ગુજરાતના 6000 કરોડ રૂપિયાના BZ કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે હવે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી ફગાવતા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ અંગે ગાંધીનગર CID ક્રાઈમની ટીમ FIR નોંધવામાં આવી હતી. જેના પગલે ભૂપેન્દ્રના તમામ ખાતા સીઝ કરવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર 1 કરોડ રૂપિયા જ નીકળ્યા. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાએ શરૂ કરેલી શાળામાં આદિજાતિ વિદ્યાર્થીઓની ગ્રાન્ટના 75 લાખ પણ તફડાવી લીધા હતા. શાળાના રીનોવેશનના નામે લોન લઈને તે રકમ પણ પચાવી પાડી હતી. પોતાના ડ્રાઇવરના નામે પણ 90 લાખના વ્યવહારો ખુલ્યા છે. હાઇકોર્ટે બંને પક્ષકારોની દલિલો સાંભળીને અરજદારે કરેલી આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી. CID મુજબ Bzમાં આશરે 6 હજાર કરોડનું રોકાણ
6000 કરોડના ભાગેડું ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે નકારી દેતાં હવે તે હાઈકોર્ટ પહોંચ્યો હતો. તેના વકીલે જણાવ્યું હતું કે, રોકાણકારોને પૈસા ચૂકવવામાં ડિફોલ્ટ થયા વગર કે કોઈ રોકાણકારની ફરિયાદ વગર જ તેની સામે CID ક્રાઇમે જાતે ફરિયાદ નોંધી હતી. એક અજ્ઞાત અરજીના આધારે તેની સામે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. આ ફરિયાદ મુજબ ભુપેન્દ્ર ઝાલાએ Bz ગ્રુપ બનાવી તેના CEO તરીકે લોકો પાસેથી રોકાણ ચાલુ કરાવ્યું હતું અને ઉત્તર ગુજરાતમાં ઓફિસો ખોલી હતી. લોકોને ઊંચા વળતર અને ગીફ્ટની લાલચો આપી હતી. રોકાણકારને લેખિતમાં 7 ટકા અને મૌખિક 18 ટકા વ્યાજ આપવાનો વાયદો કરાતો હતો. CID મુજબ Bzમાં આશરે 6 હજાર કરોડનું રોકાણ થયેલું છે. આ અરજી ટકવા પાત્ર નથી- કોર્ટ
Bzના ખાતાઓની તપાસમાં કરોડોના વ્યવહાર મળ્યા છે, જે શંકાસ્પદ છે. BZ હસ્તક અલગ અલગ કંપનીઓ ખોલી કોઈ પરવાનગી વગર ડિપોઝિટ ઉઘરાવી ચીટ ફંડ ગોટાળો કરાયો છે. સાથે ભૂપેન્દ્ર ઝાલા પર ભાગી ગયાનો આક્ષેપ પણ કરાયો હતો. જે અંતર્ગત GPID-ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્ટરેસ્ટ ડિપોઝીટર્સ એક્ટની કલમ લાગી છે. તેની સ્પેશિયલ કોર્ટમાં અરજી કરતા કોર્ટે કહ્યું હતું કે, આ અરજી ટકવા પાત્ર નથી. ડિપોઝિટ સ્કીમનું કોઈ રજિસ્ટ્રેશન નથી, પરંતુ ઉપરોક્ત આક્ષેપો વચ્ચે જો અરજદાર ડીફોલ્ટ જ નથી થયો તો GPID એક્ટ શેનો લાગે ? શંકાના આધારે કલમો લગાવવાની?. એકાઉન્ટ ડી-ફ્રીઝ કરાય તો રૂપિયાની ચુકવણી ફરી શરૂ કરે
અરજદારના વકીલે દલીલ કરતા કહ્યું હતું કે, ભૂપેન્દ્ર ઝલાના બેંક એકાઉન્ટ પણ ફ્રીઝ કરી દેવાયા છે. હવે લોકોને પૈસા ના અપાય તો ડીફોલ્ટ જ થવાય ને! હવે GPID પણ લગાવવામાં આવે! દરેક મહિના પહેલા અઠવાડિયામાં રોકાણકારોને પેમેન્ટ થઈ જતું હતું. જો ભૂપેન્દ્ર ઝાલાના એકાઉન્ટ ડી-ફ્રીઝ કરાય તો તે બધાને રૂપિયાની ચુકવણી ફરી શરૂ કરે. વળી BUDZ-Banning Unregulated Deposit Scheme Act અંતર્ગત પણ કાર્યવાહી કરાઈ રહી છે. જો રોકાણકાર સાથે એગ્રીમેન્ટમાં જ 7% વળતર આપવાની વાત હોય તો મૌખિક 18%ની વાતનું કોઈ વજુદ રહેતું નથી. આવી વાતો કાનૂની રીતે જ માન્ય રહેતી નથી. ભૂપેન્દ્ર ઝાલાના ખાતામાં માત્ર 1 કરોડ નીકળ્યા
સામે સરકારી વકીલે આરોપીને જામીન ન આપવા વિરુદ્ધ દલીલો કરી હતી કે, તે વર્ષ 2022થી ડિફોલ્ટ છે. તેને કરોડો રૂપિયા લોકોને ચૂકવવાના બાકી છે. 360 કરોડ રૂપિયા આરોપીના 24 ખાતામાં ક્રેડિટ થયા હતા. અત્યારે જ્યારે તેના ખાતા ફ્રીઝ છે, ત્યારે તેમાં માત્ર 01 કરોડ રૂપિયા જ છે. તે કોઈને પૈસા પાછા આપી શકે તેમ નથી. આ સઘળુ કામકાજ કોઈ રજિસ્ટ્રેશન વગર બધું ચાલતું હતું. કોઈ લાયસન્સ મેળવ્યા વગર આરોપી ડિપોઝિટ સ્વીકારતા હતા. ‘ડિફોલ્ટ માટે પણ મહત્તમ 10 વર્ષથી સજાની જોગવાઈ’
જ્યારે અરજદારના વકીલે જણાવ્યું હતું કે, ડિપોઝિટ સ્વીકારવાની મંજૂરી લીધી ન હોય તો પણ વધુમાં વધુ સાત વર્ષની સજાની કાયદા મુજબ જોગવાઈ છે. BUDZ એક્ટમાં ડિફોલ્ટ માટે પણ મહત્તમ 10 વર્ષથી સજાની જોગવાઈ છે. ફરિયાદમાં જ કહેવાયું છે કે, અરજદારે કોઈના પૈસા લઈ નથી લીધા જો તેને બીટ કોઈનમાં પણ ઇન્વેસ્ટ કર્યા હોય તો પણ કોઈએ તેને તેમ ન કરવા કહ્યું નથી. અરજદાર પાસે તમામ રોકાણકારોની માહિતી છે અને તે તમામને પૈસા પાછા આપી દેવામાં આવશે. અરજદાર કોઈ ગેંગસ્ટર નથી, તે શાળા કોલેજો ચલાવે છે. ગુનાહિત વૃત્તિ ધરાવતો હોવાનું છતું થાય- સરકારી વકીલ
સરકારી વકીલે શાળા કોલેજના દલીલ અંગે જણાવ્યું હતું કે, તે એક શાળા ચલાવતો હતો તેના 70-80 જેટલા નોકરિયાતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીને ઉપાડી લેતો હોવાના કર્મચારીઓના નિવેદન લેવાયાં છે. 100 જેટલા પીડિત રોકાણકારોના પણ નિવેદન લેવાયા છે. આ પૈસા લઈ એક બિઝનેસમેનને પકડતો અને કાયદાકીય આંટીઘૂંટીમાથી પૈસા વ્હાઈટ કરી લેતો, આ સમગ્ર મોડસ ઓપરેન્ડીની તપાસ ચાલુ છે. CID ક્રાઇમને BZ ઉપર તપાસ કરવા ગૃહ વિભાગ તરફથી અરજી મળી હતી. CID ક્રાઇમે કેસની શરૂઆતમાં જ તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો, પરંતુ તે આવ્યો નહોતો. આમ તે ગુનાહિત વૃત્તિ ધરાવતો હોવાનું છત્તું થાય છે. રોકાણકારોના રૂપિયાથી કરોડોની ગાડી ખરીદી
BZના માત્ર એક બ્રાન્ચના ચોપડામાંથી 52 કરોડના વ્યવહારો મળ્યા છે. વળી જો રોકાણકાર સમય કરતા પહેલા પૈસા ઉપાડે તો 10 ટકા ચાર્જ કાપી લેવાતો હતો. તેને કેટલાક લોકોને જ પૈસા પાછા આપ્યા છે. BZ હસ્તક 9 અલગ અલગ સંસ્થાઓ બનાવી 20થી વધુ બેંક ખાતા ખોલ્યા હતાં. જેમાં Bz ફાયનાન્સ સર્વિસ સિવાય કોઈનું રજીસ્ટ્રેશન હતું નહિ, ભોગ બનનારા લોકોના આંકડા વધી રહ્યા છે. અત્યારે જે વ્યવહારો મળી રહ્યા છે તેનો આંકડો 10 ગણો વધુ હોઈ શકે. તેને રોકાણકારોના રૂપિયાથી કરોડો રૂપિયાની ગાડીઓ ખરીદી હતી. હાઈકોર્ટે ભૂપેન્દ્રની જામીન અરજી ફગાવી
હદ તો એ છે કે, ભૂપેન્દ્ર ઝાલાએ શરૂ કરેલી શાળામાં આદિજાતિ વિદ્યાર્થીઓની ગ્રાન્ટના 75 લાખ પણ તફડાવી લીધા હતા. શાળાના રીનોવેશનના નામે લોન લઈને તેને પણ પચાવી પાડી હતી. અત્યાર સુધીની તપાસ હિમશિલાના ટોચ બરાબર છે, ગુજરાતના ઇતિહાસનું આ એક મોટુ કૌભાંડ છે. તેને પોતાના ડ્રાઇવરના નામે 90 લાખના વ્યવહારો કરેલા છે, જુદી-જુદી મિલકતો ખરીદી છે. તેની પોલીસ કસ્ટડીની જરૂર છે. હાઇકોર્ટે બંને પક્ષકારોની દલિતો સાંભળીને અરજદારને આગોતરા જામીન આપવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી હતી.