નાતાલના મિની વેકેશનના પગલે ગિરનાર પર્વત અને ભવનાથ ક્ષેત્રમાં પ્રવાસીઓ ઊમટ્યા છે. જૂનાગઢ પ્રવાસનક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. ગિરનાર પ્રવાસનનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. રોપ-વે બન્યા બાદ ગિરનાર પર્વત સર કરનાર પ્રવાસીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાત જ નહીં, પણ દેશભરમાંથી પ્રવાસીઓ ગિરનારમાં પ્રકૃતિની મજા માણવા આવી પહોચ્યાં છે. અંબાજી-ગુરુ દત્તાત્રેયમાં હાલ પગ મૂકવાની જગ્યા નથી. કડકડતી ઠંડી વચ્ચે પ્રવાસીઓએ પ્રકૃતિનો આનંદ માણ્યો
આ વર્ષે ગિરનાર પર્વત પર પ્રવાસીઓ બહોળી સંખ્યામાં મા અંબા અને ભગવાન દત્તાત્રેયનાં દર્શન કરવા પહોંચ્યા હતા. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે વાદળ અને ભેજભર્યા વાતાવરણમાં પ્રવાસીઓએ પ્રકૃતિનો આનંદ માણ્યો હતો. ગિરનાર પર્વત પર આવતા યાત્રિકો રોપ-વે ઉપરાંત સીડી મારફત પર ગિરનાર પર્વત ચડવાનું પસંદ કરે છે. વર્ષનું છેલ્લું અઠવાડિયું અને ક્રિસમસની રજાઓને પગલે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. રોપ-વે મારફત ગિરનાર જનારા યાત્રાળુની સંખ્યામાં પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. સાસણ અને દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓથી ઊભરાયા હતા. જૂનાગઢ શહેરના સક્કરબાગ, ઉપરકોટનો કિલ્લો, મોહબ્બત મકબરો, વિલિંગ્ડન ડેમ, દાતાર પર્વત પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. 25 ડિસેમ્બર નાતાલ પર્વ નિમિત્તે જૂનાગઢના ગિરનાર પર્વત પર દર વર્ષે હજારોની સંખ્યામાં યાત્રિકો આવે છે, જેમાંના મોટા ભાગના યાત્રિકો સીડી મારફત ગિરનાર પર્વત પર ચડીને અંબાજી અને દત્તાત્રેય સુધી જાય છે, જોકે હવે રોપ-વે હોવાથી કેટલાય પ્રવાસીઓ રોપ-વેની પણ મજા માણે છે. ગિરનાર પર્વતના વાતાવરણનું વર્ણન કરવું અઘરું છેઃ પ્રવાસી
હૈદરાબાદથી ગિરનાર આવેલા પ્રવાસી પ્રવીણે જણાવ્યું હતું કે અમે અહીં ગુજરાત ફરવા માટે આવ્યા છીએ. આજે અમે ગિરનાર પર્વત પર મા અંબા અને ભગવાન દત્તાત્રેયનાં દર્શન કરવા માટે આવ્યા છીએ. અહીં વારંવાર આવવું સૌને પસંદ છે, કારણ કે અહીં જે વાતાવરણ છે એ ખૂબ જ રમણીય અને સુંદર છે. અમે અહીં એક દિવસ વધુ રોકાઈશું. અહીં પ્રકૃતિનો પૂરો આનંદ માણીશું. ગિરનાર પર્વત પરના વાતાવરણનું વર્ણન કરવું અઘરું છે. આ વાતાવરણનો અનુભવ જ શ્રેષ્ઠ છે. ગિરનાર ચડતાં પરમેશ્વર અને પ્રકૃતિનો અલૌકિક અનુભવ થાય છેઃ પ્રવાસી
શીલથી ગિરનાર ચડવા આવેલા મિતેશ માંડલિયાએ જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ છ વર્ષથી અમારું ગ્રુપ દર વર્ષે આ સમયે ગિરનારમાં આવે છે. ગિરનાર પર્વત પરનું વાતાવરણ અલૌકિક છે. 25 ડિસેમ્બરના નાતાલની રજા હોવાના કારણે લોકો અહીં બહોળી સંખ્યામાં આવે છે અને ગિરનાર ચડી મા અંબા, ભગવાન દત્તાત્રેયનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે તેમજ ગિરનાર ચડતાં પરમેશ્વર અને પ્રકૃતિનો અલૌકિક અનુભવ થાય છે. ઘણાં ગ્રુપ આ પ્રકૃતિનો આનંદ માણવા દર વર્ષે અહીં આવે છે. અમારા ગ્રુપ સાથે આનંદ માણવા ગિરનાર પર આવ્યા છીએઃ પ્રવાસી
અજય વાજાએ જણાવ્યું હતું કે નાતાલની રજા હોવાના કારણે અમે અમારા ગ્રુપ સાથે આનંદ માણવા ગિરનાર પર આવ્યા છીએ. અહીંના વાતાવરણનો લહાવો કંઈક અલગ જ છે. છેલ્લાં પાંચ વર્ષથી નાતાલના દિવસોમાં અમે અમારા ગ્રુપ સાથે આવીએ છીએ. અહીં પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય જોવા મળે છે. ગિરનાર પર્વત પર સર્જાયેલા અદ્ભુત નજારાની તસવીરો જુઓ…