનંદ અનુભવતા હોય છે. આ બીજું વર્ષ છે કે હું આ રીતે સાંતાના પરી વેશમાં ફરી રહ્યો છું. સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં તાપી નદી કિનારે અને કોઝવે ઉપર લોકો વિદેશી પક્ષીઓને જોવા માટે આવતા હોય છે. પરંતુ પક્ષીઓની સાથેસાથે હવે લોકો સાન્તાક્લોઝને જોવા આવે છે. એટલે કે મને જોવા આવે છે, એનો મને આનંદ થાય છે.