જૂનાગઢ જિલ્લા જેલમાં 19 વર્ષીય કાચા કામના કેદીએ આજે આત્મહત્યા કરી લીધી હતી. બૂટની દોરીને બાથરૂમની બારી સાથે બાંધી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. પાંચ દિવસ પહેલા જ જેલમાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આત્મહત્યા મામલે જેલ તંત્રએ જણાવ્યું કે, મૃતક કેદીના બેરેકના અન્ય કેદીઓને પૂછતા એવું જાણવા મળ્યું કે, જામીનમાં હજુ થોડો સમય લાગશે તેવું પરિવારે જણાવતા કૃણાલને લાગી આવ્યું હતું જેથી તેણે જીવન ટૂંકાવ્યું છે. 5 દિવસ પહેલા જ જેલમાં આવ્યો હતો
આ અંગે મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લા જેલમાં 19 વર્ષના કાચા કામના કેદીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. કૃણાલ વાઘેલા નામનો કેદી 5 દિવસ પહેલા જ જિલ્લા જેલમાં આવ્યો હતો. ત્યારે વેરાવળથી સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલા કૃણાલ વાઘેલા નામના કેદીએ જેલની બાથરૂમની બારીના સળિયામાં બુટની વાદળી બાંધી અને ગળાફાંસો ખાધો છે. જામીનમાં વાર લાગે એમ હોય લાગી આવતા પગલુ ભર્યું
આ ઘટનાની જાણ ઈન્ચાર્જ જેલ અધિક્ષકને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં કૃણાલ વાઘેલા લટકતી હાલતમાં લાશ જોવા મળતાં તાત્કાલિક જુનાગઢ મેડિકલ ઓફિસરને જાણ કરાઈ હતી. કેદીને તપાસતા મેડિકલ ઓફિસરે તેને મૃત જાહેર કર્યો હતો. કેદીની આત્મહત્યા મામલે જૂનાગઢ જિલ્લા જેલ તંત્ર દ્વારા મૃતક કેદીની બેરેકના અન્ય કેદીઓને પૂછતા એવું જાણવા મળ્યું હતું કે, મૃતક કૃણાલ વાઘેલાએ પોતાના પરિવાર સાથે વાત કરી હતી ત્યારે પરિવારે જામીનમાં હજુ થોડો સમય લાગશે તેવું જણાવતા કૃણાલને લાગી આવ્યું હતું. જેથી તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. ઈન્ચાર્જ જેલ અધિક્ષકે શું કહ્યું?
જૂનાગઢ જિલ્લા ઈન્ચાર્જ જેલ અધિક્ષક એચ.ઓ વાળાએ જણાવ્યું હતું કે, આજે સાંસ્કૃતિક હોલમાં કાચા કામના કેદી કૃણાલ પ્રવીણભાઈ વાઘેલાએ આત્મહત્યા કરી છે. આ મામલે જૂનાગઢ જિલ્લા જેલના ફરજ પરના કર્મીઓએ આ બાબતની જાણ મને કરી હતી. આ કાચા કામના કેદી કુણાલ પ્રવીણ વાઘેલાએ બાથરૂમમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. હું અને મારો સ્ટાફ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે કૃણાલ વાઘેલા ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યાં હતા. લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડવામાં આવી
વધુમાં જણાવ્યું કે, આ મામલે જુનાગઢ જિલ્લા જેલના મેડિકલ ઓફિસરને જાણ કરતાં તેઓ તાત્કાલિક જેલ ખાતે પહોંચ્યા હતા. મેડિકલ ઓફિસરે આ યુવાનને તપાસતા તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. હાલ મૃતદેહને પીએમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતક કૃણાલ વાઘેલાની આત્મહત્યા મામલે તેની બેરેકમાં રહેલા અન્ય કેદીઓને પૂછતા એવું જાણવા મળ્યું હતું કે, મૃતક યુવાને જામીન મામલે તેના પરિવાર સાથે વાત કરતા જામીનમાં થોડો સમય લાગે તેમ હોવાના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કેદી કુણાલ વાઘેલા 20/12/2024 એટલે કે 5 દિવસ પહેલા જેલમાં આવ્યો હતો. વેરાવળ પોલીસ સ્ટેશનના સાઈબર ક્રાઇમ હેઠળનો ગુનો મૃતક કુણાલ વાઘેલા વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. વૃદ્ધા સાથે છેતરપિંડીના ગુનામાં કુણાલ જેલમાં હતો
વેરાવળમાં વૃધ્ધાનાં બેંક ખાતામાંથી 17.60 લાખ ટ્રાન્સફર કરી બે યુવકોએ છેતરપિંડી આચરી હતી. વૃધ્ધાને વિશ્વાસમાં લઇ કોલ કરવાને બહાને અવારનવાર બન્ને યુવકો તેમનો ફોન લઈ જતા હતા. મોબાઈલમા કોલ કરવાના બહાને PAYTM ડાઉનલોડ કરી 17.60 લાખ ટ્રાન્સફર કરી લીધાનું સામે આવ્યું હતું. પાડોશમાં રહેતા સચીન રસિકભાઈ પટેલ તેમજ કુણાલ વાઘેલાએ તેમની પાસેથી તેમનો મોબાઈલ અવારનવાર કોલ કરવા માટે લઇ જઈ અને છેતરપિંડી આચરી હતી. જેથી પોલીસે આ બન્ને આરોપીને ઝડપી પાડ્યાં હતા. જે કેસમાં સંડોવાયેલા કુણાલ વાઘેલાએ આજે જેલમાં આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે.