પ્રોડ્યૂસર-ડાયરેક્ટર અનુરાગ કશ્યપ ફિલ્મ ‘રાઈફલ ક્લબ’થી મલયાલમ સિનેમામાં એક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. હાલમાં જ આ ફિલ્મ રીલિઝ થઈ છે, જેમાં અનુરાગ કશ્યપના લૂક અને કેરેક્ટરના ખૂબ વખાણ થઈ રહ્યા છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અનુરાગે જણાવ્યું કે તેને મલયાલમ સિનેમા ખૂબ જ પસંદ છે. તેણે મલયાલમ સિનેમાને બોલિવૂડ કરતાં વધુ સારી ગણાવી હતી. ગલ્ફ ન્યૂઝ સાથેની મુલાકાત દરમિયાન, અનુરાગ કશ્યપે મલયાલમ ફિલ્મમાં કામ કરવાનો તેનો અનુભવો શેર કર્યા. તેણે કહ્યું- હું ‘રાઈફલ ક્લબ’માં કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. જ્યારે ડાયરેક્ટર આશિક અબુએ ફિલ્મની જાહેરાત કરી હતી ત્યારે હું પોતે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર ગયો હતો અને તેની પોસ્ટ પર લખ્યું હતું કે, શું તમને હિન્દી ભાષી એક્ટર જોઈએ છે? આ રીતે હું આ ફિલ્મનો હિસ્સો બન્યો અને આજે હું આ ફિલ્મ કરીને ખૂબ જ ખુશ છું. અનુરાગ કશ્યપે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બોલિવૂડ સાથે સરખામણી કરતા કહ્યું છે કે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી બૉલીવુડ કરતા સારી છે. બોલિવૂડ પર કટાક્ષ કરતા તેણે કહ્યું કે મલયાલમ ફિલ્મોમાં સ્ટાર સિસ્ટમ નથી. કોઈપણ સ્ટાર માટે અલગથી વેનિટી વાન નથી. જ્યારે બોલિવૂડમાં સ્ટાર પોતાને અલગ માને છે અને બાકીના લોકોથી અલગ રહે છે. તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન અનુરાગ કશ્યપે બોલિવૂડમાં સ્ટાર્સની વધતી ફી અને વેનિટી વેનના કલ્ચર વિશે વાત કરી હતી. અનુરાગ કશ્યપે કહ્યું- બોલિવૂડમાં જે રીતે સ્ટાર્સની ફી વધી રહી છે તેનાથી ફિલ્મનું બજેટ ઘણું વધી જાય છે. આ સિવાય તેમની સૌથી ખરાબ માગ એ છે કે તેમના શેફ ખાવાનું બનાવે. જે રોજના 2 લાખ રૂપિયા કૂક માટે ચાર્જ કરે છે. કેટલાક કલાકારો પાસે 5 વેનિટી વાન છે. જેમાં જીમિંગ, રસોઈ, જમવા, સ્નાન અને લાઇન પ્રેક્ટિસ માટે અલગ રૂમ છે. આ પાગલપન છે.