નવીન જોષી
પાકિસ્તાનના સ્થાપક મહમ્મદ અલી ઝીણાની માતૃભાષા ગુજરાતી હતી પણ તેમના જ દેશમાં હવે ગુજરાતીને જીવંત રાખવા આંદોલનનો સહારો લેવો પડ્યો છે. જ્યાં એક સમયે કચ્છી અને ગુજરાતી ભાષાનો જ દબદબો હતો તેવા કરાચીમાં હાલમાં જ વસતીગણતરી અને સરવે ફોર્મમાં ગુજરાતી ભાષા સામેલ કરવા લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા. માત્ર ઉર્દુ અને અંગ્રેજીને જ પ્રોત્સાહન અપાતું હોવાના આક્ષેપો સાથે ગુજરાતીભાષી લોકોએ વિવિધ માંગો જારી કરી હતી.
ગુજરાતી ભાષાના ઉત્કર્ષ અને તેના પાકિસ્તાનમાં ગુમાવેલા સાહિત્યિક તથા ઐતિહાસિક સ્થાનની પૂર્ણ પ્રાપ્તી માટે હવે વિવિધ સંગઠનો સક્રિય થયાં છે. જેમાં ગુજરાતી ભાષા માટે સંઘર્ષ કરી રહેલી ગુજરાતી બચાવ તહેરીક પાકિસ્તાન કરાચી પ્રેસ ક્લબ બહાર દેખાવો યોજવામાં આવ્યા હતા. જ્યાં હાજર વર્લ્ડ ગુજરાતી ઓર્ગેનાઇઝરના ચેરમેન અને પાકિસ્તાન ગુજરાતી જર્નાલિસ્ટ એસોસિઅયેશનના સેક્રેટરી બશીર મહોમ્મદ મુનશીએ ‘ભાસ્કર’ સાથેની ફોન પરની વાતચીતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રાદેશિક સરકાર તરફથી મળી રહેલી મદદ અને સારા પ્રતિસાદને લીધે મહમ્મદ અલી ઝીણા અને મહાત્મા ગાંધીની માતૃભાષા પોતાના ગુમાવેલા સ્થાનને મેળવવામાં ફરી સફળ થશે. પ્રદર્શનમાં મેમણ ગુજરાતી સુપ્રીમ કાઉન્સિલના સેક્રેટરી જનરલ અબ્દુલ કાદર સલાટે માંગણી કરી હતી કે ગુજરાતી ભાષાને પહેલાંની જેમ સરકારી શાળાઅોના અભ્યાસક્રમમાં પ્રાદેશિક ભાષા તરીકે સામેલ કરાય. ગુજરાતી બચાવ તહેરીકના અેડવોકેટ મહોમ્મદ યાસીન મર્ચન્ટે કહ્યું હતું કે જ્યાં સુધી અેક પણ ગુજરાતી જીવે છે ત્યાં સુધી ગુજરાતી ભાષા મરશે નહીં. અહીંના દેખાવોમાં મોટી સંખ્યામાં વોહરા, આગાખાની, હિન્દુઓ, પારસીઓ તથા મેમણ સમાજના લોકો વગેરે હાજર રહ્યા હતા. પાકિસ્તાનના અખબાર ‘ડૉન’માં પણ ગુજરાતી ભાષાની ચિંતા વ્યક્ત કરાઈ
પાકિસ્તાની અખબાર ડૉનના અેક લેખમાં કટારલેખક રઉફ પારેખે ગુજરાતીની પડતી અંગે પ્રકાશ પાડતા કહ્યું છે કે ગુજરાતી ભાષા આ દેશ (પાકિસ્તાન)માં અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરી રહી છે. ભારતમાં જીવંત અને જીવંત ભાષા હોવા છતાં, ગુજરાતી પાકિસ્તાનમાં તેમની માતૃભાષા તરીકે બોલતા લોકો તરફથી દેખીતી ઉદાસીનતાથી પીડાય છે. નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઑથોરિટીના તાજેતરના નિર્ણયમાં આ ભાષાની દુર્દશાનો સરવાળો કરવામાં આવ્યો છે. નાદ્રાએ અરજદારને તેની માતૃભાષા વિશે પૂછતી કૉલમમાંથી ગુજરાતીને કાઢી નાખી છે.