અમદાવાદના એસ. જી. હાઇવે પરના ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇનવોશથી દીકરી ભાગી ગઈ હોવાના આક્ષેપો સાથે પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કરી છે. છેલ્લા 6 માસથી ગુમ થયેલી દીકરીની ભાળ મેળવવા પિતાએ કરેલી અરજીને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરવા આદેશ કર્યો હતો, જોકે આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે ગુમ થયેલી દીકરી તેના પતિ સાથે સામે આવી છે. તેણે વીડિયો સંદેશ દ્વારા પેરેન્ટ્સ દ્વારા પટ્ટાથી ફટકારવામાં આવતી હોવા સહિતના અન્ય ગંભીર આક્ષેપો કર્યા છે. તેમજ એક ઓડિયોમાં સેક્સ્યુઅલ હેરસમેન્ટ કર્યું હોવાનો પણ આક્ષેપ કરી રહી છે. વીડિયોમાં દીકરી જણાવી રહી છે કે…. મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને હું આ લગ્નથી ખૂબ જ ખુશ છું. 27 તારીખે હું મારી મરજીથી ઘરેથી નીકળી હતી. મારા પેરેન્ટ્સે જે ફરિયાદ કરી હતી કે હું કંઈક લઈને ભાગી છું, પરંતુ હું ફ્લાઇટમાં આવી છું તો તમે ચેકિંગ કરી શકો છો કે હું શું-શું લઈને આવી હતી. તેમણે મને ખૂબ જ વધુ મારી હતી અને હેલ્પને કારણે હું મારા ફ્રેન્ડના ઘરે ચાલી ગઈ હતી, પરંતુ તેઓ કોઈપણ રીતે મને પાછી લાવ્યા હતા અને પાછી લાવ્યા બાદ સેમ બાબતો શરૂ થઈ ગઈ હતી કે તને મારીશું, જબરદસ્તી લગ્ન કરાવી દઈશું, કારણ કે અમે પેરેન્ટ્સ છીએ તો કંઈપણ કરી શકીએ છીએ. મારી જિંદગી ખરાબ કરી દીધી છે, એટલે મારે ત્યાંથી નીકળી જવું પડ્યું. આ લગ્નથી હું ખૂબ જ ખુશ છું અને મારા પાર્ટનર ખૂબ સારા છે અને મને સપોર્ટ પણ કરે છે, પરંતુ મારા પેરેન્ટ્સ આ બાબતો સ્વીકારી શકતા નથી એટલે કોઈપણ રીતે હેરાન કરવા માટે ખોટી ખોટી ફરિયાદો કરી રહ્યા છે. મારી પાસે તેમની ધમકીનાં રેકોર્ડિંગ્સ છે. હું મારી જિંદગીમાં ખૂબ ખુશ છું. મારી એટલી જ વિનંતી છે કે હું કોઈને પરેશાન કરવા માગતી નથી, પરંતુ વિનાકારણે જો મને કોઈ પરેશાન કરવા માગે તો ફરિયાદ હું પણ કરી શકું છું. મેં ફરિયાદ કરી નથી. મારા પેરેન્ટ્સ મને ધમકીઓ આપે છે અને કહે છે કે પાછી આવી જા, તને જીવતી સળગાવી દઈશું. તું જાણતી નથી અમારી પહોંચ ક્યાં સુધી છે. ગોળી મારી દઈશ. મારા પિતા પાસે બંદૂક છે. મારી એટલી વિનંતી છે કે હું તેમને મળવા નથી માગતી અને તેમની સાથે વાત પણ કરવી નથી. હું તેમને જોવા પણ માગતી નથી. મારે મારી જિંદગીમાં ખુશ રહેવું છે, તેઓ પણ ખુશ રહે. મને પણ પરેશાન ન કરે. પ્લીઝ, મને જીવવા દો, કારણ કે આ પહેલાં તો મારી જિંદગી મારા પેરેન્ટ્સે નરક જેવી કરી દીધી હતી. પેરેન્ટ્સ તરીકે કોઈ બાળકને ગાળો દેવી, મેન્ટલી ટોર્ચર કરવું કે બેલ્ટ, વાઇપરથી ફટકારવું એની કાયદો છૂટ આપતો નથી. ઘણાને ખબર નથી કે ઘરમાં મારી સાથે કેવો વ્યવહાર કરવામાં આવતો હતો. પ્લીઝ… વિનંતી કરું છું કે મને હેરાન ન કરો અને વારંવાર મને કોલ ન કરવામાં આંવે કે તમારે અહીં આવવું પડશે કે પછી મારા પેરેન્ટ્સ ધમકી આપી રહ્યા છે કે તને ઢસડીને લઈ આવીશું. મને પરેશાન ન કરવામાં આવે. હું મારી જિંદગી સારી રીતે જીવી રહી છું. આભાર… આ લોકોને ઈસ્કોન સાથે કોઈ લેવાદેવા નથીઃ હરેશ ગોવિંદ દાસ
આ વિવાદ મુદ્દે ઇસ્કોન મંદિરના હરેશ ગોવિંદ દાસે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે ગઈકાલે (24 ડિસેમ્બર) જ્યારે મીડિયા માધ્યમોમાં વાત આવી ત્યારે મને ખબર પડી કે આવો કોઈ વિવાદ થયો છે. ખરેખર જે વાત છે અને જે લોકો સામે આક્ષેપ કરવામાં આવે છે એમાં ઇસ્કોન સંસ્થાને કોઈ લેવાદેવા નથી. તે લોકો ઇસ્કોન સાથે જોડાયેલા પણ નથી. આ સમગ્ર મામલે જે આક્ષેપ થઈ રહ્યો છે એ સંદર્ભે પોલીસ અથવા કોઈપણ અમારી પાસે આવશે તો અમે તેને દરેક બાબતે મદદ કરીશું અને તપાસમાં સાથ આપીશું. ખરેખર આ લોકો ઇસ્કોન સાથે સીધા સંપર્કમાં નથી અથવા જોડાયેલા નથી. જે લોકોનાં નામ સામે આક્ષેપ કરવામાં આવે છે તે લોકો ઇસ્કોન સાથે કનેક્ટ નથી. આ પણ વાંચો….. ઇસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના બ્રેઇનવોશના આક્ષેપ સાથે નિવૃત્ત આર્મીમેનની HCમાં હેબિયસ કૉર્પસ દાખલ નવી સંસ્થાઓ શરૂ કરી દીકરીઓનું બ્રેઇનવોશ કરે છે: યુવતીના પિતા
આ અંગે દીકરીના પિતા અને નિવૃત્ત આર્મીમેને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઇસ્કોનમાં 600 દીકરીઓ છે આવી. ઇસ્કોનના કૃષ્ણબંધુ કરીને ગ્રૂપ છે. સુંદર મામા કરીને એક ગુરુ કર્યા છે. તે પોતાને કૃષ્ણ ભગવાન માને છે અને અત્યારે તે માયાપુર છે અને દીકરીઓ બધી ત્યાં છે. આ બધું ઇસ્કોન સાથે જોડાયેલ છે. તેમની એક નવી સંસ્થા સુરેન્દ્રનગરમાં શરૂ કરી છે. આ સંસ્થા મુરલી મનોહર પ્રભુ અને તેનો દીકરો ચલાવે છે. વિવિધ જગ્યાએ નવી સંસ્થાઓ શરૂ કરી દીકરીઓનું બ્રેઇનવોશ કરે છે. દીકરીઓને બધું કહે ભક્તિ છે અને કૃષ્ણ ભગવાન છે અને હું કહું છું કે કૃષ્ણ ભગવાન પણ કૃષ્ણ ભગવાનની આડમાં આ બધા ગોરખધંધા ચાલે છે. મારી દીકરી ક્યારેય નાચતી નહીં પણ હવે સ્ટેજ પર દીકરી નાચે છે. વીડિયો બનાવી બનાવીને મને સમાજમાં નીચું દેખાડવા કરે છે. એ બધા મુરલી મનોહર, સુંદર મામા, નારદમુનિ એનો દીકરો છે. માધવાસ રોકબેન્ડ છે. તે વૃંદાવનમાં છે અને પૈસાવાળો અને માથા ભારે છે. એક સરદારજી છે. આ બધાનું 8-10નું ગ્રૂપ છે. તેમણે દીકરીઓને ખેંચવાની અને ઇસ્કોનના છોકરાઓ સાથે લગ્ન કરાવવાના એનો ધંધો કરી દીધો છે. સામા વાળા પાસેથી ફંડ લે. ભક્તિભાવ તો આડંબર છે, બાકી દીકરીઓને ખેંચવાનો પ્રોગ્રામ બનાવેલો છે. ‘સુંદર મામા ઘરે આવ્યા અને અમારી દીકરીને ઇસ્કોનમાં જોડી’
‘આજથી બે-ત્રણ વર્ષ પહેલા અમારા ઘેર ઇસ્કોનના સુંદર મામા આવ્યા હતા. ઓનલાઇન પણ મારી દીકરીને જોડી. અમને તો ખબર પણ નહોતી. તેમણે કહ્યું કે તમારી દીકરી ખૂબ સુંદર છે. ઇસ્કોનમાં જોડાઈને ભક્તિ કરે તેમાં કોઈ તકલીફ નથી એટલે અમે કહ્યું કે, ભક્તિ કરે એમાં વાંધો નહીં. 4-6 છોકરી, સુંદર મામા અને બે ત્રણ છોકરા ભેગા થઈને અમારા ઘરે આવ્યા હતા અને ઇસ્કોનમાં જોડાયા. ઇસ્કોનમાં જોડાયા પછી ધીરે ધીરે આવતા જતા હતા. છોકરીને એટલું પ્રેશર કરતા કે એ કહે એટલું જ કરે. તેનું બ્રેઇન વોશ કર્યું કે શું કર્યું દરેક બાબતની જીદ્દ કરવા માંડી, બધામાં એમની તરફેણ કરે. પછી માંડલપુર જવું છે કહ્યું અને 35000ની ડિમાન્ડ કરતા. ઇસ્કોનના પ્રોગ્રામમાં બોલાવતા અને અમારી પાસેથી પૈસા લેતા હતા.’ ‘કૃષ્ણ ભગવાનના ગ્રુપે મને મારીને ભગાડી દીધો ’
‘તમે વૃંદાવનમાં જઈને જુઓ તો ખબર પડે. 75 ટકા વિદેશની દીકરીઓ ઇન્ડિયાના ઇસ્કોન વાળા સાથે લગ્ન કરીને બેઠી છે. હું વૃંદાવન ગયો હતો અને મારી મિટિંગ કરાવી કહ્યું હતું કે, તમારી દીકરી તમને પરત મળી જશે ચિંતા ના કરતા. સવારે હું ધર્મગુરુને મળવા ગયો, લોકનાથ સ્વામીને હાથ જોડી કહ્યું મારી દીકરી? કૃષ્ણ ભગવાનના ગ્રુપે મને મારીને ભગાડી દીધો અને કીધું કે તમે નીકળી જાવ નહિંતર મારી નાંખશે ત્યાંથી ભાગીને હું અમદાવાદ આવ્યો અને કોર્ટમાં ગયો.’ ’23 તોલા સોનુ અને રોકડ લઈને ગઈ છે’
તેઓ આગળ કહે છે કે, અમારી દીકરી પાછી આવી જાય એટલી જ માગ છે. 23 તોલા સોનુ અને રોકડ લઈને ગઈ છે એ પાછું આપી દે અને દીકરી પાછી આવી જાય. મેં ટીપે ટીપે બધું ભેગું કર્યું હતું. હું ઇસ્કોન સામે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયો હતો. પરંતુ પોલીસે કીધું કે ઇસ્કોન મોટી સંસ્થા છે અને આ સંસ્થા પર અમે કેસ ના કરી શકીએ. પોલીસ ઇસ્કોનથી ડરે છે. હું હાઇકોર્ટ ગયો અને હાઇકોર્ટે કહ્યું એક મહિનામાં તપાસ કરીને આપો. પોલીસે કોઈ નિકાલ કર્યો નહીં પછી હું નીચલી કોર્ટમાં ગયો અને ત્યાં ત્રણ ચાર મહિના થઈ ગયા પણ કંઈ આવ્યું નહીં. પછી મેં હેબિયસ કોર્પસ કરી. હું હાઇકોર્ટનો આભાર માનું છું. આવતી 9 જાન્યુઆરીએ સુનાવણીનું કહ્યું છે. મારું સેક્સ્યુઅલ હેરસમેન્ટ કર્યું, મહારાજને કંઈ થયું તો તમને નગ્ન કરી દઈશ: યુવતી
એક ઓડિયોમાં દીકરીએ કહ્યું કે, હું છેલ્લી ચેતવણી આપું છું કે, જો મહારાજને કંઈપણ થયું તો હું તમને નગ્ન કરી દઈશ. અત્યાર સુધી તમે લોકોએ મારી સાથે તમે જે કર્યું ને મને માર માર્યો અને મોટાએ મારી સાથે જે કર્યું તથા સેક્સ્યુઅલ હેરસમેન્ટ કર્યું. બાળપણની એક એક વાત યાદ છે. હું બધાના વીડિયો બનાવી મોકલીશ, ઇન્ડિયાના ખૂણે ખૂણે આ જશે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક દ્વારા દુનિયામાં જશે. સમાજની ઘંટી વગાડો છોને તો સમાજમાં હું નગ્ન કરી દઈશ. હું જોવ છું કે તમારો સમાજ કેવી રીતે રાખે છે? ગામમાં ઉભા પણ નહીં રહી શકો. વૃંદાવનથી અત્યારે જ નીકળી જાવ. મારો મગજ એટલો ખરાબ છે કે, હું કંઈપણ કરી દઈશ, મને કોઈ શરમ નથી. તમારા બન્ને પર પોલીસ કેસ કરીશ અને ઇન્ડિયામાં પગ મૂકતા જ પોલીસ પકડી જશે. ઇસ્કોન મંદિરમાં આંખો મળી અને લગ્ન કરી લીધા છે: ACP વી.એન.યાદવ
આ મામલે જી ડિવિઝનના ACP વી.એન.યાદવે જણાવ્યું કે, આ ઘટના છ્ઠ્ઠા મહિનાની છે. મેઘાણી પોલીસ સ્ટેશનમાં અરજી આવી હતી કે મારી દીકરી ગુમ થઈ ગઈ છે. આ અરજીની તપાસ કરી હતી અને તપાસમાં જાણવા મળ્યું કે, દીકરીએ રજિસ્ટર મેરેજ કરી લીધા છે. ત્યાર બાદ ફરી તેમના પિતા દ્વારા ફરી જુલાઈમાં પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે દીકરી ઘરેણા અને રોકડ લઈને ગઈ છે. પરંતુ તેની તપાસમાં કોઈ તથ્ય સામે આવ્યું નહીં એટલે અરજી ફાઇલે કરી દીધી હતી. ઇસ્કોન મંદિરે છોકરા અને છોકરી વચ્ચે મુલાકાત થઈ અને આંખો મળી જતા લગ્ન કરી લીધા. શું છે સમગ્ર મામલો?
નિવૃત્ત આર્મીમેન પિતાએ 6 માસથી ગુમ દીકરીની ભાળ મેળવવા હાઇકોર્ટમાં કરેલી હેબિયસ કોર્પસમાં રજૂઆત કરી હતી કે એસ. જી. હાઇવે પરના ઇસ્કોન મંદિરમાં તેમની દીકરી પૂજા-ભક્તિ-દર્શન કરવા નિયમિત જતી હતી, એ દરમિયાન તે પૂજારીઓના સંપર્કમાં આવતાં તેનું બ્રેઇનવોશ કરી દેતાં દીકરી તેમના પ્રભાવમાં આવી ગઇ હતી, જેથી તેમની દીકરી જૂન 2024ના રોજ ઘરેથી 23 તોલા સોનું અને રૂ.3.62 લાખ લઇ મંદિરના પૂજારી સાથે ભાગી ગઇ હતી. હેબિયસમાં પિતાએ આક્ષેપ કર્યો હતો કે દીકરીને ગેરકાયદે ગોંધી રાખી છે અને મારી દીકરીને જીવનું જોખમ છે. હાઇકોર્ટે પોલીસ કમિશનર સહિત 11 સામે કારણદર્શક નોટિસ કાઢી
હાઇકોર્ટે સરકાર, પોલીસ કમિશનર, મેઘાણીનગર પીઆઇ, ઇસ્કોન સાથે સંકળાયેલા નિલેશ નરસૈંયાદ દેશવાની, સુંગર મામા પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદમુનિ ઉર્ફે નિર્મોઇ મુરલી મનોહર પ્રભુ, અંકિતા સિંધી, હરિશંકર મહારાજ, અક્ષયતિથિ કુમારી અને મોહિત પ્રભુજી મહારાજ સામે નોટિસ કાઢી હતી.