અમદાવાદમાં પતિ-પત્નીન લગ્ન જીવનનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. લગ્નના 15 વર્ષ બાદ પત્નીને જાણ થઈ હતી કે, પતિએ 15 વર્ષ અગાઉ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. પત્નીએ આ અંગે પતિ સાથે વાત કરી ત્યારે પતિએ પત્નીને ત્રાસ આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. પતિ દહેજ માટે પણ પત્નીને અવારનવાર ત્રાસ આપતો હતો. જેથી, પત્નીએ પતિ સામે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાસરિયાઓએ દહેજ લેવા માટે ત્રાસ આપ્યો
પાલડીમાં રહેતા 39 વર્ષીય મહિલાએ વર્ષ 2010માં નીરવ શાહ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. મહિલાના પતિ નવરંગપુરા દેરાસરમાં નોકરી કરે છે. લગ્ન બાદ તેઓ મહેસાણા ખાતે રહેવા ગયા હતા. લગ્ન બાદ મહિલાને સાસરિયા તરફથી દહેજ લેવા માટે ત્રાસ અપાતો હતો. મહિલાને બાળકીનો જન્મ થતાં પતિએ કહ્યું હતું કે, પિયરમાંથી સોના-ચાંદીના દાગીના અથવા પૈસા લઈ આવ. મહિલા પતિ સાથે પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ
મહિલાના સાસુએ મકાન વેચતા પતિ નીરવ સાથે મળીને 22.51 લાખમાં મકાન લીધું હતું. ત્યારબાદ મહિલા પતિ સાથે અલગ મકાનમાં રહેતા હતા. આ દરમિયાન બંને વચ્ચે તકરાર થતી હતી ત્યારે મહિલાએ એક દિવસ પતિના ફોનમાં બીજી યુવતીને વરમાળા પહેરાવતો ફોટો જોયો હતો. જે બાદ મહિલાએ પતિને પૂછ્યું ત્યારે પતિએ જેમ ફાવે તેમ ગાળો બોલને ગડદા પાટુનો માર માર્યો હતો. પતિએ ધમકી આપી હતી કે, કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ. જેથી, મહિલા ડરના કારણે માતાના ઘરે રહેવા માટે જતી રહી હતી. પતિએ પરિણીત હોવાની વાત છુપાવીને લગ્ન કર્યા
આ દરમિયાન પણ પતિ વોટ્સએપ પર ધમકીભર્યા મેસેજ કરતો હતો. આર્યસમાજમાં જઈને તપાસ કરતા મહિલાને જાણ થઈ કે, તેના પતિએ વર્ષ 2009માં નિકિતા શાહ સાથે પ્રેમ લગ્ન કરેલા હતા. ત્યારબાદ 2010માં આ બાબતની જાણ કર્યા વગર મહિલા સાથે લગ્ન કર્યા હતા. જેથી, પતિએ અપરણિત હોવાનું જણાવીને મહિલા સાથે લગ્ન કરીને માનસિક તથા શારીરિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.