અમદાવાદ ખાતે 22મા વિસરાતી વાનગીઓના સાત્ત્વિક મહોત્સવનું તા. 28થી 31 ડિસેમ્બર દરમિયાન, સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે સવારે 11થી રાતે 9 વાગ્યા સુધી આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસરાતી વાનગીઓના મહોત્સવમાં આ વર્ષે ગરમ વાનગીના કુલ 60 સ્ટોલ છે, જેમાં 400થી પણ વધારે પારંપરિક વાનગીઓ પીરસવામાં આવશે. આ વર્ષે સાત્વિક ફૂડ ફેસ્ટિવલની વિશિષ્ટતા એ છે કે, દરેક સ્ટોલમાં બે વાનગીઓ મિલેટ્સમાંથી બનાવવામાં આવેલ હશે. તમામ સાત્વિક અને પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ આવનાર લોકો માણી શકાશે. આ મહોત્સવનો ઉદ્દેશ વિસરાતા જતા અપ્રચલિત અનાજ અને વિસરાતી જતી આપણી પારંપરિક વાનગીઓને લોકો સુધી પહોંચાડીને ફરી એકવાર પ્રચલિત બનાવવાનો છે. ગૃહિણીઓ અને ગામડાના ખેડૂતોને સ્ટોલ આપવામાં આવ્યા
સૃષ્ટિના સંચાલક રમેશ પટેલે જણાવ્યું હતું કે, આ ફેસ્ટિવલમાં કોઈ મોટા કેટરર્સ કે વ્યવસાયિક હોટલવાળાને સ્ટોલ આપવામાં આવ્યા નથી પરંતુ, ગૃહિણીઓ અને ગામડાના ખેડૂતોને સ્ટોલ આપવામાં આવ્યા છે. આ વર્ષે સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાનાર સાત્વિક મહોત્સવમાં જૈવિક ખેતી કરતા 100 જેટલા ખેડૂતો ઉત્પાદનનું વેચાણ કરશે. સાત્વિક ફૂડ ફેસ્ટિવલે છેલ્લા 22 વર્ષથી ગામડાના ગરીબ લોકોના સમૃદ્ધ આહાર વારસાને વાચા આપે છે. શહેરના લોકો પાસે પૈસા ભલે હોય પરંતુ, તેમાં આહારની વિવિધતા નથી. જ્યારે ગામડાના લોકો પાસે પૈસા નથી પરંતુ, તેમનો ખોરાક સમૃદ્ધ છે! આહાર વિવિધતા, જૈવ વિવિધતાની ઉજવણીનો આ મહોત્સવ છે. અહીં ગરમ વાનગીઓના સ્ટોલમાં મેંદો, ચીઝ, પનીર, સોડા, કોઈપણ પ્રકારના ફૂડ પ્રિઝર્વેટીવ, માયોનીઝ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો નથી. સંપૂર્ણ સાત્વિક પદાર્થો વડે વાનગીઓ બને તે માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો માટે અનેક રચનાત્મક પ્રવૃતિઓનું આયોજન
આગામી 28થી 31 ડિસેમ્બર દરમિયાન સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાનાર સાત્વિક મહોત્સવમાં બાળકો માટે અનેક રચનાત્મક પ્રવૃતિઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વિવિધ ક્રાફટ, સુથારીકામ, ઝાડુ બનાવવું, પેપર વર્ક, ચિત્રકામ, ગીત સંગીત, કુંભારી કામ, દેશી રમતો, સાપ સીડી, ક્વિઝ, ઈનોવેશન પ્રદર્શન, બાળકોના મૌલિક વિચારોની હરીફાઈ જેવી અનેક પ્રવૃતિઓનું આયોજન હાથ ધર્યું છે. મહેમાનોને નીચેની વાનગીઓનો સ્વાદ માણવા મળશે
લીલી હળદરનું શાક, પાંચ ધાન્યનો રોટલો, સાત ધાન્યનો ખીચડો, ખજૂરનું શાક, લીલા ચણાનું શાક, રીંગણનો ઓળો અને બાજરી, મકાઈ, જુવારના રોટલા, ટુકડ કઢી, પાનકી, લીટી ચોખા, થાળી પીઠ, રતાળુ પેટીસ, સોયાબિલ ચા, સુરતી ઉંબાડિયું, ખજૂર અંજીરની વેઢમી, જુવાર પાંખની ટિક્કી, બાજરા નો ખીચડી, સરગવાનો સૂપ, મકાઈની રાબ, કેળા અને ઓટ ની બ્રાઉની, મહુડાના લાડુ, નારિયેળની રબડી, મિલેટ માલપુઆ, ચાપડી તાવો, રસાવાળા મુઠીયા, રાગીના ગુલાબ જાંબુ, રાગીની ઇડલી, ઉંબાડિયું, કુંવારપાઠાના ફૂલનું શાક, ઉમરના ફળનું શાક, ડાંગી થાળી, રાગી લાડુ, રાગીની ટિક્કી ચાટ , મોરિયાના દહીંવડા, ચિલની ભાજીના પરોઠા, રાજગરાની સુખડી, પાલકની જલેબી, શીંગોડા ચાટ, આવી અનેક વાનગીઓ ફુડ ફેસ્ટિવલમાં મળી રહેશે. સાત્વિક ફૂડ ફેસ્ટિવલ પૂર્વે વિશેષ હરીફાઈનું આયોજન
દર વર્ષે પ્રાથમિક ફૂડ ફેસ્ટિવલ પૂર્વે સૃષ્ટિ સંસ્થા દ્વારા વિસરાતી વાનગીઓની વિશિષ્ટ હરીફાઈનું આયોજન હાથ ધરવામાં આવે છે. આ વખતે પણ આ હરીફાઈનું આયોજન કરાયું હતું જેમાં 60 લોકોએ ભાગ લીધો હતો, જેમણે બાજરીનો હલવો, બાજરી અને સરગવાની સિંગમાંથી કબાબ, સરગવાના ફૂલમાંથી જ્યુસ, રાગી કેળામાંથી ડાર્ક ચોકલેટ, કપુરીયા ખીચિયા, બાજરીની ખીચડી, જુવારના મુઠીયા, રાગીના લાડુ, બાજરી જુવારનો ખીચડો, રવૈયા લીલી ડુંગળીનું શાક, દેશી કાવો, લીલી હળદરનું શાક, ખજૂરનું શાક, રાગી ગાજરનો હલવો, મખાનામાંથી લાડુ, વિવિધ જાતની ઘેંશ, મૂંગડો, ગુંદાની સુખડી, થેગની ઘેંશ, કોઠંબાની કાચરી, જુવાર કેક વિથ શંખપુષ્પી, રબડી, રાગીની ખાંડવી, મીલેટ મંગલમ સિઝલર, જુવાર કોદરી વેજ, રાગી મનચુરીયન, કોદરી બાજરીનો કબાબ, જુવાર રાગીના વડા, થાલીપીઠ, આથેલો ગુંદર પાક, દાલમા, ઝુલખા ભાખર, રાગીની સુખડી, કઢી ખીચડી, કોદો મિલેટ, ઢોકળા રાગી ની સ્મુધી, ગુલાબના લાડુ, કાચનારના ફૂલ નું શાક, લીલા ચણાની મીઠાઈ, જાસુદ પાક, કોદરીના ઢોકળા, લીલા પાંખનું જાદરિયું, આંબલીના પાનની ચટણી, લીલી હળદર ભાખરી, તુરીયાના છાલની ચટણી, આમળાના પેઠા, મેથીની બરફી જેવી વાનગીઓ રજૂ થઈ હતી. આ સ્પર્ધાને અંતે પાંચ વિજેતાઓ પણ જાહેર કરવામાં આવ્યા હતા 1) હાર્દિક કુમાર ભટ્ટ વાનગી: કાંચનારના ફૂલનું શાક, વેજીટેબલ બાજરીની ઢોકળી 2) નીના નરેશ દેસાઈ વાનગી: દેશી ચણાના લાડુ, વરિયાળી અને મગજતરીના બીજની ચીકી રાગી બીલીપત્ર અને તુલસી સુખડી, 3) બંસી ઠાકર વાનગી: કોચિયા, મગના વાનવા, મિઠા જળ, ટીખટ, તુજુકી ડીપ પ્રોત્સાહક વિજેતા 1) જસવંતભાઈ પ્રજાપતિ વાનગી: ખાંડ વગરની ચા, શેરડીની ગેનરી ચા 2) વિભા યાપેનારિયા વાનગી: રાગી અખરોટ અને ખજૂરની બરફી, ગ્લુટેન ફ્રી મોમોજ, ગ્લુટન ફ્રી ડમપ્લિગ