કચ્છના છેવાડે આવેલા લખપત ખાતેના ઐતિહાસિક ગુરુદ્વારામાં શીખ સંપ્રદાયના ધર્મગુરુ ગુરુ નાનકદેવના ત્રિદિવસીય પ્રકાશ પર્વની અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. તેમાં કચ્છ, ગુજરાત ઉપરાંત પંજાબ, દિલ્હી સહિતના રાજ્યમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક મહોત્સવના સમાપન પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ સભ્યે અહીંના પ્રસિદ્ધ ગુરુદ્વારા ખાતે શિશ ઝુકાવી અહીંના વિકાસલક્ષી કાર્યોની પ્રશંસા કરી હતી. લખપતના યુનેસ્કો એવોર્ડ મળેલા ઐતિહાસિક ગુરુદ્વારા ખાતે તા.23થી 25 ડિસેમ્બર સુધી યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત અખંડપાઠ, આશા કી વાર, ભજન, કીર્તન સહિતના કાર્યક્રમમાં કચ્છ તેમજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓને સાથે પંજાબ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ સહિતના રાજ્યોમાંથી સંખ્યામાં શીખ ધર્મના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્રીજા દિવસે ધાર્મિક મહોત્સવ સમાપન કાર્યક્રમમાં કચ્છ મોરબીના સંસદ સભ્ય વિનોદ ચાવડાએ ગુરુદ્વારામાં માથું ટેકવી આશીર્વાદ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, છેવાડે આવેલા અંદાજિત 400 વર્ષ કરતાં પણ જુના અહીંના ગુરુદ્વારાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે, તેવા સરકાર પણ આ ધાર્મિક સ્થળના વિકાસ માટે કટિબઘ બની છે અને રૂ. પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવ્યા બાદ અહીં વિકાસ કામની શરૂઆત થઈ હતી. અત્યારે હજારો અને લાખોની સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે. તેવા આ સ્થળનો હજુ પણ આવનારા દિવસોમાં વિકાસ થશે તેવું જણાવ્યું હતું. કાર્યક્રમના આરંભે લખપત ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ જગતારસિંઘ ગીલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી અહીં વિવિધ વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે. તેમજ અહીંના ધાર્મિક સ્થળ પ્રત્યે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નોંધ લીધી છે, જેના કારણે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના નક્શામાં આ ગુરુદ્વારાએ સ્થાન મેળવ્યું છે. લખપત આવેલા કચ્છ મોરબીના સાંસદનું ગુરુદ્વારા પ્રબંધક કમિટીના રાજુ સરદાર, સૌદાગરસિંગ સરદાર, વિમલ ગુજરાલ, રણજીતસિંઘ સૈની, મહેન્દ્રસિંઘ સરદાર સહિતના લોકો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. સંસદ સભ્ય સાથે જયંત માધાપરિયા, નવ નિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ ગણપત રાજગોર, પૂર્વ પ્રમુખ વેરસલજી તુંવર તેમજ આગેવાનો જસુભા જાડેજા, વિક્રમસિંહ સોઢા, સુરેન્દ્રસિંહ જાડેજા, દિપક રેલોન, જેન્તી શેખાણી સહિતના લોકો જોડાયા હતા.