જયદીપ પરમાર
સ્માર્ટ ઈકો વિલેજ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાયુક્ત બગીચા બનાવવા માટે ગુજરાત ઈકોલોજી કમિશને કામગીરી હાથ ધરી હતી. પરંતુ તેમાં કરોડોનું કૌભાંડ થયાનું સામે આવ્યું છે. ઈકોલોજી કમિશને વર્ષ 2019માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના શામળાસર ગામે અદ્યતન બગીચાના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને આસોપાલવ ગાર્ડન કન્સલટન્ટને કામગીરી સોંપી હતી. જેનું 1.26 કરોડનું ચુકવણું પણ ઈકોલોજી કમિશન દ્વારા કરી દેવામાં આવ્યું છે. પરંતુ સ્થળ પર 5 વર્ષમાં એક તણખલું સુધ્ધાં ઉગાડવામાં આવ્યું નથી. સવા કરોડથી વધુની કિંમતનો બગીચો ઈકોલોજી કમિશનના અધિકારીઓ અને એજન્સીના મળતિયાઓ દ્વારા માત્ર કાગળ પર જ બનાવી દઈને સરકારના કરોડો રૂપિયા ઓહિયા કરી ગયા છે. જ્યારે ટેન્ડરમાં નક્કી થયા મુજબ 3.70 એકર વિસ્તારમાં રોપા અને વૃક્ષોનું વાવેતર, કાર્પેટ લોન, કમ્પાઉન્ડ વૉલ, પાણીની ટાંકી સહિત મેન્ટેનન્સની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ કાગળ પર જ બનેલા બગીચાના મેન્ટેનન્સની કામગીરીથી એજન્સીને ઈકોલોજી કમિશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મુક્તિ આપી હોવાનું જોવા મળી રહ્યું છે. વર્તમાન વન અને પર્યાવરણ મંત્રી મુળૂ બેરાના જિલ્લામાં જ આ પ્રકારનું કૌભાંડ ઈકોલોજી કમિશનના કર્મચારીઓએ આચરીને કરોડોનો ભષ્ટાચાર કર્યો છે. ઈકોલોજી કમિશનની નજરમાં આ બગીચો છે. લીલાં ઝાડ, કારપેટ લોન, કમ્પાઉન્ડ વૉલ, પાણીની ટાંકી બધું છે… એટલે બધાં બિલો પાસ કરી દીધાં રજાના દિવસે કામ પૂરું કર્યાનું સર્ટિ. બનાવ્યું, સહી 33મા દિવસે કરી ઈકોલોજી કમિશનના સત્તાધીશો દ્વારા 1 ઓક્ટોબર, 2019ના રોજ મંજૂર કરેલી નોંધ મુજબ આસોપાલવ એજન્સીને 30 દિવસમાં શામળાસર ખાતે બગીચો બનાવવાની કામગીરી પૂરી કરવા જણાવ્યું હતું. કામ પૂરું કર્યાનું સર્ટિફિકેટ મંજૂરીના 13મા દિવસે રવિવારે એટલે કે રજાના દિવસે બનાવી દેવાયું હતું, ઈકોલોજી કમિશનના તત્કાલીન ક્લસ્ટર મૅનેજર કૃપા ઝા, સિનિયર પ્રોજેક્ટ મેનેજર નિશ્ચલ જોશીએ 2 નવેમ્બર, 2019માં સહીસિક્કા કર્યા હતા. કુલ 1,26,20,687 કરોડનું ચુકવણું 2 તબક્કામાં કરાયું હતું. દોષિત નક્કી થાય તો નાણાંની વસૂલાત કરી શકાય: ઇનચાર્જ ડાયરેક્ટર
એજન્સીને કામ પૂર્ણ કરી દીધાનું સર્ટિફિકેટ આપી દેવાયું છે. જેથી તેની સામે પગલાં ભરવા કે કેમ તે પ્રશ્ન છે. આ કૌભાંડમાં સંડોવાયેલાં કર્મચારીઓ અને અધિકારીઓને ફરજ મુક્ત તેમજ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ પણ સરકારમાં 6 માસ અગાઉ જમા કરી દેવાયો છે. અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ એજન્સી પાસેથી નાણાંની વસૂલાત કરવા સંબંધિત આખરી નિર્ણય આગામી દિવસોમાં લેવાશે. – ગંગાશરણ સિંઘ, ઈકોલોજી કમિશનના ઇનચાર્જ ડાયરેક્ટર આ સાઇટનો મને ખ્યાલ નથી…
આસોપાલવ એજન્સીના ચિરાગ પટેલે 1.26 કરોડના શામળાસરના કાગળ પરના બગીચા સંદર્ભે જણાવ્યું હતું કે આ સાઇટનો મને ખ્યાલ નથી. સિનિયર પાર્ટનર એવા મારા મામા મનિષભાઈ સાથે ચર્ચા કરવી પડશે. જગ્યા નક્કી કરી હતી પણ મંજૂરી નહોતી મળી એટલે બગીચો બન્યો નથી- પૂર્વ સરપંચ
શામળાસરના પૂર્વ સરપંચ નવગણભાએ જણાવ્યું હતું કે અમે 2019માં જગ્યા બતાવી હતી પરંતુ મંજૂરી ન મળતાં બગીચો બનાવ્યો ન હોવાનું ગ્રામ પંચાયતને ઈકોલોજી કમિશનના અધિકારીઓએ જણાવ્યું હતું, ગામના વર્તમાન તલાટી મંજુલાબહેન સાથે પણ આ બાબતે ચર્ચા કરતાં તેમણે પણ ગામમાં આ પ્રકારે કોઈ બગીચાનું નિર્માણ થયું ન હોવાનું કહ્યું હતું.