ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં દુષ્કર્મ પીડિતા બાળકીનું મોત થયું છે, જેને લઈને NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના પોસ્ટર હાથમાં રાખીને સૂત્રોચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી રહેલા NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી છે. હર્ષ સંઘવી વિરોધી નારા લાગ્યાં
ગુજરાત યુનિવર્સિટી પાસે NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરો હાથમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના પોસ્ટર સાથે વિરોધ કરી રહ્યા હતા. હર્ષ સંઘવી વિરોધી નારા લગાવી કાર્યકરો રોડ પર બેસી ગયા હતા. પોલીસે તમામ કાર્યકરોને રોકીને અટકાયત કરી હતી.રસ્તા પર બેસી ગયેલા કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત પણ કરી હતી. NSUI અને યુથ કોંગ્રેસે હર્ષ સંઘવીના રાજીનામાની પણ માગ કરી હતી. ગુજરાતની જનતાને સરકાર સુરક્ષા આપવામાં નિષ્ફળઃ મહામંત્રી
યુથ કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં 695 કરતા વધુ માસૂમ બાળકીઓ પર દુષ્કર્મની ઘટના બની છે. સરકાર મોટી મોટી વાતો કરી કામ બતાવવાની વાતો કરે છે. ભોગ બનનારને અને ગુજરાતની જનતાને સરકાર સુરક્ષા આપવામાં નિષ્ફળ ગઈ છે, જેથી ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી અમારી માગ છે.